• વર્ષમાં પાંચ ટેક્સ રિટર્ન ભરવા તૈયાર રહેજો

- Monday 03rd April 2017 10:35 EDT
 

સ્વરોજગાર ધરાવતા લાખો લોકોએ દર વર્ષે મલ્ટિપલ ટેક્સ રિટર્ન ભરવા તૈયાર રહેવું પડશે. આ એપ્રિલ મહિનાથી તેની પાઈલોટ યોજના શરૂ કરાઈ રહી છે. વર્ષે ૮૫,૦૦૦ પાઉન્ડની વધુ ટર્નઓવર ધરાવતા સેલ્ફ-એમ્પ્લોઈડ લોકોની હાલત સૌથી ખરાબ થશે કારણકે તેમણે એપ્રિલ ૨૦૧૮થી દર ટેક્સ વર્ષે ઓછામાં ઓછાં પાંચ રિટર્ન ભરવાના થશે. સરકારી ખુલાસો એવો છે કે ભૂલોના કારણે ટેક્સ ગુમાવવો પડે છે તેને બચાવવા આ ફેરફાર જરૂરી બન્યો છે.

• બહુધા સ્ત્રીઓ માટે નારીવાદ અયોગ્ય

લેખિકા અને નાટ્યકાર ફે વેલ્ડને મોટા ભાગની સ્ત્રીઓ માટે નારીવાદ ખરાબ જ રહ્યો છે અને સ્ત્રી યુવાન હોય ત્યારે જાતીય કનડગત ‘ધ્યાન આકર્ષિત’ કરવા માટે આવકાર્ય લેખાતી હોવાના તેજાબી વિધાનો કર્યાં છે. ૮૫ વર્ષીય વેલ્ડને કહ્યું હતું કે સ્ત્રીઓ વધુ પ્રમાણમાં નોકરી કરતી થઈ છે અને પુરુષ સમાન વેતનની માગ કરે છે. તેનો અર્થ એ છે કે એક પુરુષનો પગાર તેના પરિવારના ભરણપોષણ માટે પૂરતો થઈ રહેશે નહિ, માતાએ બાળકોની સંભાળ છોડી નોકરીએ જવું પડશે. માત્ર એક તૃતીઆંશ મહિલાને જ ફેમિનિઝમથી લાભ મળ્યો છે.

• બ્રિટિશ ટેલિકોમને દંડ

કોમ્યુનિકેશન્સ રેગ્યુલેટર ઓફકોમ દ્વારા બ્રિટિશ ટેલિકોમને નિયમોના ગંભીર ભંગ બદલ ૪૨ મિલિયન પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો છે. ટેલિકોમ પ્રોવાઈડર પર લાદવામાં આવેલો આ સૌથી મોટો દંડ છે. બ્રિટિશ ટેલિકોમે હાઈસ્પીડ બિઝનેસ લાઈન્સને કનેક્ટ કરવામાં ભારે વિલંબ બદલ વળતરની ચુકવણીઓમાં કાપ મૂકવા કોન્ટ્રાક્ટની શરતોનો દુરુપયોગ કર્યો હતો. બ્રિટિશ ટેલિકોમે તેના હરીફોને વળતર તરીકે ૩૦૦ મિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે તેવો અંદાજ છે.

• ખાણ મળતા સ્કૂલ બંધ કરાઈ

નોર્થવેસ્ટ લંડનમાં ૪૫૦ વિદ્યાર્થીઓ સાથેની પિન્નેર વૂડ સ્કૂલને બંધ કરી દેવાઈ છે અને કદાચ તે ફરી ખુલશે પણ નહિ. સ્કૂલના સ્ટાફ કાર પાર્કિંગની ૬૫ ફૂટની ઊંડાઈએ ૧૯મી સદીની ચુનાની વિશાળ ખાણ ૨૦૧૫ના ઉનાળામાં મળી આવી હતી. પાર્કિંગ હેઠળ નાનો ભૂવો પડ્યા પછી તેની તપાસ હાત ધરવામાં આવી હતી.ખાણના ઓછામાં ઓછાં બે બોગદાં અંશતઃ તૂટી પડેલાં જણાયાં હતાં. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે અન્ય શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter