લેબર પાર્ટીના મોટા દાતાઓમાંના એક અસીમ આલમે તો જે લેબર સાંસદો પક્ષાંતર કરવા તૈયાર હોય તેમને મોટુ ભંડોળ ફાળવવા જાહેરાત કરી છે. જેરેમી કોર્બીનનું નેતૃત્વ લેબર પાર્ટીના ‘અંતનો આરંભ’ હોવાનું જણાવી આલમે નવો જમણેરી પક્ષ રચવા અથવા લિબરલ ડેમોક્રેટ્સ સાથે જોડાવા તૈયાર મધ્યમમાર્ગી સાંસદોને નાણાકીય સહાય કરવાની તૈયારી દર્શાવી છે. ઈજિપ્તમાં જન્મેલા આલમે ૨૦૧૦થી પક્ષને £૭૨૦,૦૦૦નું દાન આપ્યું છે. તેમણે લેબર પાર્ટીને ‘ડેડ હોર્સ’ ગણાવી હતી.
• ઓવરકોટમાં ભરાયેલા પવનથી શિક્ષિકા નદીમાં ફંગોળાઈ
ખરાબ હવામાનમાં પણ બહાર ફરવા જવાની શોખીન લેન્કેશાયરની નિવૃત્ત શિક્ષિકા વેલેરી વેસ્ટન વિચિત્ર અકસ્માતનો ભોગ બની નદીમાં ફેંકાઈ ગઈ હતી. વેવેરી વાવાઝોડાંમાં પોતાના પ્લાન્ટ્સના કુંડા વ્યવસ્તિત કરતી હતી ત્યારે ૭૦ માઈલથી વધુ ઝડપે ફૂંકાતો પવન તેનાં ઓવરકોટમાં ભરાયો હતો અને પવનથી ૧૦થી ૧૫ ફૂટ ઉચકાયેલી વેલેરી દૂર ઈરવેલ નદીમાં ફંગોળાઈ હતી. ૩૬ કલાક પછી તેનો મૃતદેહ ૧૦ માઈલના અંતરે મળી આવ્યો હતો. જોકે, તેનો ઓવરકોટ મળ્યો નથી.
• બાળકોને પત્રો લખવાની સલાહ
પ્રાઈમરી સ્કૂલ્સના બે તૃતીઆંશથી વધુ બાળકો અને સેકન્ડરી સ્કૂલ્સના ૭૫ ટકાથી વધુ બાળકો કદી પત્રો લખતાં નહિ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ નેશનલ લિટરસી ટ્રસ્ટના સર્વેમાં બહાર આવ્યો છે. આ વ્યાપક અભ્યાસમાં આઠથી ૧૮ વર્ષ સુધીના ૩૨,૦૦૦થી વધુ બાળકોને તેમની લખવાની આદતો વિશે પ્રશ્નો કરાયાં હતા, જેમાં તેઓ પત્રો લખે છે કે નહિ તેવો પ્રશ્ન પણ હતો. બાળકોને વધુ પ્રમાણમાં પત્રો લખવાની ટ્રસ્ટ દ્વારા સલાહ અપાઈ હતી.
• કોર્બીનની આર્થિક નીતિઓ બ્રિટનની અર્થતંત્ર સુધારણા માટે નુકસાનકારી
લેબર પાર્ટીના નવા નેતા જેરેમી કોર્બીનની આર્થિક નીતિઓ બ્રિટનના અર્થતંત્રની સુધારણાની ગતિને નુકસાન પહોંચાડી શકે છે તેવી ચેતવણી બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ આપી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડની આઝાદી છીનવી લેવા સહિતની નીતિઓથી ફૂગાવો વધશે અને કિંમતોની સ્થિરતા ગુમાવાશે, જે અર્થતંત્ર માટે જોખમી નીવડશે તેમ કાર્નીએ જણાવ્યું હતું. કોર્બીને હાઉસિંગ, એનર્જી, ટ્રાન્સપોર્ટ અને ડિજિટલ પ્રોજેક્ટસમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડ મોટા પાયે રોકાણો વધારે તેવી દરખાસ્ત કરી છે.
