• લોઈડ્ઝ બેન્કની ૩,૦૦૦ નોકરી, ૨૦૦ શાખા બંધ કરાશે

Tuesday 02nd August 2016 05:01 EDT
 

વ્યાજ દરમાં કાપની અપેક્ષાએ લોઈડ્ઝ બેન્કે ૨૦૧૭ સુધીમાં ૨૦૦ શાખા બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ૩,૦૦૦ નોકરીમાં પણ કાપ મૂકાશે. નોકરીઓમાં કાપથી ૪૦૦ મિલિયન પાઉન્ડની બચત થશે. લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપે શાખાઓના ઉપયોગમાં ૧૫ ટકા ઘટાડાને આગળ ધરી ઓક્ટોબર ૨૦૧૪માં ત્રણ વર્ષના કોસ્ટ કટિંગ પ્રેગ્રામ હેઠળ ૯,૦૦૦ નોકરી અને ૨૦૦ બેન્કશાખા બંધ કરવાની જાહેરાત કરેલી જ છે. આમ, આગામી વર્ષના અંતે કુલ ૪૦૦ શાખા બંધ કરાશે.

• બ્રેક્ઝિટ પછી સ્કોટિશ આઝાદી તરફ ઝોક નથી

બ્રેક્ઝિટ રેફરન્ડમ પછી યુગવ પોલમાં જણાયું છે કે સ્કોટિશ આઝાદી તરફ કોઈ વાસ્તવિક ઝોક જણાતો નથી. સ્કોટલેન્ડ યુકેમાં રહે તે માટે ૫૭ ટકાની તરફેણ સામે ૪૭ ટકાએ અલગ થવાનો મત દર્શાવ્યો છે. આમ, મે મહિના પછી માત્ર વધુ એક ટકાએ આઝાદીના વિકલ્પની તરફેણ કરી છે. બે વર્ષ અગાઉ, જનમતમાં ૫૫ ટકાએ યુકે સાથે રહેવાની અને ૪૫ ટકાએ આઝાદીની તરફેણ કરી હતી. જોકે, SNPના બિઝનેસ કન્વીનર ડેરેક મેકે કહે છે કે સ્કોટિશ મતદારો તેમના આઝાદીવિરોધી મતનો પુનર્વિચાર કરી રહ્યાં છે. જૂનના ઈયુ રેફરન્ડમમાં ૬૨ ટકા સ્કોટિશ લોકોએ ઈયુમાં રહેવાની તરફેણ કરેલી છે.

• યુકેના જેકપોટ વિજેતાએ ૬૧.૧ મિલિયન પાઉન્ડ જીત્યા

યનાઈટેડ કિંગ્ડમમાં આ વર્ષે ચોથો જેકપોટ જીતાયો છે, પરંતુ તે જુલાઈ ૨૦૧૧માં સ્થાપિત રેકોર્ડથી દૂર છે. આ વર્ષે યુકેના જેકપોટ વિજેતાએ ૬૧,૧૦૨,૪૪૨.૯૦ પાઉન્ડનું પ્રથમ ઈનામ જીત્યું હતું. આ ઉપરાંત, પાંચ વિજેતાએ ખાતરીયુક્ત એક મિલિયન પાઉન્ડ અને ગોલ્ડ કોસ્ટની લક્ઝરી ટ્રિપ પણ જીતી છે. અગાઉ, એપ્રિલમાં ૫૧.૮ મિલિયન અને તે પહેલા ૨૪.૬ મિલિયનના જેકપોટ જીતાયા હતા. જુલાઈ ૨૦૧૧માં ૧૬૧.૬ મિલિયન પાઉન્ડનો વિક્રમી જેકપોટ બ્રિટિશરે જીત્યો હતો.

• સ્કોટલેન્ડમાં બાળકોનું ઓનલાઈન સેક્સ્યુઅલ શોષણ

સ્કોટલેન્ડમાં ૫૨૦થી વધુ બાળકો ઓનલાઈન સેક્સ્યુઅલ શોષણનું સંભવિત લક્ષ્ય હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ સ્કોટલેન્ડ દ્વારા તપાસના ભાગરુપે બળાત્કાર, જાતીય ધાકધમકી, અશ્લીલ કોમ્યુનિકેશન્સ, ઓનલાઈન ગ્રૂમિંગ અને હેવાનિયત સહિત ૩૯૦ ગુનાઓ સંબંધે ૭૭ લોકોની ધરપકડ કરી આરોપો ચાર્જ કર્યા છે. જૂન મહિનામાં છ સપ્તાહની ઈન્ક્વાયરીના પગલે પોલીસ દ્વારા જપ્ત મોબાઈલ ટેલિફોન્સ અને કોમ્પ્યુટર્સમાં બાળ યૌનશોષણની ૧૦ મિલિયન તસવીરો સહિત ૩૦ મિલિયનથી વધુ અશ્લીલ ઈમેજીસ હોવાનું બહાર આવ્યું છે.

• યુકેમાં ઝિકા વાયરસના ૫૩ કેસ

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અનુસાર યુકેમાં ઝિકા વાયરસના સત્તાવાર ૫૩ કેસ જાહેર થયાં છે. તાજેતરમાં જ યોર્કશાયરમાં કેલ્ડરડેલ અને હડર્સફિલ્ડ હોસ્પિટલ NHS ટ્રસ્ટે વિદેશથી પરત આવેલા ત્રણ દર્દી આ વાયરસ માટે ટેસ્ટ પોઝિટિવ હોવાનું જાહેર કર્યું હતું. આ દર્દીઓની હાલત વિશે જણાવાયું નથી, પરંતુ ચેપ હળવો છે અને તેમને હોસ્પિટલમાં સારવારની જરૂર નથી. આયર્લેન્ડમાં પણ બે કેસને સમર્થન અપાયું છે. સમગ્ર લેટિન અમેરિકા અનૈ ખાસ કરીને ઓલિમ્પિક્સ યોજાવાની છે તે બ્રાઝિલમાં ઝિકા વાયરસનો સૌથી વધુ ફેલાવો છે. આ વાયરસ વિશે સૌથી મોટી ચિંતા સગર્ભા સ્ત્રી અને તૈમના બાળકોને મગજના નુકસાનની છે. PHE દ્વારા ચેતવણી અપાઈ છે કે વિદેશમાં ઝિકાગ્રસ્ત વિસ્તારોમાંથી પરત આવેલાં સ્ત્રી-પુરુષોએ ઓછામાં ઓછાં આઠ સપ્તાહ સુધી અને જો ખુદને ઝિકાના લક્ષણો જણાય તો છ મહિના સુધી કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.

• રોલ્સ રોયસ ગ્રૂપ દ્વારા ૪૦૦ મેનેજમેન્ટ નોકરી પર કાપ

ડર્બીસ્થિત ઈજનેરી ગ્રૂપ રોલ્સ રોયસ દ્વારા ૨૦૧૬માં વિશ્વભરના ૨૦૦૦ સિનિયર મેનેજર્સમાંથી ૪૦૦ સિનિયર મેનેજમેન્ટ નોકરી પર કાપની જાહેરાત કરાઈ છે. અડધોઅડધ નોકરીકાપ યુકે અને ખાસ તો ડર્બીમાં લાગુ કરાશે. ગત ક્રિસમસમાં ૫૦ સિનિયર મેનેજર સહિત ૨૭૦ લોકોએ કંપની છોડી છે. ડર્બીમાં ૧૪,૦૦૦ સહિત યુકેમાં કુલ ૨૩,૦૦૦ લોકો કંપનીમાં કામ કરે છે. એરો એન્જિનના ઉત્પાદક ગ્રૂપે પ્રથમ છ માસિક ગાળામાં નફામાં ૮૦ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આ સાથે વર્ષના બીજા છ માસિક ગાળામાં પ્રોફિટ સુધરવાની આગાહી પણ કરી છે. કંપની ૨૦૧૭ના અંત સુધીમાં ૧૫૦-૨૦૦ મિલિયન પાઉન્ડની ખર્ચબચત હાંસલ કરવાના માર્ગે આગળ વધી રહી છે.

• આઈસ્ક્રીમ મેગ્નેટને VAT ફ્રોડમાં આઠ વર્ષની જેલ

સધર્ક ક્રાઉન કોર્ટે ૨૭ જુલાઈએ હેરોના આઈસ્ક્રીમ ફ્રેન્ચાઈઝી મોહમ્મદ શરીફને ૧.૬ મિલિયન પાઉન્ડના VATની છેતરપિંડી બદલ આઠ વર્ષની જેલની સજા ફરમાવી છે. તેને આ ઉપરાંત, છેતરપિંડીના બીજા ગુનામાં સાડા ત્રણ વર્ષની સજા કરાઈ હતી. બન્ને સજા એકસાથે ગાળવાની રહેશે. રેવન્યુ અને કસ્ટમ વિભાગની ફરિયાદના આધારે મોહમ્મદ શરીફ ૧૦ વર્ષ સુધી ડિરેક્ટરના હોદ્દા માટે ગેરલાયક ઠરાવાયો હતો. તેણે બનાવટી દસ્તાવેજો સાથે છ વર્ષ સુધી વેટના ખોટાં રીપેમેન્ટ દાવા કર્યા હતા. આ રીતે મેળવેલી રકમ તેણે પ્રોપર્ટી ભાડે લેવાં, મર્સીડીસ કારની લીઝ, ખાનગી સ્કૂલની ફી તેમજ પોતાની બાસ્કિન રોબિન્સ આઈસ્ક્રીમ શોપ્સની નિષ્ફળ ફ્રેન્ચાઈઝીસને આગળ લાવવામાં વાપરી હતી. શરીફ ફેબ્રુઆરી ૨૦૧૪માં દુબાઈથી હીથ્રો એરપોર્ટ આવ્યો ત્યારે તેની ધરપકડ થઈ હતી.

• વોશિંગ મશીનમાં ફસાયેલી બિલાડી હેમખેમ બચી

નોટિંગહામના મીડોઝમાં મિસિસ લીસા કીફેની નવ મહિનાની પાલતુ બિલાડી ‘બોબી’ ઝોકું ખાવા માટે ભૂલથી ચાલુ વોશિંગ મશીનની અંદર પડી ફસાઈ ગઈ હતી. મશીન 60 C સાયકલ પર ચાલતું હોવાં છતાં, સદનસીબે તે હેમખેમ બચી ગઈ હતી. મશીનમાં કશુંક અથડાવાનો અવાજ અને ગ્લાસમાંથી બોબીની રૂંવાટી દેખાતા મિસિસ કીફેએ તત્કાળ મશીન બંધ કર્યું હતું. પાણીમાં ભીંજાવાથી ઠંડી પડેલી બોબીને બહાર કાઢીને પેટ હોસ્પિટલે લઈ જવાઈ હતી. તત્કાળ સારવારથી તે બચી ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter