લેબર પાર્ટી હવાઈ પ્રદૂષણની ચિંતાને આગળ ધરી હીથ્રો એરપોર્ટના નવા ત્રીજા રનવેનો વિરોધ કરી શકે છે. પક્ષના નેતા જેરેમી કોર્બીનના સાથીઓએ જણાવ્યું હતું કે પક્ષ નવા રનવેને ટેકો આપે તેવી કોઈ શક્યતા નથી. ગત ચૂંટણીના લેબર પાર્ટીના મેનિફેસ્ટોમાં હીથ્રોના વિસ્તરણને ટેકો આપવાની વાત કરાઈ હતી. જોકે, પાછળથી હીથ્રોના ચોક્કસ ઉલ્લેખને ટાળી દેવાયો હતો. આખરી મુસદ્દામાં જણાવાયું હતું કે એરપોર્ટની ક્ષમતા વધારવાની જરૂરિયાતને માન્ય રાખવા સાથે પાર્ટી ઘોંઘાટના પ્રદૂષણ, એર ક્વોલિટી, યુકેની ક્લાઈમેટ ચેન્જની જવાબદારીઓને ધ્યાનમાં રાખી કડક પર્યાવરણીય અને આર્થિક પરીક્ષણોને અમલી બનાવશે.
• ગેરકાયદે પરંતુ, વિવેકી ઈમિગ્રન્ટ દંપતીની સજા સસ્પેન્ડ
ચેમ્સફર્ડ ક્રાઉન કોર્ટના જજ પેટ્રિશિયા લિન્ચ QCએ સોમાલિયાની ૪૩ વર્ષીય ગેરકાયદે ઈમિગ્રન્ટ બારવાકો અહેમદ અને તેનાં પતિ ઓસમાન હેર્સીને વિવેકી વર્તન બદલ નવ મહિનાની જેલની સજાને એક વર્ષ સુધી મોકૂફ જાહેર કરી હતી. એક વર્ષ અગાઉ અન્યના પાસપોર્ટ પર પતિ સાથે યુકેમાં પ્રવેશી હતી અને હાલ તેને આઠ મહિનાની પુત્રી પણ છે. બારવાકોએ ગુનો કબૂલ કરતાં જજે કહ્યું હતું કે દંપતી મહેનતુ હોવા સાથે વિવેકી વર્તન ધરાવે છે. બારવાકો ઈંગ્લિશ જાણતી નથી. તેના પતિએ ઓનલાઈન હવાઈટિકિટ ખરીદ્યા પછી તેઓ મ્યુનિકથી ૧૯૯૦માં યુકે આવ્યાં હતાં અને વર્ષ ૨૦૦૦માં બ્રિટિશ નાગરિકતા મેળવી હતી.
• ઈમામોએ પગારવધારો અને અધિકારો માગ્યા
ક્રિશ્ચિયન અને યહુદી ધર્મોપદેશોની સરખામણીએ પોતાનું વેતન ઓછું હોવાની ફરિયાદ મુસ્લિમ ઈમામોએ કરી છે. ધ ઈમામ્સ ઓનલાઈન ગ્રૂપે ન્યૂઝ વેબસાઈટ મુસ્લિમ વ્યૂના અભ્યાસને આગળ ધરી જણાવ્યું હતું કે કોમ્યુનિટીઓમાં તેમની ભૂમિકાઓ વધી હોવાં છતાં તેમનું વેતન ૧૨,૦૦૦થી ૧૬,૮૦૦ પાઉન્ડની વચ્ચે છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પાદરીઓને લઘુતમ ૨૩,૪૪૦ પાઉન્ડનું સ્ટાઈપેન્ડ મળે છે જ્યારે જ્યુઈશ રેબિઝને પણ આટલું જ વેતન મળે છે. ઈમામ ગ્રૂપે કોન્ટ્રાક્ટની સાથે એમ્પ્લોયમેન્ટ અધિકારોની પણ માગણી કરી છે.
• ટ્યુટરે ગર્લફ્રેન્ડ માટે ચોરી કરી
ઈલ્ફર્ડના મુસ્લિમ આઈ.ટી. ટ્યુટર કાસિમ સઈદે પોતાની ક્રિશ્ચિયન ગર્લફ્રેન્ડને હોટેલમાં રાખવા માટે છેરપીંડી આચરી હતી. તેણે એમ્પ્લોયર સેકન્ડ ચાન્સ જોબસીકર્સ ચેરિટી વતી ૨૫,૦૦૦ પાઉન્ડની કિંમતના કોમ્પ્યુટર ઈક્વિપમેન્ટનો ઓર્ડર આપ્યો હતો અને આ સાધનોને વેચી ગર્લફ્રેન્ડની હોટેલનું બિલ ચુકવ્યું હતું. સઈદે છેતરપીંડીનો ગુનો કબૂલ્યો હતો. ઈનર લંડન ક્રાઉન કોર્ટે સઈદને ૧૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી, જે બે વર્ષ માટે મુલતવી રખાઈ હતી. આ ઉપરાંત, તેને ૧૫૦ કલાકની કોમ્યુનિટી સેવા તેમજ એમ્પ્લોયરને પૂરી રકમ ચૂકવી આપવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો.

