ચાન્સેલર ઓસ્બોર્ન બજેટ ૨૦૧૫માં ઈન્હેરિટન્સ ટેક્સની મર્યાદા ૨૦૧૭થી અમલી બને તે રીતે £૧ મિલિયન સુધી વધારે તેવી ધારણા છે. પ્રોપર્ટીનું કદ ઘટાડવાની ઈચ્છા રાખતા લોકોના સંતાનો પણ વારસાવેરામાં રાહતનો લાભ મેળવી શકે તે માટેની યોજના પણ જાહેર કરી શકે છે. આ પગલાથી પ્રોપર્ટી બજારને વેગવંત બનશે અને મોટા પરિવારો માટે હાઉસિંગની અછત હળવી બનાવી શકાશે તેમ મનાય છે. ઓસ્બોર્ન બ્રિટનના બેનિફિટ બિલ્સમાં £૧૨ બિલિયનના કાપની યોજનાઓ પણ જાહેર કરશે.
• મેક્સ ક્લિફોર્ડ સામે નવો આરોપ
પૂર્વ સેલિબ્રિટી પ્રચારક મેક્સ ક્લિફોર્ડ સામે ૧૯૮૧માં અનુચિત હુમલાનો આરોપ સીપીએસ લંડન દ્વારા લગાવાયો છે. ૭૧ વર્ષીય ક્લિફોર્ડ કેમ્બ્રિજશાયરની જેલમાં સેક્સ સંબંધિત ગુનાઓ માટે સજા કાપી રહ્યો છે, જ્યાં ઓપરેશન યેવટ્રી અંતર્ગત ૧૨ માર્ચે તેની ધરપકડ કરાઈ હતી. ક્લિફોર્ડને ૨૧ જુલાઈએ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાશે.
• બે વિજ્ઞાનીને ઈન્સ્ટિટ્યુટ ઓફ ફીઝિક્સના એવોર્ડ
ઈન્સ્ટિટ્યુટ ઓફ ફીઝિક્સ દ્વારા CERN ખાતે સીએમએસ એક્સપરીમેન્ટની આગેવાની સંભાળનારા પ્રોફેસર સર તેજિન્દર (જિમ) વિર્દીને ગ્લેઝબ્રૂક મેડલ તેમજ ફાઈબર લેસર સંશોધન માટે ડો. એડમન્ડ કેલ્હરને પેટરસન મેડલ એનાયત કરાયા છે. વિર્દીએ ૨૦૧૨માં ઈમ્પિરિયલ કોલેજમાં ફીઝિક્સના પ્રોફેસર તરીકે ૩૦ વર્ષ પૂર્ણ કર્યા હતા અને રોયલ સોસાયટીના ફેલો ચૂંટાયા હતા.
• લેબર પાર્ટીના ઉમેદવાર સસ્પેન્ડ
ટ્યુનિશિયા બીચ હત્યાકાંડમાં ઘટનાસ્થળે સેલ્ફી સ્ટીકની મદદથી સેલ્ફી લેવાની ઘટનામાં લેબર પાર્ટીએ તેના પાર્લામેન્ટરી ઉમેદવાર અમરાન હુસૈનને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. હુસૈને બચાવમાં કહ્યું હતું કે સેલ્ફી લેવા પર પ્રતિબંધ નથી. જોકે, લેબર પાર્ટીએ આ વર્તણૂકને અસ્વીકાર્ય અને અપમાનજનક ગણાવી હતી.
• વૃદ્ધનો મૃતદેહ ત્રણ વર્ષ સુધી ફ્લેટમાં પડી રહ્યો
પેન્શનર હેન્રી સમર્સનો મૃતદેહ ત્રણ વર્ષ કરતા વધુ સમય સુધી તેના ફ્લેટના લિવિંગ રુમમાં પડી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. એડિનબરાના લેઈથ વોક ખાતેના ફ્લેટમાં બુધવાર, ૨૪ જૂને પોલીસે પ્રવેશ કર્યો ત્યારે સમર્સનો ખવાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો. જીપી સર્જરી દ્વારા પોલીસને જાણ કરાઈ હતી કે સમર્સ ઘણા સમયથી જોવા મળ્યા નથી. તેમના જ બ્લોકમાં રહેતા પડોશીએ જણાવ્યું હતું કે તેણે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૨માં સમર્સને જાયા હતા.
• બ્રિટિશ પ્રધાનો ચર્ચા છોડીને ઉંદર પકડવા દોડ્યા
બ્રિટિશ નાણા મંત્રાલયમાં બજેટ અગાઉ ઉચ્ચ સ્તરીય ચર્ચા દરમિયાન સોફા પાસેથી ઓચિંતા એક ઉંદર ઝડપથી પસાર થતા એક અધિકારીની ચીસ નીકળી પડી હતી. ચીસ સાથે નાણાં પ્રધાન જ્યોર્જ ઓસ્બોર્ન અને કેબિનેટ કાર્યાલય પ્રધાન મેથ્યુ હેનકોકે ચર્ચા છોડીને ઉંદરને પકડવા માટે પોતાની સીટ પરથી ભૂસ્કો મારીને તેની પાછળ દોડ લગાવી હતી અને ઉંદરને પકડી પાડ્યો હતો.
• દારૂ પીને ગુનો કરનારા લોકોને ખાસ બ્રેસલેટ પહેરાવાશે
બ્રિટનમાં દારૂ પીવાથી માંડી તેની સાથે સંકળાયેલા ગુના કરનારા લોકોએ ‘બૂઝ બ્રેસલેટ’ પહેરવા પડે તેવી શક્યતા છે. એક પાઇલટ પ્રોજેક્ટ હેઠળ ખાસ પ્રકારના બ્રેસલેટ શરીરમાં રહેલા આલ્કોહોલનું પ્રમાણ ચેક કરતા રહેશે. દારૂ પીવાથી ગુનાઓ પર અંકુશ લાવવા ન્યાય મંત્રાલયે આ યોજના ઘડી છે. જજોને દારૂ પીને ગુનો કરનારા લોકોને આ બ્રેસલેટ પહેરવાનો આદેશ આપવાનો અધિકાર મળશે.
• બ્રિટિશર્સનો મોટો વર્ગ મુસ્લિમોથી ભયભીત
બ્રિટનમાં મોટી સંખ્યામાં લોકો મુસ્લિમોને ખતરો ગણે છે. જ્યારે ૩૩ ટકા નાગરિકો એવું માને છે કે બહુસંસ્કૃતિવાદથી દેશ બદતર થાય છે. હાલમાં કરાયેલા એક ઓપિનિયન પોલમાં આ ખુલાસો થયો છે. જ્યારે ૭૯ ટકા એવું માને છે કે બ્રિટનમાં 7/7 જેવો હુમલો ફરી થઈ શકે છે.
• ઊંઘમાં ચાલતી મહિલા દરિયાની વચ્ચે પહોંચી
ઇંગ્લેન્ડની સમરસેટ કાઉન્ટીમાં દરિયાકાંઠે આવેલી સ્ટ્રીટમાં રહેતી ૩૯ વર્ષની મહિલા મેરી લોર્ડને ઊંઘમાં ચાલવાની આદત છે. થોડાક દિવસ પહેલાં મારી રાતે દોઢ વાગ્યે ઊંઘમાંથી ઊઠી અને ઘરનું બારણું ખોલીને બહાર નીકળી પડી હતી. ચાલતી-ચાલતી તે લગભગ અડધો કિલોમીટર દૂર દરિયામાં ઊતરી ગઈ. નવાઈની વાત એ છે કે પાણીમાં ભીંજાવા છતાં તે જાગી નહીં, પણ પાણી મોમાં ગયું અને ખારો સ્વાદ આવ્યો એટલે તે જાગી ગઈ હતી.

