• યુકેમાં ૩૫,૦૦૦ કટ્ટર ઈસ્લામવાદી

Tuesday 05th September 2017 07:34 EDT
 

બ્રિટનમાં ૩૫,૦૦૦ કટ્ટર અને ઝનૂની ઈસ્લામવાદીઓ રહે છે, જે સંખ્યા સમગ્ર યુરોપમાં કોઈ પણ દેશની સરખામણીએ વધુ છે. ઈયુ ત્રાસવાદવિરોધી વડા જાઈલ્સ દ કેરચોવે ચેતવણી આપી હતી કે આ ઝનૂની ઈસ્લામવાદીઓમાંથી ૩,૦૦૦ સુરક્ષા એજન્સી MI5માટે શિરદર્દ બનેલા છે. ૫૦૦ કટ્ટરવાદીઓને સતત નિગરાણી હેઠળ રાખવાની ફરજ પડે છે. ફ્રાન્સમાં ૧૭,૦૦૦ કટ્ટર ઈસ્લામવાદી છે.

• જાતીય હુમલાખોર ડોક્ટરને જામીન 

૧૩ વર્ષથી ઓછી વયની કિશોરી અને અન્ય ૫૪ વ્યક્તિ પર જાતીય હુમલા સહિત ૧૧૮ જાતીય અપરાધ આચરનારા ડો. મનીષ શાહને બાર્કિંગસાઈડ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા જામીન અપાયા છે. હવે તે ૨૭ સપ્ટેમ્બરે સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર થશે. ડોક્ટર શાહ સામેના આરોપોમાં ૬૫ તો બળજબરીથી સંભોગ અને ૫૨ આરોપ જાતીય હુમલાના છે. આ ઘટનાઓ જૂન ૨૦૦૪થી જુલાઈ ૨૦૧૩માં તેની ધરપકડ સુધીના ગાળા દરમિયાન તેના એસેક્સના રોમફર્ડ ક્લિનિકમાં ઘટી હતી.

• ૬૦ બાળકોના વીર્યદાતા પિતા 

વીર્યદાનની માગ વધતી રહી હોવાથી બિનસત્તાવાર સ્પર્મ ડોનર્સ માત્ર ૩૦ પાઉન્ડની નજીવી કિંમતે યુગલોને પોતાની સેવા આપી રહ્યા છે. અંકુશ હેઠળની સ્પર્મ બેન્ક્સ અને IVF સારવારમાં એક સાયકલનો ખર્ચ ૫,૦૦૦ પાઉન્ડ જેટલો આવે છે. આ પરિસ્થિતિમાં નજીવી કિમંમતે વીર્યદાન કરનારાનો જાણે રાફડો ફાટ્યો છે. એક ડોક્યુમેન્ટરીમાં એક વ્યક્તિએ તે ૬૦થી વધુ બાળકોનો પિતા હોવાની કબૂલાત કરી હતી. જોકે, તેણે પત્નીને પોતાના કારનામાઓથી બેખબર જ રાખી હતી.

• ફર્નિચરમાં માઈગ્રન્ટ્સને છુપાવવા બદલ જેલ 

ગત વર્ષે ફેબ્રુઆરીમાં વાનની અંદર લાકડાના ફર્નિચરમાં છુપાવી પાંચ ઈરાકીઓને યુકેમાં ઘૂસાડવાનો પ્રયાસ કરનારા હુઝાઈફા હાસનને કેન્ટરબરી ક્રાઉન કોર્ટ દ્વારા સાડા ત્રણ વર્ષ જેલની સજા ફરમાવાઈ છે.સ્કનથોર્પના હાસનને યુકે બોર્ડર પોલીસ દ્વારા કેલે નજીક અટકાવાયો હતો. તપાસ દરમિયાન અંદરના ફર્નિચરમાંથી ત્રણ પુરુષ, એક સ્ત્રી અને બાળક મળી આવ્યાં હતા. હાસને આ લોકો વાનમાં કેવી રીતે ઘૂસી આવ્યાં તેનાથી પોતે અજાણ હોવાની દલીલ કરી હતી.

• ગ્રેનફેલ ઈમિગ્રેશન એમ્નેસ્ટી લંબાવાઈ 

ગ્રેનફેલ ટાવરની આગથી અસર પામેલા વિદેશી નાગરિકોને ઈમિગ્રેશન એમ્નેસ્ટી ત્રણ મહિના એટલે કે ૩૦ નવેમ્બર સુધી લંબાવાઈ હોવાની જાહેરાત હોમ ઓફિસે કરી હતી. ૧૪ જૂનની આગ દુર્ઘટનામાં બચી ગયેલા ઘણા લોકો દેશમાં ગેરકાયદે વસતાં હતાં. આ લોકો સામા પગલે સત્તાવાળા સમક્ષ આવે તે માટે તેમને દેશનિકાલ કરાવા સામે રક્ષણ આપવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter