વૃદ્ધોની સરખામણીએ ૨૫ વર્ષથી ઓછી વયના યુવાનો ઓનલાઈન નાણાકીય છેતરપીંડીનો શિકાર બને તેવું જોખમ વધુ રહે છે. આ લોકોને ટેકનોલોજી પર વધુપડતો વિશ્વાસ હોય છે. પોલિસી નેટવર્ક થિન્ક ટેંકના અભ્યાસ અનુસાર યુવાનો પોતાની અંગત વિગતો આપવામાં ખચકાતા નથી. ૧૮-૨૪ વયજૂથના યુવાનોમાં ૮૦ ટકાથી વધુ પોતાના ઈમેઈલ એડ્રેસ શેર કરવા તૈયાર રહે છે અને ૨૯ ટકા યુવાનો સિક્યોરિટી ક્વેશ્ચનના ભાગરુપે પોતાની માતાના પ્રથમ નામ પણ જણાવે છે. આનાથી વિરુદ્ધ ૫૫ વર્ષથી વધુ વયના ૬૦ ટકા લોકો જ ઈમેઈલ એડ્રેસ શેર કરવા તૈયાર રહે છે.
• દવાના બદલે ડાન્સનાં પ્રીસ્ક્રિપ્શનની સલાહ
ફેમિલી ડોક્ટર્સે દરેક પ્રકારની બીમારીઓ માટે ગોળીઓ કે દવાનું પ્રીસ્ક્રિપશન લખી આપવાના બદલે ગાર્ડનિંગ અને ડાન્સિંગ જેવી પ્રવૃત્તિઓની સલાહ આપવી જોઈએ તેમ હેલ્થ સત્તાવાળાઓએ જણાવ્યું છે. એક સંશોધનમાં જણાયું હતું કે બીમાર વ્યક્તિઓ આવી પ્રવૃત્તિ કરે તેનાથી જીપી વિઝિટ્સ અને ઈમર્જન્સી-અકસ્માત વિભાગોની મુલાકાતોમાં ૨૫ ટકાથી વધુ ઘટાડો થયો હતો. આના પરિણામે, ફેમિલી ડોક્ટર્સને ‘સોશિયલ પ્રીસ્ક્રાઈંગ’નો માર્ગ અપનાવવા અનુરોધ કરાઈ રહ્યો છે.
• મોબાઈલ શોપ્સ લૂંટતી મોપેડ ગેંગને સજા
મોપેડ્સ પર આવી મોબાઈલ શોપ્સમાં લૂંટી લેવાના દરોડા પાડતી ગેંગના દસ સભ્યને ઝડપી લેવાયા છે. બ્લેકફ્રીઆર્સ ક્રાઉન કોર્ટે આ લોકોને સાતથી ૧૩ વર્ષ સુધી જેલની સજા ફરમાવી હતી. ગયા વર્ષે પહેલી મેથી ૨૭ નવેમ્બરના ગાળામાં ૧૭ દુકાનો પર આવી લૂંટથી મોબાઈલ કંપનીઓને ૧.૨ મિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું. ગેંગના સભ્યોમાં કર્ટની વ્હાઈટ, મોમિનુર રહેમાન, મોહમ્મદ હુસૈન, ચાંગ માબિઆલા, મોહમ્મદ અલી, ક્રિસ કોસ્ટી, બોબી કેનેડી, આલ્ફી કેનેડી, આદમ અટ્ટાલાહ અને ડાયલન કાસ્ટાનો લોપેઝનો સમાવેશ થયો છે.
• હલાલ માંસના પ્રતિબંધને પડકારાશે
શાળાઓમાં હલાલ માંસ પર પ્રતિબંધ લગાવવાની લેન્કેશાયર કાઉન્ટી કાઉન્સિલની યોજનાને મસ્જિદો દ્વારા કાનૂની પડકાર અપાશે. કાઉન્સિલ આગામી મહિનાથી નવો કોન્ટ્રાક્ટ દાખલ કરવાની છે, જે હેઠળ શાળાઓએ પ્રાણીઓને આઘાત આપી મારી નાખનારા સપ્લાયર્સ પાસેથી બિન-હલાલ માંસની ખરીદી કરવાની રહેશે.
• મુસ્લિમ ઈવેન્ટ્સ માટે ચર્ચની બેઠકો ખસેડાશે
માન્ચેસ્ટર નજીક ઓલ્ડહામમાં સેન્ટ થોમસ વેરનેથ ચર્ચને સ્થાનિક બહુમતી મુસ્લીમ વસ્તીના કાર્યક્રમો યોજવા માટે ચર્ચની બેઠક વ્યવસ્થાને દૂર કરવાની પરવાનગી અપાઈ છે. ૧૯મી સદીનું આ ચર્ચ આ વિસ્તારમાં એકમાત્ર ચર્ચ છે અને વિસ્તારમાં ૮૮ ટકા વસ્તી નોન-વ્હાઈટ બ્રિટિશ છે. જોકે, ધ વિક્ટોરિયન સોસાયટીએ ગ્રેડ-ટુ લિસ્ટેડ ચર્ચને આ યોજનાથી નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરી છે.

