વુલ્વરહેમ્પટનમાં ૨૨ વર્ષીય યુ ટ્યુબ પ્રેન્કસ્ટારે પોતાનું માથું માઈક્રોવેવમાં નાખ્યું હતું. તે ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે પાંચ ફાયરફાઈટરોને એક કલાકની જહેમત કરવી પડી હતી. તેણે અને તેના મિત્રોએ તેના માથાની ફરતે પોલીફીલા રેડ્યું હતું. મિત્રોએ માથું બહાર કાઢવા દોઢ કલાક મહેનત કરી હતી. ઈમરજન્સી સર્વિસને બોલાવતા પહેલા તેમણે અંદર એર ટ્યૂબ પણ નાખી હતી.
• મરજી વિરુદ્ધજીવિત રખાયેલા દર્દીના પરિવારને £૪૫૦૦૦નું વળતર
ઓક્ટોબર, ૨૦૧૨માં સ્ટ્રોકનો ભોગ બનેલી ૮૧ વર્ષીય બ્રેન્ડા ગ્રાન્ટને ડોક્ટરોએ તેની અને તેના પરિવારની મરજી વિરુદ્ધ ૨૨ મહિના સુધી જીવિત રાખી હતી. તે જાતે બોલી ચાલી કે ખાઈ શકતી ન હતી. પરિવારે તેની મરજી વિરુદ્ધ જીવન લંબાવવા બદલ જ્યોર્જ ઈલિયટ હોસ્પિટલ NHS ટ્રસ્ટ સામે કાનૂની કાર્યવાહી કરી હતી. જેમાં કોર્ટ બહારના સમાધાનમાં NHS દ્વારા તેમને ૪૫,૦૦૦ પાઉન્ડ ચૂકવાયા હતા.
• મર્યાદા બહારના ક્લેમ માટે લેબરના ચીફ વ્હિપ રાજીનામુ આપશે
હાઉસ ઓફ લોર્ડ્સમાં લેબર પાર્ટીના ૬૪ વર્ષીય ચીફ વ્હિપ બ્રાઈટનના લોર્ડ બેસમ રેલ ટિકિટો અને રેલ ભાડા પાછળ ટ્રાવેલ ખર્ચ તરીકે ૪૧,૦૦૦ પાઉન્ડનો કલેમ કર્યો હોવાની કબૂલાત બાદ રાજીનામુ આપશે. તેમણે આ રકમ પરત ચૂકવવાની પણ વાત કરી હતી. જેરેમી કોર્બીનની શેડો કેબિનેટના સભ્ય બેસમે લોર્ડ્સ ઓફિસ હોલ્ડર્સ એલાઉન્સ હેઠળ મળેલી પરવાનગી મુજબ સાત વર્ષના ગાળામાં કુલ ૨૬૦,૦૦૦ પાઉન્ડના ખર્ચનો ક્લેમ કર્યો હતો. જોકે, તેની વાર્ષિક મર્યાદા ૩૬,૬૦૦ પાઉન્ડની છે.
• કાઉન્સિલના સભ્યોને Mrs. Miss અથવા Ms માંથી પસંદગીનો વિકલ્પ
ઈસ્ટ સ્ટેફર્ડશાયર બરો કાઉન્સિલે મહિલા સભ્યોના નામ પહેલા લગાવાતા Mrs. Miss અથવા Ms ટાઈટલ પર પ્રતિબંધ મૂકવાના કન્ઝર્વેટિવ કાઉન્સિલર ડેનિસ ફ્લોરેન્સ જૂક્સના પ્રસ્તાવને મતદાનથી ફગાવી દીધો હતો.
• યુવતીઓના શોર્ટ સ્કર્ટ મુદ્દે સ્ટુડન્ટ યુનિયનના સેક્રેટરીનું રાજીનામુ
ડરહામ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના સેક્રેટરી ડેવિડ વાન એગને પોતાના હોદ્દેથી એમ કહીને રાજીનામુ આપ્યું હતું કે યુવતીઓ શોર્ટ સ્કર્ટ પહેરે છે તેનાથી બળાત્કારને ઉત્તેજન મળે છે. શ્વેત લોકોની સર્વોપરિતા અને બળાત્કારના મુદ્દે તેણે ટીકા કરી હતી. એગને જણાવ્યું હતું કે આ વાત મકાનના દરવાજા ખૂલ્લા રાખીને જવા જેવી છે.
• ચીને પ્રતિબંધ મૂકતા પ્લાસ્ટિક રિસાયકલ માટે કાઉન્સિલ ઈનકાર કરી શકશે
વિદેશી કચરા સામેની ઝુંબેશના કારણે ચીન આગામી માર્ચથી ઈમ્પોર્ટેડ રિસાયકલ વેસ્ટ પર સ્વીકારશે નહીં. ચીને આ પ્રતિબંધ મૂકતા કાઉન્સિલો હવે પ્લાસ્ટિક રિસાયકલ માટે ઈનકાર કરી શકશે અને ટેક્સની રકમ પણ વધારે તેવું બને. બ્રિટન વપરાયેલા પ્લાસ્ટિકના કુલ જથ્થામાંથી ૬૬ ટકા જેટલો ફાર ઈસ્ટના દેશોને મોકલે છે.
• આતંકવાદના ગુનામાં શ્વેત શકમંદોની ધરપકડનો આંક વિક્રમ સપાટીએ
યુકેમાં આતંકવાદ સંબંધિત ધરપકડોમાં શ્વેતોની સંખ્યા વધીને વિક્રમ સપાટીએ પહોંચી છે. સત્તાવાર આંકડા મુજબ આતંકવાદના ગુનાની શંકાના આધારે ગયા વર્ષે યુકેમાં ૪૦૦ લોકોને અટકમાં લેવાયા હતા. જે તેની અગાઉના ૧૨ મહિનાની સંખ્યામાં ૫૪ ટકાનો વધારો દર્શાવે છે. અગાઉ ૮૧ની ધરપકડ સામે ગયા વર્ષે ૧૪૩ શ્વેત લોકોની ધરપકડ કરાઈ હતી.
• બ્રિટિશર ISILનો સ્નીપર હોવાનો ગુનેગાર
માન્ચેસ્ટર સુસાઈડ બોમ્બર સાથે સંપર્ક ધરાવતા ૨૬ વર્ષીય બ્રિટિશ જેહાદી મોહમ્મદ અબ્દુલ્લાને ઓલ્ડ બેલી ક્રાઉન કોર્ટે ISILનો સ્નીપર હોવાનો ગુનેગાર ઠેરવ્યો હતો. કોર્ટને જણાવાયું હતું કે તે ISILમાં ભરતી થવા માગતો હતો અને મૂળ માન્ચેસ્ટરના ૩૪ વર્ષીય સ્ટીફન ગ્રે અને ૨૮ વર્ષીય રેમન્ડ માટીમ્બા સહિત ત્રણ સાથી જેહાદીઓને મળવા માગતો હતો. તે ૨૦૧૪માં તેના વિકલાંગ ભાઈની મદદથી સીરિયા ગયો હતો.

