બ્રિટને ઈયુ છોડવાનો જનમત લીધો તેના ૧૨ મહિનામાં જ યુરોપિયન બેન્કોએ તેમની બેલેન્સ શીટ્સમાંથી યુકે સંબંધિત એસેટ્સમાંથી ૩૫૦ બિલિયન યુરો પાછાં ખેંચી લીધાં છે. યુકે સંબંધિત એસેટ્સમાં ૧૭ ટકાનો ઘટાડો હાર્ડ બ્રેક્ઝિટના સંજોગોમાં સંભવિત નુકસાન સામે પોતાનું રક્ષણ કરવા માટે છે. આંકડા અનુસાર બેંકોએ પોતાની જવાબદારીઓ ૧.૬૭ ટ્રિલિયન યુરોથી ઘટાડી ૧.૩૪ ટ્રિલિયન યુરો સુધી કરી છે. ઈયુ અને યુકે વચ્ચે કોઈ કરાર કે સમજૂતી ન થાય તો કાનૂની જોખમો ઉભાં થવાનો બય યુરોપિયન બેન્કોને છે. પરંતુ જો બધું સરખું ઉતરશે તો આજ બેન્કો પરત ફરી શકે છે.
• બળાત્કારના ગુનામાં જેલ
સીરિયલ કિલર રોઝ વેસ્ટના ૩૮ વર્ષીય ભત્રીજા સ્ટીવન લેટ્સને ૧૨ વર્ષીય બાળા પર બળાત્કાર કરવાના ગુનામાં આઠ વર્ષ તેમજ ઘરફોડ ચોરીના અન્ય ગુનામાં ૧૦ વર્ષની જેલની સજા ગ્લોસ્ટર ક્રાઉન કોર્ટે ફરમાવી છે. લેટ્સે માર્ચ મહિનામાં આ છોકરીના અપહરણ અને પોતાના પ્લેટમાં તેના પર બળાત્કાર ગુજાર્યાના આરોપોને નકાર્યા હતા. લેટ્સે આ સજાઓ લાગલગાટ ભોગવવાની રહેશે.
• ગ્રાન્ડપેરન્ટ્સના લાડ બાળકોનું આરોગ્ય બગાડે
પરિવારોમાં ગ્રાન્ડપેરન્ટ્સના લાડ-પ્યાર બાળકોનું આરોગ્ય બગાડતા હોવાના સામાન્ય તારણોને ૧૮ દેશોમાં ૫૬ અભ્યાસોને ધ્યાનમાં લીધાં પછી વિજ્ઞાનીઓએ સમર્થન આપ્યું છે. આના પરિણામે પેરન્ટ્સ અને ગ્રાન્ડપેરન્ટ્સ વચ્ચે સંઘર્ષ પણ સર્જાય છે. બાળકો બરાબર ખાતાં ન હોવાની માનસિકતા સાથે ગ્રાન્ડપેરન્ટ્સ તેમને વધુ પડતું ખવડાવે છે, જેમાં ગળ્યાં અને જંકફૂડના પદાથોનું પ્રમાણ વધારે રહે છે. આવા નુકસાનકારી આહારના કારણે બાળકો સ્થૂળ બને છે. બાળકોને કસરત કરાવવાનો મુદ્દો પણ તેઓ જતો કરે છે.
• વિદ્યાર્થીને ‘ગર્લ્સ’ સંબોધન ન કરવા સલાહ
ગર્લ્સ સ્કૂલમાં પણ વિદ્યાર્થીને ‘ગર્લ્સ’ અથવા ‘લેડીઝ’ તરીકે સંબોધન કરાવું ન જોઈએ કારણકે તેનાથી તેઓને પોતાના જેન્ડર કે લિંગનું સતત ભાન રહે છે. સરકારના પૂર્વ મેન્ટલ હેલ્થ નિષ્ણાત નટાશા ડેવોને દેશની અગ્રણી ગર્લ્સ સ્કૂલ્સના હેડ ટીચર્સને સલાહ આપી હતી કે છોકરીઓ અને છોકરાઓને સંબોધન કરવામાં તેમણે લૈંગિક તટસ્થતા જળવાય તે રીતે ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.
• પ્રદૂષણ લોકોમાં નપૂંસકતા લાવી શકે
વાહનો સહિત કારખાનાઅોના ધૂમાડા કેટલાક યુગલોને તેમની ફળદ્રૂપતા પર ખરાબ અસર કરવા સાથે તેમને નપૂંસક બનાવી શકે તેવી ચેતવણી ઓક્યુપેશનલ એન્ડ એન્વિરોન્મેન્ટલ મેડિસીનમાં પ્રસિદ્ધ કરાયેલા એક અભ્યાસમાં અપાઈ છે. સતત વ્યસ્ત માર્ગો પર રહેતા પુરુષોના સ્પર્મ સામાન્યની સરખામણીએ નાના અને ખરાબ-વિકૃત આકારના બને તેવું જોખમ ૨૬ ટકા વધુ હોવાની ચેતવણી સાથે વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે આના પરિણામે બિનફળદ્રૂપ યુગલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે.
• જુદા જુદા ડોક્ટર્સની મુલાકાત આરોગ્ય બગાડે
વૃદ્ધ લોકોને જુદા જુદા જીપી પાસે મોકલવામાં આવે તો આશ્ચર્યજનક તબીબી પરિસ્થિતિઓ સાથે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધે છે. બ્રિસ્ટોલ યુનિવર્સિટી દ્વારા ૧૦,૦૦૦ પેશન્ટ્સના સર્વેમાં જાણવા મળ્યું હતું કે જેઓ એક જ ફેમિલી ડોક્ટરની મુલાકાત લઈ શક્યા ન હોય તેમને ઈમર્જન્સી ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવા પડે તે જોખમ બમણાથી વધુ રહે છે. દરેક નવા પ્રેક્ટિશનર સમક્ષ દર્દીએ પોતાનો તબીબી ઈતિહાસ કહેવો પડે છે, જેના કારણે સમયનો બગાડ થાય છે તેમજ ગંભીર બીમારીના નિદાન થઈ ન શકવાનું જોખમ વધી જાય છે.