• કોર્બીન અને ડાયેના એબટ પ્રેમીઓ હતા
જેરેમી કોર્બીન અને ડાયેના એબટ ૧૯૭૦ના દાયકામાં પ્રેમીઓ હોવાનો ઘટસ્ફોટ થયો છે. શેડો ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી એબટ અને બર્મિંગહામ યાર્ડલીના નવા મહિલા લેબર સાંસદ જેસ ફિલિપ્સ વચ્ચેના વિવાદને શાંત પાડવામાં કોર્બીન નિષ્ફળ ગયા પછી આ માહિતી બહાર આવી છે. જેસ ફિલિપ્સે જાતીય સમાનતા મુદ્દે કોર્બીનની પ્રતિબદ્ધતા સામે સવાલ ઉઠાવતાં ડાયેના એબટે તેમના પર શાબ્દિક હુમલા કર્યાં હતાં. એબટ સાથે સંબંધોના પરિણામે કોર્બીન અને તેમની પ્રથમ પત્ની જેન ચેપમેનના ૧૯૭૪માં ડાઈવોર્સ થયા હોવાનું કહેવાય છે.
• હોસ્પિટલે નાણા બચાવવા બરફ પર પ્રતિબંધ લગાવ્યો
એડનબ્રૂક્સ હોસ્પિટલે ખર્ચકાપના પગલામાં દર્દીઓને પાણીના જગમાં બરફ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાંથી તેને વર્ષે £૩૯,૦૦૦ બચાવવાની આશા છે. હોસ્પિટલે તેના ચીફ એક્ઝિક્યુટિવ અને ફાઈનાન્સ ઓફિસર પાસે રાજીનામાં પણ અપાવી દીધાં છે. કેન્સર ધરાવતી એક મહિલાને ઠંડા પાણી સાથે જ ટેબ્લેટ્સ ગળવી સહેલી જણાતી હોવાથી તેનાં માટે મુલાકાતીએ બરફની માગણી કરી ત્યારે આ ખર્ચકાપની જાણ થઈ હતી.
• બિલિંગ્સગેટ ફિશ માર્કેટના મેનેજરે £૮૪,૦૦૦ ગુપચાવ્યા
લંડનના ઐતિહાસિક બિલિંગ્સગેટ ફિશ માર્કેટના મેનેજર રોશન પેરશાદે સિટી ઓફ લંડન કોર્પોરેશન પાસેથી વેપારીઓના ભાડાની £૮૪,૦૦૦થી વધુ રકમ ગુપચાવી હોવાનું બહાર આવ્યું છે. આ પછી તેણે દોષનો ટોપલો G4S સિક્યુરિટી કંપની પર ઢોળી દેવાનો પ્રયાસ કર્યો હતો. મકાનમાલિક કોર્પોરેશનને ૧૮ મહિનાના ગાળામાં વેપારીઓના ભાડાંની રકમ નહિ આપી પેરશાદે મોટી ઉચાપત કરી હતી. ભાડાંની રકમ બાકી હોવાનું જણાય તે માટે તેણે હિસાબોમાં ગોટાળા ઉભાં કર્યા હતા. એસેક્સના પેરશાદે ચોરી, ખોટા હિસાબ અને ફ્રોડના આરોપો નકાર્યા છે અને ટ્રાયલ ચાલી રહી છે.
• યુકેની એજન્સી મલેશિયાના વડા પ્રધાન સંબંધિત તપાસમાં સામેલ
યુકેની સીરિયસ ફ્રોડ ઓફિસ મલેશિયાના વડા પ્રધાન નજીબ રઝાકને ઉથલાવી શકે તેવા મનીલોન્ડરિંગ કૌભાંડની તપાસમાં સામેલ થઈ છે. લંડનસ્થિત પૂર્વ ટેલિવિઝન પ્રોડ્યુસર અને પૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉનના ભાભી ક્લેર કેસલ બ્રાઉને મલેશિયાના સરકારી ઈન્વેસ્ટમેન્ટ ફંડ 1MDBની પ્રવૃત્તિઓ અંગે હજારો દસ્તાવેજો હાંસલ કર્યાં છે. સ્વીટ્ઝર્લેન્ડની એટર્ની જનરલ ઓફિસે સ્વિસ બેન્ક એકાઉન્ટ્સમાં લાખો ડોલરની રકમો સ્થગિત કરી ફંડના બે એક્ઝીક્યુટિવો સામે મનીલોન્ડરિંગની ફોજદારી તપાસ જાહેર કરી છે. રઝાકના અંગત બેન્કખાતાઓમાં $૭૦૦ મિલિયન (£૪૫૩ મિલિયન) જમા હોવાનું બહાર આવ્યું છે.