લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ એન્ટોનિઓ હોર્તા-ઓસોરિઓએ અંગત એફેરના મુદ્દે સંસ્થાની ખરાબ પબ્લિસિટી બદલ માફી માગતો ઈમેઈલ તેના ૭૫,૦૦૦ કર્મચારીને મોકલ્યો હતો. ટોની બ્લેરની પૂર્વ સહાયક વેન્ડિ પીઆટ સાથે એફેરના આક્ષેપોથી બ્રિટનની સૌથી મોટી રીટેઈલ બેન્કની છબી ખરડાવા બદલ તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો. ઓસોરિઓ સિંગાપોરની બિઝનેસ ટૂર પર હતા ત્યારે વેન્ડિ સાથેની તેમની તસવીરો પ્રસિદ્ધ થઈ હતી. તેમણે બેન્કમાંથી રાજીનામાંની વાતને નકારી કાઢી હતી.
• સાંસદને મોતની ધમકી બદલ સસ્પેન્ડેડ સજા
એક્સટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે આ વર્ષે જૂનમાં હત્યા કરાયેલા લેબર સાંસદ જો કોક્સને મોતની ધમકી આપનારા જ્યોફ્રી ફારક્યુહાર્સનને ૧૨ સપ્તાહની જેલની સજા ફરમાવી હતી, જે બે વર્ષ માટે મુલતવી રખાઈ છે. જ્યોફ્રીએ જો કોક્સની હત્યાના આગલા દિવસે જ અન્ય લેબર સાંસદ બેન બ્રેડશોને પાઠવેલા અસભ્ય અને કટ્ટરવાદી વોઈસ મેસેજમાં આવી ધમકી અપાઈ હતી. જ્યોફ્રીને ૨૫ દિવસનો કોમ્યુનિટી ઓર્ડર આપવા ઉપરાંત, સાંસદ બ્રેડશોનો સંપર્ક કદી નહિ કરવાની તાકીદ પણ કરાઈ હતી.
• એસ્ટ્રાઝેનેકા એન્ટિબાયોટિક ડિવિઝન ફાઈઝરને વેચશે
બ્રિટિશ ફાર્માસ્યુટિકલ ગ્રૂપ એસ્ટ્રાઝેનેકાએ તેનું એન્ટિબાયોટિક ડિવિઝન યુએસ ડ્રગ્સ કંપની ફાઈઝરને વેચવા સમજૂતી કરી છે. આ સોદામું મૂલ્ય ૧.૫ બિલિયન ડોલર (૧.૧ બિલિયન પાઉન્ડ)થી વધુ હોઈ શકે છે. ફાઈઝર આ વર્ષના અંતે પૂર્ણ થનારા સોદા માટે પ્રારંભિક ૫૫૦ મિલિયન ડોલર અને જાન્યુઆરી ૨૦૧૯માં વધુ ૧૭૫ મિલિયન ડોલર ચુકવશે. આ પછી તબક્કાવાર ૨૫૦ મિલિયન અને ૬૦૦ મિલિયન ડોલર ચુકવાશે. બે વર્ષ પહેલા ૬૯ બિલિયન પાઉન્ડમાં એસ્ટ્રાઝેનેકા ટેકઓવર કરવાનો ફાઈઝરનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
• બેનિફિટ ખાઈ વધતા ઘરવિહોણાં થવાનું જોખમ
બ્રિટનમાં ઓછી આવક ધરાવતાં હજારો પરિવારોને ૨૦૨૦ સુધીમાં ભાડાં અને હાઉસિંગ બેનિફિટ પેમેન્ટમાં માસિક ૧૦૦ પાઉન્ડની ઘટ અનુભવવી પડશે. અત્યારે આ ખાઈ ૩૫ પાઉન્ડની છે. મોટી ખાઈ પૂરવાના નાણા મેળવી નહિ શકનારા સંખ્યાબંધ ખાનગી ભાડૂતો ઘરવિહોણાં બની શકે તેમ ફેબિયન સોસાયટીનો અભ્યાસ કહે છે. અન્ય લોકોએ છેડાં મેળવવા ફૂડ બેન્કનો સહારો લેવો પડશે અથવા તત્કાળ રોકડ આપતી નોકરીઓ શોધવી પડશે. જો બેનિફિટનું લેવલ નહિ વધારાય તો ખાઈ ૨૦૨૩૦માં વધીને ૨૮૩ પાઉન્ડ થઈ જશે. એપ્રિલ મહિનામાં લોકલ હાઉસિંગ એલાવન્સનું સ્તર ચાર વર્ષ માટે સ્થગિત કરાયું હતું.
• બાળપણમાં મગજને ઈજાની આજીવન અસર
બાળપણમાં માથામાં ફટકો વાગે કે મગજને ઈજા થાય તેની અસર આજીવન રહેવાનું જોખમ હોય છે. આવા બાળકો શાળામાં સારી કામગીરી દર્શાવી શકતાં નથી અને વહેલાં મૃત્યુનું જોખમ વધે છે તેમ સંશોધકો કહે છે. નિષ્ણાતોની ટીમે ૧૯૭૩થી ૧૯૮૫ વચ્ચે જન્મેલા દસ લાખથી વધુ લોકોના ડેટાનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી ૯ ટકા લોકોને ૨૫ વર્ષની વય અગાઉ મગજની ઓછામાં ઓછી એક ઈજા થઈ હતી અને તેમાં પણ ૭૫ ટકાથી વધુ ઈજા હળવી હતી. મગજની ઈજા ધરાવનારાને સંખ્યાબંધ આરોગ્ય અને માનસિક સમસ્યાના અનુભવનું જોખમ વધુ રહે છે.
• ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ અપરાધ નોંધવામાં નિષ્ફળ
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ દર વર્ષે ૩૮,૦૦૦થી વધુ ગંભીર અપરાધ નોંધવામાં નિષ્ફળ રહી હોવાનું વોચડોગ HMICએ જણાવ્યું છે. વર્ષે ૧૬,૮૦૦થી વધુ હિંસક અપરાધો રેકોર્ડ થતાં નથી. ફરિયાદ કરાયેલા અપરાધોમાંથી આશરે ૮૫ ટકા અપરાધ રેકોર્ડ થાય છે. જોકે, GMP નું કહેવું છે કે નવી આઈટી સિસ્ટમ દાખલ કરાયા પછી ગત બે વર્ષમાં રેકોર્ડિંગ સ્તર ૬૮ ટકાથી વધી ૮૫ ટકા થયું છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસને ક્રાઈમ રેકોર્ડિંગમાં ‘અપૂરતું’ ગ્રેડિંગ અપાયું છે. ઘણા અધિકારીઓ રેકોર્ડ કરાયેલા હિંસા, લૂંટ અને સેક્સ અપરાધોને ખોટી રીતે કેન્સલ કરતા હોવાનું વોચડોગના ધ્યાનમાં આવ્યું હતું.

