• લેબર પાર્ટીના દાતાએ કેમરનના વખાણ કર્યા

Tuesday 31st March 2015 10:33 EDT
 

લેબર પાર્ટીને ભારે દાન આપનારા ડો અસીમ આલમે ટોરી પાર્ટીના વડા પ્રદાન ડેવિડ કેમરનની આર્થિક નીતિઓને શ્રેષ્ઠ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે લેબર નેતા એડ મિલિબેન્ડે બિઝનેસ અગ્રણીઓને દંડિત કરવાની યોજનાઓ પર પુનર્વિચાર કરવો જોઈએ. મેન્શન ટેક્સ દાખલ કરવાની યોજના મધ્યમવર્ગીય મતદારોને પક્ષથી વિમુખ કરશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી. ઈલેક્ટોરલ કમિશન અનુસાર ડો. આલમે ૨૦૧૦થી લેબર પાર્ટીને £૨૦૦,૦૦૦ દાન આપ્યું છે. વધુ £૨૦૦,૦૦૦ દાન આપવાની ઈચ્છા પણ તેમણે દર્શાવી છે.

• કમ્પ્યૂટર ગેમ રમતા બાળકોના પેરન્ટ્સને શાળાની નોટિસ

ઈંગ્લેન્ડના ચેશાયરની ૧૬ શાળાના મુખ્ય શિક્ષકોએ બાળકોના પેરન્ટ્સને નોટિસ પાઠવી ચેતવણી આપી છે કે જો તેઓ બાળકોને કમ્પ્યૂટરમાં વધુ પડતી ગેમ રમવા દેશે તો શાળા પાલીસ અને સોશિયલ સિક્યુરિટીને જાણ કરી દેશે. પ્રિન્સિપાલ્સે દાવો કર્યો હતો કે કમ્પ્યૂટરમાં ૧૮થી વધુ પ્રકારની ગેમ બાળકોમાં હિંસા અને સેક્સની બાબતે ચિંતાજનક સાબિત થાય છે અને તેનાથી બાળકોના માનસમાં અવળી અસર ઊભી થાય છે.

• બ્રિટનના રાણીના સ્ટાફની હડતાળની ચીમકી

બ્રિટનના ઇતિહાસમાં પહેલી વખત રાણી એલિઝાબેથ દ્વિતિયે પોતાના સ્ટાફ દ્વારા હડતાળનો સામનો કરવો પડે તેવી નોબત આવી છે. રાણીની સરભરામાં તહેનાત સ્ટાફે પગારવધારાની માગણી સાથે હડતાળ પર જવાની જાહેરાત કરી છે. આ કર્મચારીઓ દ્વારા થતી વધારાની ડ્યુટી માટે પણ વધારાના વેતનની માગણી કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

• બૂકર પ્રાઈઝ માટે અમિતાવ ઘોષની ૧૦ ફાઈનલિસ્ટોમાં પસંદગી

આ વર્ષમાં પ્રતિષ્ઠિત બૂકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ માટે પુરુષની કેટેગરીમાં પસંદ કરાયેલા૧૦ ફાઈનલિસ્ટોમાં ભારતનાં એકમાત્ર અમિતાવ ઘોષને સ્થાન મળ્યું છે. અંગ્રેજી ભાષામાં સાહિત્ય લખવા માટે તેમને શોર્ટલિસ્ટ કરાયા છે. કોલકાતામાં જન્મેલા ૫૮ વર્ષનાં અમિતાવ ઘોષને ૨૦૦૮માં પણ તેમની કૃતિ 'સી ઓફ પોપીઝ' માટે પસંદ કરાયા હતા પણ બૂકર પ્રાઈઝનું સન્માન મેળવવાનું ચૂકી ગયા હતા. બૂકર પ્રાઈઝ વિજેતાને ૬૦,૦૦૦ પાઉન્ડનો ચેક આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter