સિટી ગ્રૂપના પૂર્વ સીઈઓ વિક્રમ પંડિતે લંડનસ્થિત ફાઈનાન્સિયલ ટેકનોલોજી સ્ટાર્ટ-અપ કંપની ટ્રાન્સફરવાઈઝમાં રોકાણ કર્યું છે. જાહેર નહિ કરાયેલા હિસ્સા સાથે પંડિતના ન્યૂ યોર્કસ્થિત સ્ટુડન્ટ લોન કંપની કોમનબોન્ડ અને લોન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઓર્ચાર્ડ પ્લેટફોર્મ સહિત ફિન્ટેક સ્ટાર્ટ-અપ કંપનીઓમાં રોકાણ પોર્ટફોલિયોમાં વધુ એક ઉમેરો થયો છે. ટ્રાન્સફરવાઈઝના હાઈ-પ્રોફાઈલ રોકાણકારોમું પ્રમાણ વધી રહ્યું છે. બોર્ડ સાથે સંઘર્ષના પગલે વિક્રમ પંડિતને ૨૦૧૨માં સિટી ગ્રૂપમાંથી દૂર કરાયા હતા.
• ડાયેટ નિષ્ણાતોને લાખો પાઉન્ડસ ચુકવાય છે
ફિફા વર્લ્ડ કપ, રગ્બી વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સના મુખ્ય સ્પોન્સર ડ્રિન્ક્સ જાયન્ટ કોકા-કોલા ડઝનથી વધુ બ્રિટિશ વિજ્ઞાનીઓ સાથે નાણાકીય સંપર્કો ધરાવે છે. હળવાં પીણાંથી સ્થૂળતા સર્જાય છે તેવાં દાવાઓનો સામનો કરવા બ્રિટિશ સાયન્ટિફિક સંશોધનો અને આરોગ્યપ્રદ આહાર પહેલો સંબંધે લાખો પાઉન્ડ ખર્ચવામાં આવે છે. ઘણા વૈજ્ઞાનિકોએ યુકેના સ્થૂળતા રોગચાળા માટે ખાંડના વધેલા ઉપયોગ પર દોષ લગાવ્યો છે. બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રસિદ્ધ તાજા રિપોર્ટ અનુસાર શારીરિક નિષ્ક્રિયતા, આલ્કોહોલ અને ધૂમ્રપાનથી થતાં સંયુક્ત રોગોથી વધુ રોગ નબળા આહારના કારણે થાય છે.
• બે પોલીસ અધિકારીની હકાલપટ્ટી
મોબાઈલ ફોન્સ પર વંશીય ટેક્સ્ટ સંદેશાઓ જોવા મળવાથી બે પોલીસ અધિકારીની ગંભીર ગેરવર્તન સબબે હકાલપટ્ટી કરાઈ છે. પાર્લામેન્ટરી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન યુનિટના કોન્સ્ટેબલ જ્યોર્જ કૂપર અને સાઉથ લંડનમાં કાર્યરત કોન્સ્ટેબલ સ્ટીફન ન્યુબરીને પ્લેબગેટ કૌભાંડની આંતરિક તપાસ પછી તેઓ સામે શિસ્તભંગના પગલાં લેવાયા હતા. ન્યુબરીએ અન્ય ઓફિસરને ૨૪, જ્યારે કૂપરે આઠ અયોગ્ય ટેક્સ્ટ સંદેશા મોકલ્યા હતા.
• આકર્ષક મહિલાએ બ્લેકમેઈલ કરી નાણા ખંખેર્યાં
આકર્ષક મહિલાએ સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુકના ઉપયોગથી પુરુષોને ઓનલાઈન અશ્લીલ કૃત્ય કરવા લલચાવી તેમને બ્લેકમેઈલ કરીને નાણા ખંખેરી લીધાં હતાં. આ યુવાન સ્ત્રી લોકોની સાથે વાતચીત કરી ફ્રેન્ડશિપ રિકવેસ્ટ મોકલતી હતી. તેમની કામુકતાને ઉશ્કેરતી હતી અને પોતે જોઈ શકે તે માટે ઓનલાઈન સેકસ્યુઅલ કૃત્ય કરવા ઉત્તેજિત કરતી હતી. આવા લોકોનાં અશ્લીલ કૃત્યોની ફિલ્મ જાહેર કરવાની ધમકીથી બ્લેકમેઈલ કરી ૫૦૦ પાઉન્ડ પડાવતી હતી.