લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તેમના બ્રેક્ઝિટ વ્હીપની અવગણના કરનારા બળવાખોરોને માત્ર લેખિત ચેતવણી આપીને છોડી દીધા છે. આ બળવાખોરોમાં ૧૦ ફ્રન્ટબેન્ચર અને ત્રણ પાર્ટી વ્હીપ્સનો સમાવેશ થાય છે. જોકે, ફ્રન્ટબેન્ચર્સને જણાવાયું છે કે ફરી વખત વ્હીપનો અનાદર કરાશે તો તેમની હકાલપટ્ટી નિશ્ચિત છે. સરકારી બ્રેક્ઝિટ બિલને ટેકો આપવાના આદેશ છતાં બાવન લેબર સાંસદોએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ઘણા સાંસદોના મતવિસ્તારોએ રેફરન્ડમમાં ઈયુમાં રહેવાની તરફેણ કરી હતી. કોર્બીને આગામી સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના પ્રચારની જવાબદારી એન્ડ્રયુ ગ્વાઈન અને ઈઆન લાવેરીને સોંપી છે.
• સાઉદીને શસ્ત્રો વેચવા ભલામણ
માનવ અધિકારોના વારંવાર ઉલ્લંઘન માટે ટીકા કરાયેલા સાઉદી અરેબિયાને વધુ શસ્ત્રો વેચવાની ભલામણ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને કરી હતી. યેમેન પર હુમલામાં ૧૪૦ નિર્દોષ નાગરિકના મોત થયા પછી સાઉદી અરેબિયાને શસ્ત્રોના વેચાણની સમીક્ષા કરાતી હતી ત્યારે જ્હોન્સને લાભકારી શસ્ત્રસોદાઓ આગળ ધપાવવા ટ્રેડ સેક્રેટરી લિઆમ ફોક્સને ભલામણ કરતા પત્ર લખ્યા હતા. સાઉદી યુકેના મુખ્ય ડિફેન્સ ક્લાયન્ટ્સમાં એક છે અને ૨૦૧૫ પછી ૩.૩ બિલિયન પાઉન્ડના શસ્ત્રસોદાઓ પર હસ્તાક્ષર થયા છે.
• પેઈન્ટિંગની નિકાસ પર હંગામી પ્રતિબંધ
બ્રિટિશ સરકારે ઈટાલિયન ચિત્રકાર પર્મિજિઆનિનોના ૧૬મી સદીના ચિત્રને દેશની બહાર વેચાણ કરવા એક્સપોર્ટ લાયસન્સ આપવા સામે હંગામી પ્રતિબંધ લગાવ્યો છે. સંત મેરી મેગ્ડાલેન સાથે વર્જિન અને બાળક તેમજ નવજાત સંત જ્હોન બાપ્ટિસ્ટને દર્શાવતા ચિત્રની કિંમત ૨૪.૫ મિલિયન પાઉન્ડ અંકાઈ છે. કલ્ચર મિનિસ્ટર મેટ હેનકોકે બ્રિટિશ ખરીદારને આ રકમ ઉભી કરવાનો સમય મળી રહે તે માટે નવ જૂન સુધી આ પ્રતિબંધ લગાવ્યો છે અને કોઈ ગંભીર બ્રિટિશ ખરીદાર આગળ આવે તો તેને નવ ડિસેમ્બર સુધી પણ લંબાવી શકાશે. બ્રિટિશ સંગ્રાહક પાસે આ ચિત્ર આશરે ૨૫૦ વર્ષથી છે.
• બ્રેક્ઝિટથી યુકેને નવી દવાઓ મળવાની સમસ્યા
યુરોપિયન સિસ્ટમ છોડવાથી યુકેના પેશન્ટ્સને કેન્સરવિરોધી કે ચેપવિરોધી નવી મહત્ત્વપૂર્ણ ડ્રગ્સ મેળવવામાં ૧૨,૧૮ કે ૨૩ મહિનાનો વિલંબ થઈ શકે તેવી ચેતવણી અપાઈ છે. બ્રિટન ઈયુની સાથોસાથ યુરોપિયન મેડિસીન્સ એજન્સીમાંથી પણ બહાર નીકળે તેવી શક્યતા છે કારણકે EMA યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાઓને આધીન છે. યુકેની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીના જણાવ્યા અનુસાર યુકે નાનુ બજાર હોવાથી નવી દવાઓ મેળવવામાં જાપાન, યુએસ અને ઈયુ પછી યુકેના પેશન્ટ્સનો વારો આવશે.

