દરરોજ એક મુઠ્ઠી હેઝલનટ્સ, કાજુ, પિસ્તા અથવા અઠવાડિયામાં પાંચ વખત બ્રાઝિલનટ્સ ખાવાથી હૃદયરોગનું જોખમ ૨૫ ટકા જેટલું ઘટી જાય છે. વારંવાર નટ્સ ખાતા લોકોને નળીઓ બ્લોક થઈ જવાની અથવા હાર્ટ એટેક આવવાની શક્યતા ખૂબ ઘટી જતી હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. નટ્સમાં વિટામીન અને ફેટી એસિડ હોય છે જે કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર ઘટાડવામાં મદદરૂપ થાય છે.
• સમલિંગી પુરુષે સહપ્રેમીઓને HIVનો ચેપ લગાડ્યો
સમલિંગી ૨૭ વર્ષીય ડેરિલ રોવે પાંચ સહપ્રેમીઓને HIVનો ચેપ લગાડ્યોહતો અને અન્યો માટે તેનું જોખમ ઉભું કર્યું હતું. લેવિસ ક્રાઉન કોર્ટે હેરડ્રેસર રોવને ઈરાદાપૂર્વક શારીરિક હાનિ પહોંચાડવા માટે પાંચ કાઉન્ટ અને તેમ કરવાના પ્રયાસ બદલ પાંચ કાઉન્ટનો દોષિત ઠેરવ્યો હતો. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ઈરાદાપૂર્વક લોકોને એચઆઈવીનો ચેપ લગાડવાનો આ પ્રથમ કિસ્સો બન્યો હતો. રોવને આજીવન કેદની સજા થાય તેવી શક્યતા છે.
• પરિવારની મરજી વિરુદ્ધ દર્દીને જીવતો રખાયો
હૃદયરોગના હુમલા પછી બ્રેઈન ડેમેજથી પીડાઈ રહેલા અને માત્ર મિ. વાય તરીકે જાણીતા બાવન વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેંકરને સરકારી સોલિસિટરની દખલને લીધે જીવિત રખાયા છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં કોર્ટની દરમિયાનગીરી વિના પરિવાર અને ડોક્ટરની સંમતિથી દર્દીના જીવનનો અંત લાવવામાં આવે છે. પરંતુ, આ કિસ્સામાં સોલિસિટરે દલીલ કરી હતી કે આ બાબતે કોર્ટની સલાહ લેવી જોઈએ જેથી નિર્ણયની ચકાસણી થઈ શકે.
• સૌથી વધુ વખત પરણનારે નવમી ફિયાન્સી ગુમાવી
બ્રિટનના સૌથી વધુ વખત લગ્ન કરનાર ૬૯ વર્ષીય રોન શેપર્ડને નવમી અને તેનાથી ૪૧ વર્ષ નાની ફિયાન્સી છોડી જતા તેમણે જણાવ્યું હતું કે હવે તે વધુ પરિપક્વ મહિલા શોધશે. સાતમી પત્ની સાથે હતા ત્યારે તેઓ ફિલિપીનો મૂળની અને કોલ સેન્ટરમાં કામ કરતી ૨૮ વર્ષીય ક્રિસ્ટલ મર્ક્વિસને મળ્યા હતા. તેઓ ઓનલાઈન વાત કરતા હતા અને આઠમી પત્ની સાથેના લગ્નસંબંધ તૂટ્યા પછી શેપર્ડે મર્ક્વિસને પ્રપોઝ કર્યું હતું.
• કેર હોમની વાર્ષિક ફી વધીને સરેરાશ £૩૩,૦૦૦
રેસિડેન્શિયલ અને નર્સિંગ હોમની ફી વધીને વર્ષે સરેરાશ ૩૩,૦૦૦ પાઉન્ડ પર પહોંચી ગઈ હોવાનું સર્વેમાં જણાયું હતું. કેર હોમમાં જગ્યા મેળવવા માટેના ખર્ચમાં ગયા વર્ષે ૯.૬ ટકાનો વધારો નોંધાયો હતો, જે તેની અગાઉના વર્ષે થયેલા વધારા કરતા લગભગ બમણો છે. ૨૦૧૨માં આવો પહેલો સર્વે હાથ ધરાયો હતો ત્યારે આ રકમ વાર્ષિક સરેરાશ ૨૭,૪૦૪ પાઉન્ડ હતી.
• બચતોપર વધેલા વ્યાજદરની અસર આપવામાં બેંકો દ્વારા વિલંબ
છેલ્લા એક દાયકાથી પોતાની થાપણો પર ઓછું વળતર મેળવી રહેલા બચતકારોને વધેલા વ્યાજ દર મુજબ વળતર આપવામાં લોઈડ્ઝ, બાર્ક્લેસ, એચએસબીસી, સેન્ટાન્ડર અને રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ જેવી બ્રિટનની સૌથી મોટી પાંચ બેંક દ્વારા થતા વિલંબથી બચતકારોને રોજનું ૪ મિલિયન પાઉન્ડનું નુક્સાન થઈ રહ્યું છે. બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા તાજેતરમાં જ વ્યાજદર વધારીને ૦.૨૫ ટકાથી ૦.૫૦ ટકા કરાયો હતો.

