યુરોપમાં તાજેતરના ત્રાસવાદી હુમલાઓ સંદર્ભે મેટ્રોપોલિટન પોલીસે લંડનમાં વધુ ૬૦૦ સશસ્ત્ર પોલીસ ગોઠવી છે. લંડનમાં ત્રાસવાદી જોખમનું લેવલ ‘તીવ્ર’ રખાયું છે, પરંતુ આ ગોઠવણી ચોક્કસ ગુપ્તચર બાતમીના આધારે થઈ નથી. વધારાના સશસ્ત્ર અધિકારીઓ જનતાની નજર સમક્ષ જ હશે તેમજ પગપાળા અને વાહનોમાં સમગ્ર લંડનમાં કાર્યરત હશે. હોમ ઓફિસના માર્ચ ૨૦૧૬ સુધીના આંકડા અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સશસ્ત્ર અધિકારીઓની સંખ્યામાં આઠનો ઘટાડો થયો છે. જોકે, આગામી ૧૮ મહિનામાં વધારાના નિશાનેબાજ ગોઠવવા કાર્યવાહી થઈ રહી છે. લંડનમાં સાત જુલાઈ ૨૦૦૫ના દિવસે અંડરગ્રાઉન્ડ ટ્રેન અને એક બસમાં ચાર ત્રાસવાદી દ્વારા બોમ્બવિસ્ફોટમાં બાવન વ્યક્તિના મોત થયાં હતાં.
• યુવા વર્ગને મોટા પાયે સેક્સની સમસ્યા
બ્રિટનમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સહિતની સંસ્થાઓ પાસેથી ભંડોળ મેળવતા જાતીય આરોગ્ય વિષયક નેશનલ સર્વે ઓફ સેક્સ્યુઅલ એટિટ્યુડ્સ એન્ડ લાઈફસ્ટાઈલ્સ (Natsal-3)ના તારણો અનુસાર મોટા ભાગના યુવાન લોકો સેક્સમાં પીડા, પરાકાષ્ઠાના અભાવ તેમજ ઈન્ટરકોર્સમાં મુશ્કેલી સહિતની યૌન સમસ્યાઓ અનુભવે છે. ગત વર્ષમાં જાતીય રીતે સક્રિય ૧૬-૨૧ વયજૂથના ૩૩.૮ ટકા તરુણ અને યુવાનો તથા ૪૪.૪ ટકા યુવતીઓને ઓછામાં ઓછી એક સમસ્યા નડી છે, જે ત્રણ મહિના સુધી રહી હતી. જાતીયપણે સક્રિય ૧,૮૭૫ અને ૫૧૭ નિષ્ક્રિય સ્ત્રી-પુરુષના અભ્યાસે જણાવ્યું છે કે યુવા વર્ગને જાતીય રોગો, અનિચ્છિત ગર્ભાવસ્થા ટાળવા સંબંધે માહિતી અને મદદની જરુર રહે છે. અભ્યાસમાં ૨૨ ટકા સ્ત્રીએ અને ૧૦.૫ પુરુષે તેમને સેક્સમાં રસ નહિ હોવાનું જણાવ્યું હતું.
• કન્ઝર્વેટિવ દાતાનો નાઈટહુડ માટે ઈનકાર
પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન દ્વારા ઓનર્સ લિસ્ટ સંબંધે વિવાદ ઘેરો બની રહ્યો છે ત્યારે ટોરી પાર્ટીના અગ્રદાતા ઈઆન ટેલરે આ યાદીમાં તેમનું નામ હોય તો તે રદ કરવા વડા પ્રધાન થેરેસા મેને વિનંતી કરી હતી. તેમણે પૂર્વ વડા પ્રધાન કેમરનને પણ પત્ર પાઠવ્યો છે. વિટોલના ઓઈલ એક્ઝિક્યુટિવ ટેલરે ઈયુતરફી પ્રચાર અભિયાનમાં અને ટોરી પાર્ટીને મોટું દાન આપ્યું હોવાનું કહેવાય છે. તેમની કંપની બાબતે આક્ષેપો થયા હોવાથી ટેલર નારાજ છે. ટોરી પાર્ટીના દાતાઓ, સહાયકો અને ઈયુ પ્રચારતરફીઓને બદલો વાળવાના કેમરનના નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે.
