• વધુ એન્ટિબાયોટિક્સ આપનારાને ચેતવણી

Tuesday 23rd February 2016 15:09 EST
 

એન્ટિબાયોટિક્સના વધુપડતા ઉપયોગને ઔષધો સામે વધતા પ્રતિકાર માટે જવાબદાર ગણવામાં આવે છે. વધુ એન્ટિબાયોટિક્સ આપનારા જીપીને દર વર્ષે લેખિત ચેતવણી આપવામાં આવશે. આવી ચેતવણીથી પ્રીસ્ક્રિપ્શન્સનું પ્રમાણ ઘટયું હોવાનું એક પાયલોટ અભ્યાસમાં જણાયું હતું. ચીફ મેડિકલ ઓફિસર ડેમ સેલી ડેવિસે ૧,૫૦૦થી વધુ પ્રેક્ટિસીસના ડોક્ટરોને ચેતવણીપત્ર મોકલ્યા હતા, જેના લીધે છ મહિનામાં ૭૩,૦૦૦ પ્રીસ્ક્રિપ્શન્સ ઘટ્યાં હતા અને ઓછામાં ઓછાં ૯૨,૦૦૦ પાઉન્ડની બચત થઈ હતી. હવે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરાનાર છે.

• હળવા પીણા પર ઓબેસિટી ટેક્સની તરફેણ

કેન્સર રિસર્ચ યુકેએ ગળ્યાં હળવા પીણા પર ઓબેસિટી ટેક્સ લાદવાની તરફેણ કરી છે. ચેરિટીએ દાવો કર્યો છે કે આવા પીણા પર ૨૦ ટકા લેવી લાદવાથી લાખો લોકો સ્થૂળ બનતા અટકશે અને સ્થૂળતા દરમાં ૧૫ ટકા જેટલો ઘટાડો થશે. ડેવિડ કેમરન ગળ્યાં પીણા પર વિવાદાસ્પદ ટેક્સ લાદવાના મુદ્દે વારંવાર વલણ બદલતા રહ્યા છે. ટેક્સ લાદવાથી કંપનીઓને ઉત્પાદનો સ્વાસ્થ્યપ્રદ બનાવવાની ફરજ પડશે તેમ પણ એક વર્ગ માની રહ્યો છે.

• બ્રિટિશ જેહાદી ત્રાસવાદીઓમાં સીનિયર

બ્રાઈટનનો જન્મે બ્રિટિશ જેહાદી મોહમ્મદ રાજા ખાન ઘણા ટુંકા સમયમાં સીરિયામાં ત્રાસવાદી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા જભાત અલ-નુસરા જૂથમાં સીનિયર કમાન્ડર બની ગયો છે. સસેક્સ પોલીસનું એન્ટિ ટેરરિસ્ટ યુનિટ બાંગલાદેશી મૂળના જેહાદીની તપાસ ચલાવી રહ્યું છે. તે બે વર્ષ અગાઉ માનવતાવાદી સહાય કાર્યકરના વેશમાં બ્રિટન છોડી સીરિયા ગયો હતો. ૧૦૦ મહિલા સહિત ૭૫૦થી વધુ બ્રિટિશ જેહાદીઓ લડવા માટે સીરિયા અને ઈરાક પહોંચ્યા છે.

• ઈઝરાયલી સામાનનો બહિષ્કાર અટકાવાશે

સ્થાનિક કાઉન્સિલો, NHS ટ્રસ્ટ્સ અને અન્ય જાહેર સંસ્થાઓ દ્વારા ઈઝરાયલના માલસામાન અને ઉત્પાદનોનો બહિષ્કાર થાય છે તેને અટકાવવા સરકાર આગળ આવી છે. યુનિવર્સીટી અને વિદ્યાર્થી સંઘોને પણ સરકારની નવી ગાઈડલાઈન્સમાં આવી જશે છે. વધી રહેલા યહુદીવિરોધથી ચિંતા ફેલાઈ છે. નવા નિયમો સરકારને બહિષ્કાર લાદતા સંગઠનો પર કાર્યવાહીની છૂટ મળવા ઉપરાંત, અન્ય લોકો પણ આવી સંસ્થાને કોર્ટમાં લઈ જઈ શકશે.

• યોગ-આર્ટ્સ ક્લાસીસનું પ્રીસ્ક્રિપ્શન લાભદાયી

વૃદ્ધોમાં એકલતા ભારે માનસિક બોજ ઉભો કરે છે અને તેની અસર આરોગ્ય પર થતા નાણાકીય ખર્ચ પણ વધે છે. રોધરહામમાં આરોગ્ય વહીવટદારોએ ૨૦૧૨થી યોગ, કાઉન્સેલિંગ, ફીટનેસ અને આર્ટ્સ ક્લાસીસ ચલાવતા કોમ્યુનિટી ગ્રૂપ્સને વર્ષે ૫૦૦,૦૦૦ પાઉન્ડની ફાળવણી કરી છે. ફેમિલી ડોક્ટર્સ નાણાકીય- સામાજિક સમસ્યા ધરાવતા એકલવાયા વૃદ્ધ પેશન્ટ્સને આ ગ્રૂપ્સમાં મોકલવા પ્રીસ્ક્રિપ્શન લખે છે. આવા સામાજિક પ્રીસ્ક્રિપ્શનથી તબીબી સેવાઓ અને NHS પર ભારણ ઘટે છે. આવા ક્લાસીસમાં હાજરી આપ્યા પછી વધુ ખુશ હોવાની લાગણી ૮૨ ટકા પેશન્ટે વ્યક્ત કરી હતી.

• હીઅરિંગ એઈડ્સમાં કાપથી ડિમેન્શિયા વધે

હીઅરિંગ એઈડ્સમાં કાપથી ડિમેન્શિયાનું પ્રમાણ વધવાની ચેતવણી NHSને અપાઈ છે. યુએસમાં સંશોધનો અનુસાર હજારો ડિમેન્શિયા કેસીસ પાછળ શ્રવણશક્તિની સમસ્યાની સારવાર ન થઈ શકવાનું કારણ હોઈ શકે છે. આગામી દાયકામાં બ્રિટનમાં ડિમેન્શિયાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૦ લાખથી વધુ થવાનો અંદાજ છે. યુકેમાં છમાંથી એક વ્યક્તિને સાંભળવાની કોઈ તકલીફ છે. અનેક ટ્રસ્ટોએ શ્રવણ ઉપકરણોની સુવિધા આપવા પર અંકુશ લગાવ્યો છે. પણામે લોકોએ ખાનગી કંપનીઓ પાસેથી ઉપકરણો ખરીદવા પડે છે.

• હિપ ઓપરેશન સ્ત્રીઓનું જાતીયજીવન સુધારી શકે

સાઉધમ્પ્ટનના ઓર્થોપીડિક સર્જન સિમોન ટિલેના દાવા અનુસાર નિતંબના ઓપરેશન (હિપ રીપ્લેસમેન્ટ)થી મધ્યમ વયની સ્ત્રીઓની સેક્સ માણવાની શક્તિમાં વધારો થાય છે. ઓસ્ટ્રેલિયા પછી બ્રિટનમાં પણ આ પ્રકારનો સર્વે હાથ ધરાયો છે. હિપ રીપ્લેસમેન્ટ ઓપરેશનની જાતીયસુખ પર અસરના પ્રશ્નો પૂછવાનું પ્રમાણમાં વધ્યું છે. ઓસ્ટ્રેલિયાના સર્વેમાં ૨૮ ટકા સ્ત્રીએ જાતીયસુખ માટે ઓપરેશન કરાવ્યાનું જણાવ્યું હતું, જે ટકાવારી પાછળથી વધી ૩૬ ટકા થઈ હતી.

• બોરિસ કહે છે, બ્રેક્ઝિટથી ગભરાવાની જરૂર નથી

અત્યાર સુધી બ્રિટન ઈયુમાં રહે તેની તરફેણમાં મનાતા લંડનના મેયર બોરિસ જ્હોન્સને ઈયુમાંથી બહાર નીકળવાથી ગભરાવાની જરૂર નહિ હોવાના નિવેદનથી સૌને ચોંકાવી દીધા છે. મેયરે કહ્યું હતું કે ઈયુ બ્લોક બહારના દેશો સાથે બ્રિટનનો વેપાર અને નિકાસ વધ્યાં છે. આપણે બહારના દેશોમાંથી વધુ રોકાણ આકર્ષીએ છીએ. બ્રિટન ઈયુમાં રહે કે બહાર નીકળે, લંડનને તેની કોઈ અસર થશે નહિ. જોકે, બ્રસેલ્સ બેઠક પછી પોતાનો અંગત નિર્ણય જાહેર કરીશ તેમ પણ બોરિસે જણાવ્યું હતું.

• બ્રેક્ઝિટથી યુકેના પર્યટકોને નુકસાન થશે

બ્રિટનની બે સૌથી મોટી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી ઈઝીજેટ અને ટુઈ ટ્રાવેલ ગ્રૂપના વડાએ ચેતવણી આપી છે કે ઈયુમાંથી બહાર નીકળવાના કારણે યુકેના પર્યટકોની સલામતી જોખમમાં આવી પડશે. આપણા પર્ટકોની સલામતી માટે બ્રિટન ઈયુમાં રહે તે જરૂરી છે. બ્રિટિશ એક્ઝિટથી હવાઈ પ્રવાસનો ખર્ચ ઘણો ઊંચે જશે અને પ્રવાસ માત્ર ધનિકોને જ પોસાય તેવા દિવસો પાછા આવશે. ટૂઈના પૂર્વ વડા અને રોયલ મેઈલના વર્તમાન અધ્યક્ષ પીટર લોન્ગે કહ્યું હતું કે બ્રેક્ઝિટથી પાઉન્ડનું મૂલ્ય પણ ઘટી શકે છે.

• સાદિક ખાનની ઉદ્દામવાદી ઈમામની રેલીઓમાં હાજરી

લંડનના મેયરપદ માટે લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાન નવા વિવાદમાં ઘસડાયા છે. ખાને પેરિસ હત્યાકાંડની રાત્રે ઈસ્લામિક સ્ટેટની તરફેણ કરનારા કટ્ટરવાદી ઉપદેશક સુલેમાન ગની સાથે ૨૦૦૪-૨૦૧૩ના ગાળામાં નવ વખત મંચ પર હાજરી આપી છે. ખાનના મતક્ષેત્રમાં ટૂટિંગ ઈસ્લામિક સેન્ટરના ઈમામ ગનીએ નવેમ્બર ૨૦૧૫માં બ્રિટિશ મુસ્લિમોને ઈસ્લામિક સ્ટેટની તરફેણમાં સંઘર્ષ કરવા હાકલ કરી હતી. ખાનના પ્રવક્તાએ મેયરપદના ટોરી ઉમેદવાર ઝાક ગોલ્ડબર્ગની બેઠકમાં પણ ગનીની હાજરી હોવાનું કહ્યું હતુ. જોકે, ગની પેનલમાં નહિ, પરંતુ દર્શકોમાં હતો.

• ફ્યુલખર્ચ ઘટવાનો લાભ પ્રવાસીઓને ન મળ્યો

યુનાઈટેડ ફેડરેશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન્સ દ્વારા દેશની એરલાઈન્સને સપ્ટેમ્બરમાં ખુલ્લો પત્ર મોકલી સરચાર્જ સહિત જેટ ફ્યુલના કુલ ખર્ચમાં થયેલી બચતનો લાભ પ્રવાસીઓને નહિ આપવાની શરમજનક નીતિ અપનાવ્યાનો આક્ષેપ લગાવ્યો હતો. કન્ઝ્યુમર ગ્રૂપ્સ અને સાંસદોએ સસ્તી ફ્લાઈટ ટિકિટના સ્વરૂપે આ લાભ પ્રવાસીઓને આપવાની માગણી કરી છે. ગત બે વર્ષમાં જેટ ફ્યુલની કિંમતમાં ૭૦ ટકાનો ઘટાડો થવાં છતાં ટ્રાન્સએટલાન્ટિક એરલાઈન ટિકિટના સરેરાશ ખર્ચમાં માત્ર બે ટકાનો જ કાપ મૂકાયો છે. કેટલીક એરલાઈન તો ચોક્કસ રુટ્સ પર ફ્યુલ સરચાર્જ લગાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter