ક્વીન એલિઝાબેથ દ્વિતીયે સૌથી લાંબા શાસનનો વિક્રમ કર્યો ત્યારે ૪૩ વર્ષીય ટેક્સી ડ્રાઈવર ડેવિડ વાઝે તેમને ભેટસ્વરૂપે ૫૦ પાઉન્ડની નોટ મોકલી આપી હતી. વાઝે ઈચ્છા વ્યક્ત કરી હતી કે રોયલ હાઈનેસ આ રકમમાંથી તેમને મનગમતી વિશિષ્ટ ચાની મોજ માણે. જોકે, તેને આ ચલણી નોટ સાભાર પરત કરી દેવાઈ હતી. રાણીના લેડી ઈન વેઈટિંગે લખેલાં પત્રમાં જણાવાયું હતું કે રાણી કોઈ પ્રકારની નાણાકીય ભેટ સ્વીકારી શકતાં નથી.
ડેવિડે કહ્યું હતું કે રાણી મારા માટે માતા જેવા છે. થોડાં વર્ષો અગાઉ, ડેવિડની હાલત ખરાબ હતી ત્યારે તેણે રાણીને પત્ર લખી પોતાની દુર્દશા વિશે જણાવ્યું હતુ. રાણીએ તેનો પ્રત્યુત્તર પાઠવતાં ડેવિડ ખુશ થયો હતો.
• એન્ટિ-ડોપિંગ વોચડોગના વડાએ રિપોર્ટ દબાવ્યો
યુકેના એન્ટિ-ડોપિંગ (UKAD) વોચડોગના વડા નિકોલ સેપસ્ટીડે આગામી રિયો ઓલિમ્પિક્સની તૈયારીઓ દરમિયાન એથેલેટિક્સમાં માદક પદાર્થોના સેવન અંગેનો રિપોર્ટ દબાવી રાખવા પ્રયાસ કર્યાનો આક્ષેપ થયો છે. બ્રિટિશ ઓલિમ્પિક એસોસિયેશનના વડાને સેપસ્ટીડે ઈમેઈલ પાઠવ્યા હતા કે છેતરપીંડી વિશે ખરાબ પ્રસિદ્ધિ નિવારી શકાય. પત્રમાં માત્ર પોઝિટિવ સમાચારોને જ મહત્ત્વ આપવા જણાવાયું હતું. વિશ્વના અગ્રણી બ્લડ ટેસ્ટિંગ નિષ્ણાત માઈકલ એશેન્ડેને પણ સેપસ્ટીડની ટીપ્પણીને ચિંતાજનક ગણાવી હતી.
• ઈસ્લામિક ફેઈથ હીલર ઝકરિયા ઈસ્લામની હત્યા
ઈસ્ટ લંડનના વ્હાઈટચેપલમાં રુક્યા થેરાપી સેન્ટરમાં કાળા જાદુ અને ભૂત-પ્રેત વળગાડની સારવારના કેન્દ્રમાં ચાકુ મારીને ૪૬ વર્ષીય ઈસ્લામિક ફેઈથ હીલર ઝકરિયા ઈસ્લામની હત્યા કરાઈ હતી. હત્યાની શંકાએ ઘટનાસ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ પણ થઈ હતી. ઝકરિયા ઈસ્લામ રુક્યા સેન્ટરના સહસ્થાપક હતા અને ૧૦ કરતા વધુ વર્ષથી જાદુટોણા, વળગાડની સારવાર કરતા હતા.
• લોકોના સ્મગલિંગને અટકાવવા અભિયાન
લિબિયામાં લોકોનું સ્મગલિંગ કરનારાઓ વિરુદ્ધ યુરોપના અભિયાનમાં બ્રિટિશ યુદ્ધજહાજ HMSરિશમોન્ડ પણ ભાગ લેશે. આ જહાજમાં ૨૦૦ ખલાસી અને રોયલ મરિન્સ હશે. લોકોનાં સ્મગલિંગથી માઈગ્રન્ટ કટોકટીને ઉત્તેજન મળે છે. HMSરિશમોન્ડ આગામી મહિનાથી ડિસેમ્બર મધ્ય સુધીના ગાળામાં નોર્થ આફ્રિકા અને ઈટાલિયન કાંઠા વચ્ચે આંતરરાષ્ટ્રીય જળમાં કાર્યરત રહેશે. નિર્વાસિતો અને માઈગ્રન્ટ્સ લગભગ જીર્ણ બોટ્સમાં યુરોપ સુધી પ્રવાસ આદરે ત્યારે તણાઈ જવાનો ભય સૌથી વધુ રહે છે.
• એન્ટિડિપ્રેશન દવાઓ હિંસા જન્માવે છે
એન્ટિડિપ્રેસન્ટ્સ લેનારો યુવાવર્ગ હિંસક અપરાધ આચરે તેવી શક્યતા વધુ હોવાનું યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોએ જણાવ્યું છે. ૧૫-૨૪ વયજૂથના લોકો પ્રોઝેક જેવી સીલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઈન્હિબિટર્સ જવાઓ લેતાં હોય ત્યારે તેમનામાં ૪૩ ટકામા બળાત્કાર, હત્યા અને હુમલા જેવા ગુના વધવાનું જોખમ રહેલું છે. સંશોધકોએ ૧૫થી વધુ વર્ષની સમગ્ર સ્વીડિશ વસ્તીના ડેટાને ધ્યાનમાં લીધો હતો. ૨૦૦૬-૨૦૦૯ના ગાળામાં આશરે આઠ મિલિયન લોકોમાંથી ૮૫૦,૦૦૦ને એન્ટિડિપ્રેસન્ટ્સ પ્રીસ્ક્રાઈબ કરાઈ હતી.
• ડ્રોનના દુરુપયોગ બદલ પાઈલોટને સજા
ડ્રોનના દુરુપયોગ માટે સૌપ્રથમ વખત સજા સિક્યુરિટી ગાર્ડ નાઈજલ વિલ્સનને કરાઈ છે. તેણે બકિંગહામ પેલેસ અને હાઉસ ઓફ પાર્લામેન્ટ નજીક નાનુ અમાનવ એરક્રાફ્ટ ઉડાવ્યું હતું. વિલ્સનને ૧૮૦૦ પાઉન્ડના દંડ ઉપરાંત, બે વર્ષ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. જજે વિલ્સનને કહ્યું હતું કે ૧૦૦ મીટરની ઊંચાઈએથી વિડીઓ શૂટિંગ કરવામાં તેણે જાહેર સલામતી તરફ દુર્લક્ષ સેવ્યું હતું.