વડા પ્રધાન થેરેસા મે યુવા વર્ગને હાઉસિંગ બેનિફિટ રદ કરવાની દિશામાં આગળ વધવા મક્કમ છે. આના પરિણામે, યુવાનો તેમના પેરન્ટ્સ સાથે રહેવા મજબૂર બનશે અથવા તેમણે ભાડું ભરવું પડશે. નવા યુનિવર્સલ ક્રેડિટ રેગ્યુલેશન્સ હેઠળ ૨૨ વર્ષથી ઓછી વયના બેરોજગાર યુવાનો હાઉસિંગ બેનિફિટને પાત્ર નથી. બીજી તરફ, ચેરિટી સંસ્થાઓએ આશા દર્શાવી છે કે આ યોજના હજારો યુવાનોને શેરીઓમાં આવી જવાની ફરજ પાડશે તેથી સરકાર તે માર્ગે આગળ નહિ વધે.
• સાઈકલિસ્ટના મોત બદલ માત્ર £૮૦નો દંડ
આગળપાછળ જોયા વિના ટેક્સીનું બારણું ખોલી સાઈકલિસ્ટને ગતિમાં આવતી વાનના માર્ગમાં ધકેલનારી પેસેન્જર મહિલાને લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા માત્ર ૮૦ પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો હતો. અન્ય વ્યક્તિનો જીવ જોખમાય તે રીતે બારણુ ખોલવાનો ગુનો પેસેન્જર મેન્ડી ચેપલે સ્વીકાર્યો હતો. ટેક્સી ડ્રાઈવર ફારુક ભીખુએ વાહનનું બારણુ ખોલવાની પરવાનગી આપ્યાનો ગુનો નકાર્યો હતો. તેની સામે જૂન મહિનામાં લફબરો મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ટ્રાયલ ચલાવાશે.
• ઘર ખરીદવા ‘ગ્રાન્ડ પેરન્ટ બેન્ક’નો આશરો
પ્રથમ વખત ઘર ખરીદવાની ઈચ્છા રાખતી ૧૦માંથી લગભગ એક વ્યક્તિ ‘ગ્રાન્ડ પેરન્ટ બેન્ક’નો આશરો લેતી હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. પ્રોપર્ટીની નીસરણી ચડવામાં પ્રથમ પગલું માંડવાની ઈચ્છા રાખનારા લોકોમાં આશરે આઠ ટકા લોકો ઘરની રોકડ ડિપોઝિટ આપવા માટે ‘ગ્રાન્ડ પેરન્ટ બેન્ક’ પર આધાર રાખે છે.
• રહીમ મોહમ્મદી પર હત્યાનો આરોપ
નોર્થ-વેસ્ટ લંડન ખાતે એલોટમેન્ટના ગેરેજમાં મળી આવેલા ૮૦ વર્ષીય પેન્શનર લી એડ્રી-સોએજોકોના મૃતદેહ સબબે ઈસ્ટ લંડનના રહીમ મોહમ્મદી પર હત્યાનો આરોપ લગાવાયો હતો. ઈસ્ટ લંડનના મોહમ્મદીને વિમ્બલ્ડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો.

