• લંડનવાસીઓ ઈશ્વરની વધુ ભક્તિ કરે છે

Tuesday 29th March 2016 06:29 EDT
 

બ્રિટનનાં અન્ય શહેરોમાં રહેતા લોકો કરતાં લંડનવાસીઓ ઈશ્વરની વધુ ભક્તિ કરતા હોવાનું નેટસેન સોશિયલ રિસર્ચના અભ્યાસમાં જણાયું છે. ગત ૧૫ વર્ષમાં ઈમિગ્રન્ટસની વધેલી સંખ્યાને લીધે પાટનગર તથા દેશનાં બાકીના વિસ્તારો વચ્ચે વર્તન અને મુલ્યોનો તફાવત વધી ગયો છે. ૨૦૦૧ના દાયકાના પ્રારંભથી યુકેમાં ન જન્મ્યા હોય તેવા લોકોની વસ્તી લંડનમાં વધીને ૫૪ ટકા થઈ ત્યારથી ધાર્મિક સભામાં હાજરી આપતા લોકોની સંખ્યામાં ‘નાટકીય’ વધારો થયો હતો.

• શ્વાનને લીધે પ્રજ્ઞાચક્ષુને શોપમાં પ્રવેશતાં અટકાવાયા

વિકલાંગો સરળતાથી શોપિંગ કરી શકે તે માટે ઝુંબેશ ચલાવતા પ્રજ્ઞાચક્ષુ સીન યેમને તેમનો શ્વાન ‘ટેલી’ સાથે હોવાથી મર્સિસાઈડના વોલેસીની એક કોસ્ટકટર શોપમાં પ્રવેશતા અટકાવાયા હતા. અન્ય શોપરોએ સ્ટાફ મેમ્બરને સમજાવ્યા હતા કે ગાઈડ ડોગ સાથે આવેલી વ્યક્તિને પ્રવેશ ન આપવો ગેરકાયદે છે ત્યારે તેમને પ્રવેશ અપાયો હતો. યેમે જણાવ્યું કે આ પ્રકારના બનાવો માટે જવાબદારને કડક સજા થવી જોઈએ તેવી અરજી પર હું લોકોની સહી કરાવતો હતો. આ ઘટના અંગે કોસ્ટકટરે માફી માગી હતી.

• ફનપાર્કમાં બાઉન્સી કેસલ ફંગોળાતા બાળકીનું મોત

એસેક્સના હાર્લો ટાઉન પાર્કમાં બાળકોના મનોરંજન માટેનો હવા ભરેલો બાઉન્સી કેસલ જોરદાર પવનને લીધે ૧૫૦ મીટર સુધી ફંગોળાઈ જતાં તેમાં ફસાયેલી સાત વર્ષની સમરસેટ ગ્રાન્ટનું મૃત્યુ થયું હતું. તેને પ્રિન્સેસ એલેકઝાન્ડ્રા હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ ગંભીર ઈજાને લીધે તે બચી શકી નહોતી. આ ફનફેરનું આયોજન થર્સ્ટન ફન ફેર્સ દ્વારા કરાયું હતું. ગ્રાન્ટ મૂળ નોર્વિકની હતી અને માતાપિતા સાથે ઈસ્ટર ઉજવવા હાર્લો આવી હતી.

• બપોરના ભોજન પછી વધુ ઊંઘ જોખમી

બપોરે ભોજન પછી ૪૦ મિનિટ કરતા વધુ ઊંઘ લેવાથી હૃદયરોગ અને ડાયાબિટીસ થવાનું જોખમ વધી જતું હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. દિવસે ઊંઘ આવે તે મેટાબોલિક સિન્ડ્રોમની ચેતવણી છે, જે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટરોલ, કમરમાં ચરબીનો ભરાવો અને હાઈ બ્લડ સુગરનું મિશ્રણ છે. તેનાથી હૃદયરોગનું જોખમ વધે છે. આ સંશોધનમાં ૩૦૭,૦૦૦થી વધુ સહયોગીને સાંકળતા ૨૧ અભ્યાસના ડેટાનું વિશ્લેષણ કરાયું છે. અગાઉના સંશોધનોમાં પણ એક કલાકથી વધુ ઝોકાંથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અને ડાયાબિટીસ વિશે ચેતવણી અપાઈ હતી.

• ગોલ્ડસ્મિથે હરીફ ખાનને મેયર બનવા અયોગ્ય ગણાવ્યા

લેબર પાર્ટીના લંડનના મેયરપદના ઉમેદવાર સાદિક ખાને અનેક મંચો પર ઉગ્રવાદી મુસ્લિમ તત્વો સાથે હાજરી આપી હોવાનો મુદ્દો આગળ ધરી કન્ઝર્વેટિવ ઉમેદવાર ઝાક ગોલ્ડસ્મિથે તેમને આ હોદ્દા માટે અયોગ્ય ગણાવ્યા હતા. ખાને સ્ટોપ પોલિટિકલ ટેરર સંસ્થા સાથે એક પ્લેટફોર્મ પર ભાગ લીધો હતો. આ સંસ્થા અલ કાયદામાં ભરતી કરવાની ભૂમિકા ભજવનારા અને ૯-૧૧ના હાઈજેકર્સને ઉપદેશ આપનારા અંતિમવાદી મૌલવીનું સમર્થન ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter