• લોર્ડ જેનર વિરુદ્ધ ઓગસ્ટમાં સુનાવણી

Tuesday 30th June 2015 09:41 EDT
 

ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે સ્પષ્ટ કર્યું છે કે ૧૯૬૦-૧૯૮૦ના ગાળામાં બાળ યૌનશોષણના ગંભીર આરોપો બદલ લોર્ડ જેનર સામે ક્રિમિનલ કોર્ટ્સમાં પ્રથમ સુનાવણી ઓગસ્ટમાં હાથ ધરાશે. આ નિર્ણય પબ્લિક પ્રોસિક્યુશન્સના ડિરેક્ટર એલિસન સૌન્ડર્સની સત્તાને મોટા ફટકા સમાન છે. સૌન્ડર્સે એપ્રિલમાં ચુકાદો આપ્યો હતો કે લોર્ડ જેનર વિરુદ્ધ પૂરતા પુરાવા હોવા છતાં તેમની ચિત્તભ્રમની ગંભીર હાલતને જોતાં કાનૂની કાર્યવાહી જાહેર હિતમાં નહિ ગણાય.

• ઈસ્લામિક ત્રાસવાદ સામે સખત વલણની કેમરનની પ્રતિજ્ઞા

ટ્યુનિશિયામાં શુક્રવારના ત્રાસવાદી હુમલામાં ૩૦ બ્રિટિશરોના મોતના પગલે વડા પ્રધાન ડેવિડ કેમરને ઈસ્લામિક ત્રાસવાદ સામે બ્રિટિશ વલણ સખત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. બ્રિટનમાં ઈસ્લામિક સ્ટેટ અથવા Isisના ધ્યેયોને ટેકો આપનારા સામે ઓછી સહિષ્ણુતાના સંકેતો કેમરને આપ્યા છે. આ બાબતે તેમણે જર્મની સહિત ઘણાં દેશમાં પ્રતિબંધિત છતાં યુકેમાં મુક્ત કામગીરી કરતા જૂથ હિઝ્બ’ઉત તહરિરનો ઉલ્લેખ કર્યો હતો, જે સમગ્ર મુસ્લિમ કોમ્યુનિટી વતી બોલવાનું બહાનું કરે છે, પરંતુ ત્રાસવાદીઓની ઘણી ધારણાઓમાં સહભાગી છે.

• યુરોપના ભાગલા જોખમી રહેવાની ક્વીનને ચિંતા

જર્મનીના પ્રવાસે ગયેલા રાણીએ એન્જેલા મર્કેલ અને ડેવિડ કેમરનની હાજરીમાં યુરોપીય સંઘ પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા મહારાણી એલિઝાબેથ દ્વિતીયે કહ્યું હતું કે યુરોપમાં ભાગલા જોખમી પુરવાર થશે. તેમણે જર્મની અને બ્રિટનના નેતાઓને કહ્યું હતું કે યુદ્ધ બાદ દુનિયાને થયેલા લાભને ટકાવી રાખવો જોઈએ.

• 'Twerk' શબ્દને ઓક્સફર્ડ ડિક્શનરીમાં સ્થાન

ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી દ્વારા આ વર્ષે નવા ૫૦૦ સમાવાયેલાં શબ્દોમાં ડાન્સ સંબંધિત 'Twerk' ને સ્થાન મળ્યું છે. આ શબ્દથી અમેરિકામાં ૨૦૧૩માં યોજાયેલ મ્યુઝિકલ એવોર્ડ ફંક્શનમાં સિંગર માઈલી સાયરસ પોપ્યુલર બની હતી. ઓક્સફર્ડ સંશોધકોનું કહેવું છે કે આ શબ્દ સૌપ્રથમ ૧૫૦ વર્ષ પહેલાં ઉપયોગમાં આવ્યો હતો, જેમાં ૧૮૨૦માં સંજ્ઞા અને ૧૮૪૮માં ક્રિયાપદ તરીકે ઉપયોગ કરાયો હતો. આ શબ્દ ૧૯૦૧માં 'Twerk' તરીકે પ્રસિદ્ધ થયો હતો.

• કેટના ડિઝાઈનરનો પગ ભાગતા ડ્રામા સ્કૂલને દંડ

પ્રિન્સ વિલિયમ્સના પત્ની કેટ મિડલ્ટનનો ડ્રેસ ડિઝાઈન કરનારા ૨૫ વર્ષના ડિઝાઈનર હેક્ટર મેક્લિન માર્ચ મહિનામાં યુકેની ડ્રામા સ્કૂલ રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટના સંકુલમાં ૨૦ ફૂટ ઊંચી લિફ્ટ શાફ્ટ પરથી પડી જતાં તેમના બંને પગમાં ઈજા થઈ છે. જોકે, આ લિફ્ટ શાફ્ટ અંગે કોઈ ચેતવણીનું બોર્ડ ન હોવાથી અકસ્માત થતા ડ્રામા સ્કૂલને બેદરકારી બદલ £૧૨૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter