• લંડનમાં ડિઝલ કાર બંધ કરાવવા માગ

Monday 12th December 2016 10:08 EST
 

ડોક્ટર્સ અને હેલ્થ પ્રોફેશનલ્સે રાજધાનીમાંથી તમામ ડિઝલ કાર પર પ્રતિબંધ લગાવવા મેટર સાદિક ખાન સમક્ષ માગણી મૂકી છે. ડોક્ટર્સ અગેઈન્સ્ટ ડિઝલ કેમ્પેઈન ગ્રૂપે લંડનમાં વિરોધ પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે ૯,૪૦૦ લંડનવાસી ડિઝલના ધૂમાડાના કારણે અકાળે મોતનો શિકાર બને છે. પેરિસ, માડ્રિડ, મેક્સિકો સિટી અને એથેન્સે ૨૦૨૫ સુધીમાં ડિઝલ વાહનો પર પ્રતિબંધની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જોકે, મેયરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શહેરમાં કાર પર પ્રતિબંધ લગાવવાની કાનૂની સત્તા મેયર પાસે નથી.

• ‘હી’ અને ‘શી’ના બદલે ‘ઝી’

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાતિવાચક સર્વનામ ‘He’ અને ‘She’ના બદલે સર્વસામાન્ય ‘Ze’નો ઉપયોગ કરવા જણાવાયું છે. વિદ્યાર્થી યુનિયનની પત્રિકામાં જણાવાયું છે કે ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓની લાગણી ઘવાય નહિ તે માટે આ પગલું લેવાયું છે. ઓક્સફર્ડની આચારસંહિતામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિ માટે ઈરાદાપૂર્વક ખોટા સર્વનામનો ઉપયોગ અપરાધ ગણવામાં આવે છે. તટસ્થ જાતિવાચક સર્વનામનો ઉપયોગ લેક્ચર્સ અને સેમિનાર્સમાં કરાશે તેવી આશા વિદ્યાર્થીઓ સેવી રહ્યા છે.

• ઈ-સિગારેટ્સ પણ સલામત નથી

અમેરિકાના સૌથી સીનિયર ડોક્ટર અને સર્જન જનરલ વિવેક મૂર્તિએ ચેતવણી આપી છે કે ધૂમ્રપાનની ટેવ છોડાવવા ઈ-સિગારેટ્સનો ઉપયોગ કરાય છે પરંતુ, ઈ-સિગારેટ્સ પણ સલામત નથી. તેનાથી યુવાનોમાં નિકોટીનનું બંધાણ, મગજના વિકાસની સમસ્યાઓ અને મૂડ ડિસઓર્ડર્સનું જોખમ રેહે છે. જોકે, યુકેમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા એવી સલાહ અપાય છે કે ઈ-સિગારેટ્સનો ઉપયોગ ધૂમ્રપાનની લત છોડાવવા કરી શકાય છે.

• હજારો ગ્રામ્ય પોસ્ટ ઓફિસો સામે જોખમ

દેશના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત હજારો પોસ્ટ ઓફિસો સામે જોખમ ઉભું થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં લોકોને નજીકમાં એક પોસ્ટ ઓફિસ મળવી જોઈએ તેવા નિયમની મિનિસ્ટર્સ દ્વારા સમીક્ષા કરાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારને પોસ્ટ ઓફિસ પાછળ વાર્ષિક ૮૦ મિલિયન પાઉન્ડની સબસિડી અપાય છે તેમા કાપ મૂકવાની વિચારણા થઈ રહી છે. હવે પોસ્ટ ઓફિસ માટેના ધોરણોની સમીક્ષા કરાયા પછી વધુ પોસ્ટ ઓફિસો બંધ કરી દેવાય તેવી આશંકા છે.

• લાઈબ્રેરીઓ બંધ કરવા સામે લડત

કાઉન્સિલો દ્વારા લાઈબ્રેરીઓ બંધ કરવા સામે મિનિસ્ટર્સે લડત ઉપાડી છે. નાણા બચાવવા હોય ત્યારે સૌપ્રથમ લાઈબ્રેરીનો શા માટે ભોગ લેવાય છે તેવો પ્રશ્ન લાઈબ્રેરીઝ મિનિસ્ટર રોબ વિલ્સને સ્વીન્ડન કાઉન્સિલના અધિકારીઓને કર્યો હતો. કાઉન્સિલે તેની ૧૫માંથી ૧૦ લાઈબ્રેરી બંધ કરવાની દરખાસ્ત મૂકી ત્યારે મિનિસ્ટરે અધિકારીઓને મળવા બોલાવ્યા હતા. લાઈબ્રેરીઝ એક્ટ ૧૯૬૪ હેઠળ વિલ્સન પાસે તપાસ કરવાનો અને નિર્ણયો ઉલટાવવાની સત્તા છે.

• યુકેના બાળ શરણાર્થીઓ અદૃશ્ય

કેલે જંગલમાંથી બ્રિટન લવાયેલા શરણાર્થી બાળકોમાંથી કેટલાકની ભાળ મળતી નથી. આ બાળકોને દેહવેપાર અથવા ગુલામીમાં ઘસડી જવાયાની આશંકા કાઉન્સિલો અને સપોર્ટ વર્કર્સ દ્વારા વ્યક્ત કરાઈ છે. બાળકોની કાળજી માટે સ્થાનિક કાઉન્સિલોના પ્રવક્તા ડેવિડ સિમોન્ડ્સે જણાવ્યું હતું કે માનવ તસ્કરો યુકેમાં પ્રવેશવા માટે બાળકો સાથે અગાઉ સંમત નાણાકીય લેવડદેવડ મુદ્દે આવા બાળકોનો પીછો કરતા રહે છે. આ લોકોને નાણા આપવા શરણાર્થી બાળકો અદૃશ્ય થઈ ગયા હોવાની શંકા છે. પોલીસને ૧૬ વર્ષીય એક તરુણ પ્રોસ્ટિટ્યુટ તરીકે કામ કરતો મળી આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter