મહિલાની કાયમી બીમારીનું એક લક્ષણ બાળકને જન્મ આપવામાં મળેલી નિષ્ફળતા એટલે કે વંધ્યત્વ હોઈ શકે. આ કારણે તેવી મહિલાઓનું અકાળે મૃત્યુ થવાનું જોખમ વધી જતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. સાન એન્ટોનિયોમાં અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસીન (ASRM) ના વાર્ષિક અધિવેશનમાં રજૂ કરાયેલા તારણોમાં ગર્ભ ધારણ કરવામાં નિષ્ફળ રહેલી મહિલાના ચોક્કસ પ્રકારના કેન્સરના ટેસ્ટ કરવા પર ભાર મૂકાયો હતો.
• પ્રતિબંધ હટાવાતા કેદીઓ મતદાન કરી શકશે
જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લિડિંગ્ટને કેદીઓ પરનો મતદાન માટેનો પ્રતિબંધ ઉઠાવી લેતા હવે તેઓ મતદાન કરી શકશે. જે કેદીઓને એક વર્ષ કરતા ઓછી જેલની સજા થઈ હશે તેમને મતદાન કરવા માટે તે દિવસે ઘરે જવાની છૂટ અપાશે. આ પગલાને લીધે કાયદો અને વ્યવસ્થા પ્રત્યેના સરકારના વલણ વિશે સવાલો ઉભા થયા છે.
• મલ્ટિનેશનલ કંપનીઓએ ૬ બિલિયન પાઉન્ડનો ટેક્સ ટાળ્યો
મલ્ટિનેશનલ કંપનીઓએ વિદેશમાં પ્રોફિટ બુક કરીને યુકેમાં લગભગ ૬ બિલિયન પાઉન્ડનો કોર્પોરેટ ટેક્સ ભરવાનું ટાળ્યું હતું. લો ફર્મ પીનસેન્ટ મેસન્સે ફ્રિડમ ઓફ ઈન્ફર્મેશન હેઠળ આ આંકડો મેળવ્યો હતો. અમેરિકન ટેક્નોલોજી કંપનીઓને વધુ ટેક્સરેટના દેશોમાં થયેલો નફો ઓછા ટેક્સ રેટના દેશોમાં લઈ જતી અટકાવવાના પ્રયાસો હવે રાજકીય મુદ્દો બની ગયો છે.

