ગયા વર્ષે લાઈબ્રેરીના મુલાકાતીઓની સંખ્યામાં દર મહિને પાંચ લાખનો ઘટાડો થતાં માર્ચ સુધીના ૧૨ મહિનાના ગાળામાં ૧૦૫ લાઈબ્રેરી બંધ થઈ હતી. ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટન્સીના અભ્યાસમાં જણાયું હતું કે લાઈબ્રેરીની ૩,૮૫૦ બ્રાંચ હતી તે ઘટીને ૩,૭૪૫ થઈ હતી અને મુલાકાતોની સંખ્યા ૨૫૦ મિલિયનથી ઘટીને ૨૪૩ મિલિયન થઈ હતી.
• કોર્ટરૂમમાં જજને ‘મેટ’ કહેતા મૃતકના ભાઈની અટકાયત
પોતાની બહેનની હત્યા કરનારા ડ્રાઈવરને સજાની સુનાવણી કરી રહેલા હલ ક્રાઉન કોર્ટના જજ જેરેમી રિચાર્ડસનને ‘મેટ’ તરીકે સંબોધન કરવા બદલ જજે મૃતકના ૨૪ વર્ષીય ભાઈ એન્ટની ડીકીન્સનને અટકમાં લીધો હતો. ડીકીન્સને કોર્ટરૂમમાં મોડા આવીને કાર્યવાહીમાં ખલેલ પાડ્યો હતો. તેણે જજને કહ્યું હતું કે તે તેનો આદરભાવ દર્શાવે છે. જજે તેવું સંબોધન ન કરવાનું જણાવીને થોડા સમય માટે કોર્ટ સેલમાં મોકલી દીધો હતો.
• મહિલાઓને ઘરે ગર્ભપાતની ગોળી લેવાની છૂટ આપવા ભલામણ
ક્લિનિકથી પાછા ફરતી વખતે પ્રસૂતાને થઈ જતી કસુવાવડને ટાળવા માટે મહિલાઓને તેમના ઘરે જ ગર્ભપાતની ગોળી લેવાની છૂટ આપવાનું બ્રિટનના ટોચના મેટરનિટી ડોક્ટરે જણાવ્યું હતું. હાલ જે મહિલાઓ પ્રસુતિના પ્રથમ નવ અઠવાડિયામાં ગર્ભપાત કરાવવા માગતી હોય છે તેણે એક-બે દિવસના અંતરે બે દવા લેવી પડે છે અને તે બન્ને ડોક્ટર અથવા નર્સની સામે લેવી પડે છે.
• ચોક્ઠું પહેરતો લોકો કુપોષણનો ભોગ બનવાની શક્યતા
પોષણયુક્ત કઠણ ખોરાક ચાવવામાં અઘરો હોવાથી ચોક્ઠું પહેરતા લોકો તેવો ખોરાક લઈ શકતા નથી અને તેથી તેઓ કુપોષિત રહેવાનું જોખમ હોવાનું કિંગ્સ કોલેજ લંડનના અભ્યાસમાં જણાયું હતું. તેમાં વધુમાં જણાયું હતું કે જેમના દાંત પડી ગયા હોય તેવા લોકો પણ આવો ખોરાક બરાબર ચાવી શકતા ન હોવાથી તેમને પણ આ વાત લાગૂ પડે છે.
• યુકે જેહાદીઓને ડ્રોન હુમલાનો ભોગ બનાવવાનો વિરોધ
લેબર પાર્ટીના સિનિયર લીગલ શેડો મિનિસ્ટર બેરોનેસ ચક્રવર્તીએ દાવો કર્યો છે કે બ્રિટિશ જેહાદીઓ પર ડ્રોન હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારવાને બદલે તેમના પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સીરિયા અને ઈરાકમાં રહેતા બ્રિટિશ આતંકવાદીઓને શોધીને તેમને મારી નાખવા જોઈએ તેવા ડિફેન્સ સેક્રેટરી ગ્રેવિન વિલિયમસને કરેલી ટિપ્પણીથી તેઓ ખૂબ નારાજ છે.

