ઈમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ ગુડવીલે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ પછી બ્રિટિશ સહેલાણીઓએ યુરોપની મુલાકાત માટે કદાચ યુએસ પદ્ધતિ પ્રમાણે વેઈવર સિસ્ટમ માટે રકમ ચૂકવવી પડશે. ઈયુ દ્વારા યુએસ પદ્ધતિ અપનાવવા વિચાર ચાલે છે. યુએસની Electronic System for Travel Authorisation (ESTA) ચોક્કસ યાત્રા સંબંધિત હોતી નથી અને કેટલીક ૧૦ વર્ષ માટે પણ અપાય છે. ESTAની કિંમત ૧૪ ડોલર અથવા ૧૧ પાઉન્ડ આવે છે, જે થકી બ્રિટિશ મુલાકાતીઓ ૯૦થી ઓછા દિવસ માટે વિઝા વિના યુએસની મુલાકાત લઈ શકે છે.
• વાનગીઓનાં નામથી કેમ્બ્રિજ મુશ્કેલીમાં
કેમ્બ્રિજની સૌથી ધનવાન કોલેજીસમાં એક પેમબ્રોકને તેના મેનુ વિશે ફેરવિચાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વંશીય લઘુમતી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે ‘જમૈકન સ્ટ્યુ’ અને ‘ટ્યુનિશિયન રાઇસ’ જેવા વાનગીઓનાં નામ તેમની સાંસ્કૃતિક ઓળખ અંગે ગેરમાર્ગે દોરનારા છે અને મૂળ દેશમાં આવી વાનગીઓ બનતી જ નથી. કોલેજની ફૂડ કમિટીની બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો.
• ખાનગી હોસ્પિટલ અસુરક્ષિત ગણાવાઈ
કેર ક્વોલિટી કમિશને બ્રિટનની સૌથી મોટી ખાનગી મેડિકલ ચેઈન BMI હેલ્થકેર દ્વારા કેન્ટમાં સંચાલિત ફોકહામ મેનોર હોલ્પિટલને અસુરક્ષિત ઠરાવતા ખળભળાટ મચ્યો છે. હેલ્થ ઈન્સ્પેક્ટર્સને સ્ટાફ દ્વારા કહેવાયું હતું કે હોસ્પિટલમાં ક્વોલિટી અને સલામતીના બદલે નાણાકીય લક્ષ્યાંકોને પાર પાડવાને પ્રાથમિકતા અપાય છે.
• બેરિસ્ટરની બારમાંથી હકાલપટ્ટી
આશરે ૬૦,૦૦૦ પાઉન્ડની કિંમતના એક કિલોથી વધુ કોકેઈનના જથ્થા સપ્લાય કરવાના ગુનામાં સજા કરાયેલા ક્રિમિનલ લો બેરિસ્ટર ઓમર મોહમ્મદ ખાનની બારમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. હડર્સફિલ્ડના ખાનને ગયા વર્ષના એપ્રિલમાં ત્રણ વર્ષની સજા કરાઈ હતી. તેણે અને અન્ય ત્રણ વ્યક્તિએ ક્લાસ એ ડ્રગ્નો પુરવઠો પૂરો પાડવાના કાવતરાનો સ્વીકાર કર્યો હતો.
• સુપરમાર્કેટમાં શોપિંગ પછી હાથ ધુઓ
ફૂડ સેફ્ટી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સુપરમાર્કેટ્સમાં ખરીદી કરનારા લોકોએ કુદ ભોજન કરતા અને બાળકોને ખવડાવતા પહેલા હાથ અવશ્ય ધોવાં જોઈએ. દર વર્ષે અંદાજે ૯ મિલિયન ચિકન પેક્સ વેચાય છે, જેના કન્ટેનર્સની બહાર જીવલેણ બેક્ટેરિયા ખદબદતાં હોય છે. યુકેમાં ગયા વર્ષે ૪૮૫,૦૦૦ લોકોના મોત ફૂડ પોઈઝનિંગથી થયાં હતાં.
• એક પાઉન્ડના કરોડો સિક્કા સોફાની અંદર
આ વર્ષના ઉત્તરાર્ધમાં એક પાઉન્ડનો વર્તમાન સિક્કો ચલણમાંથી બંધ થવાનો હોવાથી બ્રિટિશ નાગરિકોને ૧.૧ બિલિયન પાઉન્ડ ગુમાવવા પડે તેનું જોખમ છે. એક અભ્યાસ મુજબ સરેરાશ એક વ્યક્તિના એક પાઉન્ડના ૧૫ સિક્કા સોફાની અંદર ભરાઈ ગયા હોય છે કે ઘરમાં ગમે ત્યાં મૂકી દેવાય છે. ૧૮-૨૪ વયજૂથ માટે આવા સિક્કાની સંખ્યા ૨૫ હોવાનું જણાયું હતું. એક અને બે પાઉન્ડના મૂલ્યના નવા સિક્કા ૨૮ માર્ચથી ચલણમાં આવશે અને જૂનો એક પાઉન્ડનો સિક્કો ૧૫ ઓક્ટોબર સુધી ખરીદી માટે ઉપયોગમાં લઈ શકાશે. જોકે, ૮૭ ટકા નાગરિકો આનાથી માહિતગાર નથી.
• જાડા હો તો પડાય પણ ખરું...
૧૮ સ્ટોન એટલે કે ૧૧૫ કિલોની મહિલા જાઝ પ્રસંશક મિસિસ એરન હુસૈન ક્લબની સીડીઓ પરથી પડી ગઈ તો તેણે અંધારુ હોવાનું જણાવી જાઝ ક્લબ પાસેથી નાણા વસૂલવાનો દાવો કર્યો હતો. જોકે, જજે તેનો દાવો ફગાવતા કહ્યું હતું કે ૨૦૧૨ની પાર્ટીમાં તેના પડી જવા માટે ક્લબ જવાબદાર નથી. મિસિસ હુસૈને શરાબ પીધો હતો, તે બેદરકાર હતી અને તેનું વજન ઘણું વધારે હતું. મિસિસ હુસૈન પડી જવાથી કાંડા અને એલ્બોને ઈજા પહોંચી હતી.

