પૂર્વ લેબર ટ્રાન્સપોર્ટ સેક્રેટરી લોર્ડ એડોનિસ નવા સ્વતંત્ર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિશનનું વડપણ સંભાળશે તેવી જાહેરાત ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન દ્વારા કરાઈ છે. પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરના સાથી લોર્ડ એડોનિસ આ પદ સંભાળવા માટે લેબર પાર્ટી પણ છોડી રહ્યા છે. આ કમિશન લાખો બિલિયન્સના ખર્ચે નવા એરપોર્ટ્સ, માર્ગો, મકાનો, પાવર સ્ટેશનોના નિર્માણ વિશે નિર્ણયો લેશે. ઓસ્બોર્નની જાહેરાતે લેબર નેતા જેરેમી કોર્બીનને મોટો ફટકો માર્યો છે.
• બ્રિટને બોઝની ફાઈલો જાહેર કરવા માટે વધુ સમય માંગ્યો
નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારે કહ્યું હતું કે નેતાજી સાથે સંબંધિત ગોપનીય ફાઈલોને જાહેર કરવા મુદ્દે વિચારવા માટે બ્રિટને વધુ સમય માંગ્યો છે. પરિવારજનોએ ૧૯૪૫માં નેતાજીના લાપતા હોવા અંગે તમામ ફાઈલો જાહેર કરવા બ્રિટિશ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. નેતાજીના પ્રપૌત્ર સૂર્યકુમાર બોઝે કહ્યું કે,‘મારી બહેન માધુરી બોઝે બ્રિટિશ સરકારનો સંપર્ક કર્યો છે. તેમને મળેલાં જવાબોમાં સ્વીકારાયું છે કે સુભાષચંદ્ર બોઝ અંગેની ફાઈલો ત્યાં છે પણ તે જાહેર કરવાના નિર્ણય અંગે વધુ સમયની જરૂર છે.’
• વંધ્યા સ્ત્રીઓ પણ પોતાના જ DNA વારસામાં આપે છે
વંધ્યત્વથી પીડાતી સ્ત્રીઓ માટે ખુશખબર છે. આવી સ્ત્રીઓ પોતાનો પરિવાર બનાવવા માટે દાતા માતાના બીજનો ઉપયોગ કરતી હોય તે છતાં તેમના બાળકને પોતાના જ DNA વારસામાં આપતી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. અગાઉ, એમ માનવામાં આવતું હતું કે ભ્રૃણ તૈયાર કરવા માટે ફલિત થયેલાં બીજમાં પિતા અને દાતા માતાના જ DNA હોય છે.
• ડાયાબીટીસનું જોખમ ધરાવનારે વધુ મહેનત કરવી પડે
ડાયાબીટીસનું જોખમ હોય તેવા લોકોએ કસરતના લાભ હાંસલ કરવા માટે અન્યોની સરખામણીએ વધુ મહેનત કરવી પડે છે. માતા, પિતા અથવા ભાઈ-બહેન જેવાં નિકટના સગાં ટાઈપ-ટુ ડાયાબીટીસ ધરાવતા હોય તેવી વ્યક્તિને ડાયાબીટીસ થવાનું જોખમ ત્રણ ગણું વધારે રહે છે. સ્વીડનની લૂંડ યુનિવર્સિટી દ્વારા ચાલિસીએ પહોંચેલા અનફિટ છતાં તંદુરસ્ત ૫૦ પુરુષોનો સાત મહિના અભ્યાસ કરાયો હતો. આ લોકો ફિટનેસ સેન્ટરમાં નિયમિત કસરતો કરતા હતા. તમામ પુરુષોએ વજન ગુમાવ્યું હતું પરંતુ, ડાયાબીટીસનું જોખમ ધરાવતી ૨૫ વ્યક્તિએ એકસરથી ફિટનેસ પ્રાપ્ત કરવા અન્યોની સરખામણીએ કસરતના વધુ સત્રોમાં હાજરી આપવી પડી હતી.
• કિડની ટ્યુમર્સ ઓગાળતી ચમત્કારી દવા
કિડની ટ્યુમર્સને ઓગાળતી ચમત્કારી દવા nivolumab ની ટ્રાયલના તારણો વિયેનાસ્થિત યુરોપિયન કેન્સર કોંગ્રેસ સમક્ષ રજૂ કરાયા છે. જે દર્દીઓને nivolumab નું ઈન્ફ્યુઝન કરાયું હોય તેમનું જીવન વધુ ૨૫ મહિના લંબાયું હતું. સામાન્ય સારવારની સરખામણીએ આ ગાળો ૫.૪ મહિના વધુ છે. આ દવાથી કિડની કેન્સરના આગળ વધી ગયેલા કેસીસની સારવારમાં ક્રાંતિ આવશે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં એમડી એન્ડરસન કેન્સર સેન્ટરના પ્રોફેસર પાદમની શર્મા અને તેમની ટીમ દ્વારા હજારો પેશન્ટ્સ પર આ દવાની ટ્રાયલમાં સંતોષકારી પરિણામો જોવા મળ્યા હોવાનો દાવો કરાયો છે.