જસ્ટિસ સેક્રેટરી એલિઝાબેથ ટ્રુસ અને લોર્ડ ચાન્સેલર દ્વારા જાહેર કરાયેલા કાનૂની સુધારા અનુસાર બળાત્કારનો શિકાર બનેલા કથિત પીડિતોએ કોર્ટમાં જીવંત ઉલટતપાસનો સામનો કરવો નહિ પડે. સપ્ટેમ્બર મહિનાથી કથિત રેપ વિક્ટિમ્સ પ્રી-રેકોર્ડેડ વીડિયો દ્વારા એવિડન્સ આપી શકશે. ટ્રાયલ શરૂ થયા પછી આ વીડિયો જ્યુરી સમક્ષ દર્શાવવામાં આવશે. બાળ યૌનશોષણ ગુનાઓમાં પ્રી-રેકોર્ડેડ વીડિયો એવિડન્સનો રાષ્ટ્રવ્યાપી ઉપયોગ શરૂ કરી દેવાયો છે.
• સારી શાળા નજીક રહેવાનો ઊંચો ખર્ચ
પેરન્ટ્સે સંતાનને સારી પ્રાઈમરી શાળામાં અભ્યાસ કરાવવા નજીક ઘરમાં વસવાટ કરવા પાછળ વધારાના ૧૯,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરવો પડે છે. જો સારી સેકન્ડરી સ્કૂલની નજીક વસવાટ કરવો હોય તો વધારાના ૧૬,૦૦૦ પાઉન્ડ ખર્ચવા પડે છે. આના પરિણામે, મોટા ભાગના પરિવારોએ સંતાનો માટે સારી શાળા ગુમાવવી પડે છે. સારી પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલ નજીકના મકાનોની કિંમત ૮થી ૧૦ ટકા ઊંચી રહે છે.
• ડ્રગ્સના ટ્રાયલમાં જોડાયેલાં ડાયાબિટીક્સને જોખમ
ડાયાબિટીસ ધરાવતા લોકો હાર્ટ અને કિડની રોગો સામે રક્ષણ આપતી ડ્રગ્સના ટ્રાયલમાં જોડાય છે પરંતુ તેમના માટે અંગૂઠા અને પગનું એમ્પ્યુટેશન કરાવવાનું જોખમ બમણું થઈ જાય છે. યુરોપમાં ડઝનબંધ લોકોએ Cangliflozin દવાની ટ્રાયલમાં સ્વૈચ્છિકપણે જોડાયાં પછી અંગવિચ્છેદ કરાવવો પડ્યો હોવાનું મનાય છે. યુકેની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ જાહેર કર્યા અનુસાર આવા પરીક્ષણોમાં જોડાયેલાં ૨૪૩ બ્રિટિશરોમાંથી છ વ્યક્તિએ તેમના અંગ ગુમાવવા પડ્યાં હતાં. સામાન્યપણે ડાયાબિટીસ ધરાવતાં દર ૧૦૦૦ દર્દીઓમાંથી ત્રણથી ચાર દર્દીએ તેમની રક્તવાહિનીઓને ગંભીર નુકસાન થયાં પછી અંગવિચ્છેદ કરાવવો પડે છે.
• નાની ચેરિટીઝને વધુ વિદેશી દાન
મોટી ચેરિટી સંસ્થાઓ કરદાતાના નાણાનો કેવો ખર્ચ કરે છે તેની જોરદાર ટીકાઓ થયાં પછી નાની ચેરિટીઝને વિદેશી સહાય ખર્ચમાં લાખો પાઉન્ડ મળતાં થશે. નવા સરકારી ફંડ દ્વારા દરેક નાની ચેરિટીને ૫૦,૦૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ ઓફર કરવામાં આવશે, જે દરિયાપારની સમસ્યાઓના નિરાકરણમાં સંકળાયેલી પરિવાર સંચાલિત ચેરિટીઝ માટે લાભકારી નીવડશે. ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલ દ્વારા નવા ‘સ્મોલ ચેરિટીઝ ચેલેન્જ ફંડ’ની જાહેરાત કરવામાં આવી છે.

