યુકેના સાંસદો મહારાણી વિક્ટોરિયા કાળના ૧૮૬૧માં પસાર કરાયેલા એબોર્શન કાયદાની ચર્ચા કરવાના છે. આ પુરાણા કાયદા અનુસાર અનિયોજિત પ્રેગનન્સીનો અંત લાવવા ઘરમાં જ પિલ્સનો ઉપયોગ કરતી મહિલા અને તેને મદદ કરનાર ડોક્ટરને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. આ કાયદો પસાર થયો ત્યારે મહિલાઓ મતદાન પણ કરી શકતી ન હતી. હવે આપમેળે સગર્ભાવસ્થાનો અંત લાવનારી સ્ત્રીઓ પર ગુનાનો અંત લાવવા માટે સાંસદો ચર્ચા હાથ ધરવાના છે. ઓફેન્સીસ અગેઈન્સ્ટ ધ પર્સન એક્ટ ૧૮૬૧ના સેક્શન ૫૮ અને ૫૯ રદ કરવાની આ ચર્ચા છે. આધુનિક બ્રિટનમાં મોટા ભાગના ગર્ભપાત ૧૨ સપ્તાહ અગાઉ પિલ્સની મદદથી કરવામાં આવે છે. આમ છતાં, જે સ્ત્રી પિલ્સનો ઓનલાઈન ઓર્ડર કરે અને બે ડોક્ટરની સંમતિ વિના તેનો ઉપયોગ કરે તો તેને જેલ થઈ શકે છે.
• ઝૂને લાઈસન્સ રિન્યુઅલનો ઈનકાર
ચાર વર્ષમાં લગભગ ૫૦૦ પ્રાણીના મોત થવાને લીધે કુમ્બ્રિયાના ડાલ્ટન-ઈન-ફર્નેસના ઝૂની નવા લાઈસન્સની અરજીને ફગાવી દેવામાં આવી હતી. બેરો બરો કાઉન્સિલના અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં આ ઝૂમાં જાન્યુઆરી, ૨૦૧૩થી સપ્ટેમ્બર, ૨૦૧૬ સુધીમાં ૪૮૬ પ્રાણીના મૃત્યુની વિગતો અપાઈ હતી. એક વાઘે તેના રખેવાળને પણ મારી નાંખ્યો હતો. ઝૂના સ્થાપક ડેવિડ ગિલે ઝૂનું લાઈસન્સ રિન્યુ કરાવવા માટે અરજી કરી તો બેરો બરો કાઉન્સિલે તે અરજીને નકારી કાઢી હતી.
• છોકરાઓ ચાઈલ્ડલાઈનની ઓછી મદદ મેળવે છે
છોકરાઓમાં આપઘાતનું જોખમ છોકરીઓ કરતાં બમણાથી વધુ હોવા છતાં આપઘાત કરવાનો વિચાર આવે ત્યારે ચાઈલ્ડલાઈનની મદદ લેવાની શક્યતા છોકરીઓની સરખામણીએ છોકરાઓમાં છ ગણી ઓછી હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડામાં જણાયું છે. NPCCC સંચાલિત સેવા દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૧,૪૬૩ છોકરીઓની સરખામણીમાં ૧,૯૩૪ છોકરાને આપઘાતના વિચારથી દૂર કરવા કાઉન્સેલિંગ અપાયું હતું. નેશનલ ડેટા દર્શાવે છે કે ૨૦૧૫માં ૧૦થી ૧૯ની વયના છોકરામાં તેટલી જ ઉંમરની છોકરીઓ કરતાં આપઘાતનો દર બમણો હતો.
• NIના વધારામાં હેમન્ડ ‘ખોટા’
નેશનલ ઈન્સ્યુરન્સના દરમાં વધારાની અસર માત્ર ‘ખૂબ ઉંચી આવક’ ધરાવતા સેલ્ફ એમ્પ્લોઈડને જ થશે તેમ કહીને ચાન્સેલર ફિલિપ હેમન્ડે ગેરમાર્ગે દોર્યા હોવાનો ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસના માઈક ચેરીએ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બાબતે ચાન્સેલર ‘ખોટા’ છે અને વર્ષે £૮,૦૦૦થી £૪૫,૦૦૦ કમાતા લોકોને આ પગલાની ઓછા વત્તા પ્રમાણમાં અસર થશે. ચેરીએ અર્થતંત્રને વેગીલું બનાવવા મહેનત કરતાં લોકો પર ટેક્સ વધારાની આકરી ટીકા કરી હતી.

