• લિબર્ટી ગ્રૂપે ૧૭૦૦ લોકોની નોકરી બચાવી

Wednesday 10th May 2017 06:47 EDT
 

સ્ટીલ ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાના લિબર્ટી હાઉસે ૧૦૦ મિલિયન પાઉન્ડના સોદામાં સાઉથ યોર્કશાયરના રોધરહામમાં આવેલી ટાટા સ્ટીલની કંપની ખરીદી લીધી હતી. તેમણે રોધરહામ, સ્ટોક્સબ્રીજ અને બ્રીન્સવર્થ ખાતેના હાલના ૧૭૦૦ કર્મચારીઓની નોકરી બચાવી છે અને સ્પેશિયાલિટી સ્ટીલ પ્રોડક્શનમાં નવી ૩૦૦ નોકરી ઉભી કરવાની ખાતરી આપી હતી. હવે આ કંપનીનું પ્રોડક્શન વધીને દર વર્ષે એક મિલિયન ટનનું થશે. ગુપ્તાએ જણાવ્યું હતું કે પહેલા વર્ષે તેઓ કંપનીમાં ૨૦ મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે.

• પાર્ક-બસ શેલ્ટરમાં સૂતા લોકોની સંખ્યા વધી

લંડનમાં પાર્ક, બસ શેલ્ટર અને સ્ટ્રીટ્સ જેવી ખૂલ્લી જગ્યામાં સૂતા લોકોની સંખ્યા ગયા વર્ષ કરતા ૭ ટકા વધીને ૨,૭૫૧ થઈ છે. આ પૈકી અડધા લોકો પહેલી વખત આવી રીતે સૂતેલા જણાયા હતા. આ જ સમયગાળામાં ઈંગ્લેન્ડમાં આ ટકાવારીમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો હતો, જે છેલ્લાં પાચ વર્ષમાં બમણાથી વધી ગઈ છે.

• ગ્લુટનમુક્ત આહારથી હૃદયને નુક્સાન થઈ શકે

ગાયનેથ પેટ્રો સહિતના હેલ્થ ફૂડ ગુરુઓએ ગ્લુટન વિનાનો લોકપ્રિય ફેડ ડાયેટ પ્રમોટ કર્યો છે. પરંતુ, ગ્લુટન વિનાનો આહાર સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક પુરવાર થઈ શકે છે. એક લાખ જેટલાં સ્ત્રી અને પુરુષોના અભ્યાસ પછી અમેરિકાના સંશોધકોને જણાયું હતું કે ગ્લુટન ખાવાથી હૃદયરોગનું જોખમ વધતું નથી. ઉલટાનું તે ન ખાવાથી તેનું જોખમ વધે છે. ખાસ કરીને જેમને પેટને લગતી બીમારી હોય તેમણે તો ગ્લુટનનો ઉપયોગ બંધ કરવો જોઈએ નહીં.

 £૧ના હજારો નવા સિક્કા તૂટેલા અને ખામીયુક્ત

એક પાઉન્ડના નવા હજારો સિક્કા ખામીયુક્ત જણાયા હતા. સૌથી સુરક્ષિત ગણાતા આ સિક્કા પૈકી કેટલાકમાં તો વચ્ચેનો ભાગ જ નથી અથવા તો તે તૂટેલા અને વાંકાચૂકા છે. નવા સિક્કાની આ ક્ષતિઓને લીધે રોયલ મિન્ટ પણ મૂંઝવણમાં મૂકાઈ છે.

 ‘સેટ્સ’ થી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર

સેટ્સથી બાળકોને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકતી હોવાની ચેતવણી સાંસદોની એજ્યુકેશન સિલેક્ટ કમિટીએ ઉચ્ચારી હતી. પ્રાઈમરી સ્કૂલના બાળકો માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમની પરીક્ષા તેમના સ્કૂલમાં દેખાવ સાથે સંકળાયેલી છે. તેની અન્ય વિષયોના અભ્યાસ પર નકારાત્મક અસર પડે છે. કમિટીને જણાયું હતું કે વિદ્યાર્થીઓ સેટ્સમા પાસ થાય તે માટે તેઓ ઈંગ્લિશ અને મેથ્સ પર વધારે ધ્યાન આપે છે.

 ૫૪ વર્ષ હોસ્પિટલમાં રહેલા પૂર્વ સૈનિકનું મૃત્યુ

૫૪ વર્ષ સુધી વેસ્ટર મોફાત હોસ્પિટલમાં રહેલા પૂર્વ સૈનિક લેનાર્ક્સ જેમ્સ મોરિસનું મૃત્યુ થયું છે. તેઓ બ્રિટનના સૌથી લાંબો સમય હોસ્પિટલમાં રહેલા દર્દી હોવાનું મનાય છે. ૧૯૬૨માં પગમાં ફ્રેક્ચર સાથે તે હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરંતુ, ઓપરેશન ટેબલ પર જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, તે પછી તેઓ ઘરે ગયા જ ન હતા. મોરિસ હોમ, પબ અને હોર્સિસ એમ માત્ર ત્રણ શબ્દો જ બોલી શકતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter