લંડન ટ્રાન્સપોર્ટમાં જાતીય હુમલાનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ હુમલાનો શિકાર બનેલાને આગળ આવવા પ્રોત્સાહન આપવા નવા કેમ્પેઈનનો આરંભ કરાયો છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડનના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬માં સેક્સ હુમલાઓના ૫૫૪ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે, જે સંખ્યા અગાઉના ૧૨ મહિનામાં ૪૦૬ હતી. માત્ર એક વર્ષમાં ધરપકડ કરાયેલાની સંખ્યામાં ત્રીજા ભાગથી વધુ ઉમેરો થયો છે. લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું છે કે પેસેન્જરને સલામત રાખવા એ તેમની પ્રાથમિકતા છે. TfL અને પોલીસ દ્વારા ૨૦૧૩માં પબ્લિક ટ્રાન્સપોર્ટમાંથી જાતીય હુમલા નાબૂદ કરવા પ્રોજેક્ટ ગાર્ડિયન લોન્ચ કરવામાં આવ્યો પછી હુમલાનું રિપોર્ટિંગ વધ્યું હતું.
• ત્રાસવાદમાં શ્વેત લોકોની સંડોવણી વધી
જમણેરી આતંકવાદમાં થયેલા વધારાના ભાગરૂપે ત્રાસવાદી ગુનાઓમાં સંડોવાયેલા શ્વેત લોકોની ધરપકડની સંખ્યા વધી રહી છે. હોમ ઓફિસના આંકડા મુજબ ગયા વર્ષે આતંકવાદની શંકાના આધારે ધરપકડ કરાયેલા લોકો પૈકી ૩૫ ટકા લોકો શ્વેત હતા, જે સંખ્યા ૨૦૧૫માં ૨૫ ટકા હતી. સુરક્ષા સૂત્રના જણાવ્યા મુજબ સીરિયામાં ISISમાટે લડીને પરત ફરી રહેલા શ્વેત બ્રિટન્સની વધી રહેલી સંખ્યા પણ એક પરિબળ છે અને ખતરો વધી રહ્યો છે.
• રોચડેલ કાઉન્સિલ અપશબ્દો પર પ્રતિબંધ લગાવશે
ગ્રેટર માન્ચેસ્ટરની રોચડેલ કાઉન્સિલ જાહેર સ્થળોએ ખરાબ ભાષા અને અપશબ્દો બોલવા પર પ્રતિબંધ લગાવવા માગે છે. આ માટે પબ્લિક સ્પેસીસ પ્રોટેક્શન ઓર્ડર જારી કરવામાં આવશે. ખરાબ ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કરનારને ચેતવણી અપાશે, દૂર કરાશે અથવા સ્થળ પર જ ૮૦ પાઉન્ડને દંડ ફટકારાશે. વાણી સ્વાતંત્ર્યના હિમાયતીઓએ આ દંડને લોકોના માનવાધિકારના ઉલ્લંઘન સમાન ગણાવ્યો છે. આ પગલા હેઠળ ભીખ માગવી, આમતેમ ઘૂમવું, એન્ટિ-સોસિયલ પાર્કિંગ, ઘોંઘાટિયું સંગીત વગાડવું, શેરીઓમાં શરાબપાન, કારના એન્જિનનો ઘોંઘાટ, ગેરકાયદે ચેરિટી ઉઘરાવવી અને સ્કેટબોર્ડિંગ સહિતની પ્રવૃત્તિઓ તેમજ ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિને રાત્રિના ૧૧થી સવારના ૬ સુધી ટાઉન સેન્ટરમાં આવવા પર પણ પ્રતિબંધિત કરી શકાશે.
• પત્નીને લેક્સેટિવ્ઝ આપવા બદલ જેલ
પત્નીને છૂપી રીતે લેક્સેટિવ્ઝથી ઝેર આપવા બદલ શ્રોપશાયરના ડેવિડ સ્મિથને શેરિફ કોર્ટે ૪૨ મહિના જેલની સજા ફરમાવી હતી. ડેવિડે તે પૂર્વ SAS હીરો અને ડિફેન્સ કોન્ટ્રાક્ટર હોવાની બડાશો હાંકી પત્ની એલિઝાબેથને ભરમાવી હતી. તેણે ત્રણ વર્ષ સુધી બ્યુટી થેરાપિસ્ટ પત્નીને લેક્સેટિવ્ઝ ઝેર આપ્યું હતું, જેના પરિણામે તે સખત બીમાર પડી હતી અને તેને મોતનો ભય લાગ્યો હતો. આ દંપતીની મુલાકાતના છ મહિના પછી એલિઝાબેથનું આરોગ્ય રહસ્યમય રીતે કથળવાં લાગ્યું હતું. સ્મિથે બેદરકારીપૂર્ણ અને ગુનાઈત વર્તન કબૂલી લીધું હતું.
• મહિલા માટે વાર્ષિક બ્રેસ્ટ સ્ક્રીનિંગ જરૂરી?
એક સંશોધન અનુસાર ૫૦થી વધુ વયની ચારમાંથી એક મહિલાએ દર વર્ષે બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવવી જોઈએ. અત્યારે NHS દ્વારા ૫૦-૭૪ વયજૂથની મહિલાઓને દર ત્રણ વર્ષે મેમોગ્રામ્સ કરાવાય છે. જોકે, ‘હાઈ ડેન્સિટી’ સ્તન ધરાવતી મહિલાને દર વર્ષે બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવવા અમેરિકન સંશોધને સલાહ આપી છે. આશરે ૨૫ ટકા મહિલાને બ્રેસ્ટમાં ઘણા ઊંડે વધુ ગાંઠાત્મક અને ઓછી ચરબી ધરાવતા ટિસ્યુ હોય છે, જેને સ્પર્શથી અલગ પારખી શકાતાં નથી. આવી મહિલાઓને સામાન્ય સ્ત્રીઓની સરખામણીએ કેન્સર થવાની શક્યતા છ ગણી હોય છે અને ઊંડા બ્રેસ્ટ ટિસ્યુઝમાં ચેતવણીજનક નિશાનીઓ મેમોગ્રામ્સથી જાણવાનું પણ મુશ્કેલ બની રહે છે.