• યુકેમાં ઈયુ નાગરિકોની નોંધણીમાં ૧૪૦ વર્ષ લાગશે
માઈગ્રેશન ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર વર્તમાન નોંધણી પ્રક્રિયા હેઠળ યુકેમાં સ્થાયી યુરોપિયનોના વસવાટ દાવાઓનો નિકાલ લાવતા આશરે ૧૪૦ વર્ષ લાગી શકે છે. સંસ્થાના વિશ્લેષણ મુજબ ૨૦૧૬ના આરંભે યુકેમાં રહેતા યુરોપિયન ઈકોનોમિક એરિયાના તમામ નાગરિકો આ જ વર્ષમાં કાયમી વસવાટ માટે અરજી કરે તો વર્તમાન પદ્ધતિ હેઠળ આશરે ૧૪૦ વર્ષ સુધી કાર્યવાહી ચાલતી રહેશે. બ્રિટનમાં વસતા ત્રણ મિલિયનથી વધુ ઈયુ માઈગ્રન્ટનું રજિસ્ટ્રેશન સરકાર માટે ભગીરથ કાર્ય બની રહેશે તેમ એજન્સી કહે છે. વર્તમાન નિયમો હેઠળ બ્રિટનમાં સતત પાંચ વર્ષના વસવાટ પછી તેઓ યુકેમાં કાયમી વસવાટનો અધિકાર મેળવી શકે છે.
• ડાયાબીટીસ દવાઓ પાછળ NHS ને એક બિલિયન પાઉન્ડનો ખર્ચ
ડાયાબીટીસના દર્દીઓની સંખ્યામાં ભારે વધારાથી NHSને ટાઈપ-૧ અને ટાઈપ-ટુ ડાયાબીટીસના દર્દીઓ માટે પ્રાથમિક સારવાર-સંભાળ પાછળ ખર્ચામાં ૧૦ ટકાનો વધારો થશે. ડાયાબીટીસની દવાઓ પ્રીસ્ક્રાઈબ કરવાનો ખર્ચ વધીને વાર્ષિક એક બિલિયન પાઉન્ડ જેટલો થયો છે. ઈંગ્લેન્ડમાં ડાયાબીટીસની સારવાર અને સંભાળ માટે જીપી, નર્સીસ અને્ ફાર્માસિસ્ટ્સ દ્વારા પ્રીસ્ક્રાઈબ કરાયેલી તમામ દવાઓ પાછળ NHS દ્વારા ૯૫૬.૭ મિલિયન ડોલરનો ખર્ચ કરાયો હતો. યુકેમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા વધીને ૪૦ લાખ થઈ છે, જે ૧૦ વર્ષમાં ૬૫ ટકાનો વધારો સૂચવે છે.
• બંધક અમીનાને યુકે પાછી મોકલવા આદેશ
સાઉદી અરેબિયામાં પિતા મોહમ્મદ અલ-જેફરી દ્વારા બંધક રખાયેલી ૨૧ વર્ષીય અમીનાને ૨૧ સપ્ટેમ્બર સુધીમાં યુકે પરત મોકલી આપવા હાઈ કોર્ટના જસ્ટિસ હોલમેને આદેશ કર્યો છે. જોકે, ચુકાદાના અમલપાલનમાં મુશ્કેલી હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. વેલ્સના સ્વાન્સીમાં ઉછરેલી અમીના બ્રિટિશ અને સાઉદી નાગરિકત્વ ધરાવે છે. કોઈ યુવકને અમીનાએ કિસ કર્યાં પછી પિતાએ તેને કેદ કરી છે, તેને ભોજન-પાણી અપાતાં ન હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે સાઉદી સરકાર મોહમ્મદને આ કેસ લડવાનો ખર્ચ આપી રહી છે. લંડનસ્થિત સાઉદી રાજદૂત સમક્ષ પણ અમીનાનો મુદ્દો ઉઠાવાયો છે.
• HSBCના છમાસિક નફામાં ૨૯ ટકાનો ઘટાડો
યુકેની સૌથી મોટી બેન્ક HSBCદ્વારા બ્રેક્ઝિટના કારણે બજારોમાં અરાજકતાથી વર્ષના પૂર્વાર્ધના નફામાં ૯.૭ બિલિયન ડોલર એટલે કે ૨૯ ટકાનો ઘટાડો થયાનું જાહેર કર્યું છે. બેન્કે તેના બ્રાઝિલિયન બિઝનેસનું વેચાણ કર્યા પછી ૨.૫ બિલિયન ડોલર (૧.૮ બિલિયન પાઉન્ડ) મૂલ્યના શેરનું પ્રથમ બાયબેક જાહેર કર્યા પછી નફામાં ઘટાડા છતાં શેર્સમાં ઉછાળો આવ્યો હતો. નાણાકીય અપરાધો વિરુદ્ધ સુરક્ષા મજબૂત કરવા યુએસ રેગ્યુલેટરના આદેશનો તેણે ભંગ કર્યો હોવાનું પણ બેન્કે કબૂલ્યું છે.

