યુકેમાં રોજગારીમાં વિક્રમી વધારો થયો છે, પરંતુ ધીમી વેતનવૃદ્ધિના લીધે તેની ચમક ધોવાઈ ગઈ છે. બ્રિટનમાં નોકરીઓની મજબૂત રીકવરીના કારણે ૨૦૧૬ના અંતે રોજગાર વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો છે. જોકે, વેતનવધારો નિસ્તેજ રહ્યો છે. ગત વર્ષના આખરી ત્રિમાસિક ગાળામાં નોકરી પરના લોકોની સંખ્યા ૨૦૫,૦૦૦ના વધારા સાથે ૩૧.૪૨ મિલિયન થઈ હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા જણાવે છે. વર્કિંગ એજ એમ્પ્લોયમેન્ટ દર વધીને ૭૪.૧ ટકા થયો છે, જે ૧૯૭૧ પછી સૌથી ઊંચો છે.
• હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીથી કામેચ્છામાં વધારો
૬૫થી વધુ વયના પુરુષોને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીના કારણે તેમની કામેચ્છામાં વધારો થઈ શકે છે અને તેઓ વધુ આનંદમાં રહે છે, તેમ નવા લેન્ડમાર્ક અભ્યાસના તારણો જણાવે છે. સંશોધન અનુસાર સેક્સ હોર્મોનનું નીચું સ્તર ધરાવનારાની સરખામણીએ જે પુરુષોને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની સારવાર અપાઈ હતી તેમની જાતીયવૃત્તિમાં નોંધપાત્ર વધારો જણાયો હતો. ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રસિદ્ધ પરિણામો મોટી વયના પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના લાભને દર્શાવે છે.
• સાથી વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યાનો ઈનકાર
કેમ્બ્રિજ યુનિવર્સિટીના૨૧ વર્ષીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી પૃથ્વી શ્રીધર સામે શરાબના નશામાં સાથી વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ છે. પૃથ્વી શ્રીધરે કેમ્બ્રિજ ક્રાઉન કોર્ટ સમક્ષ આરોપનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે ભારે શરાબપાન પછી તે બળાત્કાર ગુજારવાની હાલતમાં જ ન હતો. પીડિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે પૃથ્વી શ્રીધર તેના રૂમમાં ધસી આવ્યો હતો અને ગળા પર બચકાં ભર્યા પછી બળાત્કાર કર્યો હતો. આ ઘટના ચોથી નવેમ્બર, ૨૦૧૪ની હતી. પ્રોસીક્યુટરે કહ્યું હતું કે બન્ને જણ આલ્કોહોલના નશાની હાલતમાં હતાં. ટ્રાયલ ચાલી રહી છે.
• ઉચ્ચ યુનિવર્સિટીમાં ગરીબ વિદ્યાર્થીનું ઓછું પ્રમાણ
ગત દાયકામાં યુકેની અગ્ર યુનિવર્સિટીઓમાં ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ વધારો થયો ન હતો અને કેટલીક સંસ્થાઓમાં તો સંખ્યા ઘટી હતી. દેશની ઉચ્ચ યુનિવર્સિટીઓમાં ૨૦૧૪-૧૫ના વર્ષમાં ગરીબ ઘરના નવા અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૨૦.૮ ટકા જ હતું, જે તેની આગળના દાયકામાં ૧૯.૫ ટકા હતું. વંચિત બેકગ્રાઉન્ડમાંથી આશરે ૧૬ ટકા વિદ્યાર્થીઓ ગયા વર્ષે રસેલ ગ્રૂપ યુનિવર્સિટીઓમાં જોડાયા હતા. તેની સામે ધનિક વિદ્યાર્થીઓનો હિસ્સો ૩૩ ટકા હતો.
• મૃતદેહ મળતા તપાસ પાકિસ્તાન સુધી લંબાઈ
બે મહિના અગાઉ સેડલવર્થ મૂર પર અજાણ્યા પેન્શનરનો મૃતદેહ મળી આવતા નેશનલ ક્રાઈમ એજન્સીના ડિટેક્ટીવ્ઝ તપાસ માટે પાકિસ્તાન પહોંચ્યા છે. આ સ્થળે ૧૯૪૯માં વિમાન તૂટી પડતા બચી ગયેલી આઠ વ્યક્તિમાંથી એકનો મૃતદેહ હોવાની થીઅરી ફગાવી દેવાઈ છે. મૃત વ્યક્તિ પાસેથી લંડનની રિટર્ન ટ્રેઈન ટિકિટ, ૧૩૦ પાઉન્ડ અને અરેબિક લખાણ સાથે દવાની ખાલી બોટલ મળી આવી હતી. પોસ્ટમોર્ટમમાં તેના પગમાં પાકિસ્તાની કંપનીની ટિટેનિયમ પ્લેટ લગાવેલી મળી હોવાનું ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું.
• બાળકોને મેનેન્જાઈટિસ રસી આપવા હાકલ
દેશના તમામ બાળકોને મેનેન્જાઈટિસ રસી આપવાની હાકલ ઈંગ્લેન્ડના પૂર્વ રગ્બી સ્ટાર મેટ ડાઉસન અને તેમના પત્ની કેરોલીને કરી છે. આ દંપતીનો બે વર્ષનો પુત્ર મેનેન્જાઈટિસથી પીડાઈ મોતને ભેટ્યા પછી તેમણે તેના હૃદયદ્રાવક ફોટોગ્રાફ્સ રીલીઝ કર્યા હતા. ૧૧ વર્ષથી નીચેના તમામ બાળકોને મેનેન્જાઈટિસ રસી આપવાની હાકલ સાથે પિટિશનમાં આશરે ૪૦૦,૦૦૦ લોકોએ સહી કરી હતી. બ્રિટને સપ્ટેમ્બરમાં બે મહિનાના બાળકોને મેનેન્જાઈટિસ બી રસી આપવાનો વિશ્વનો પ્રથમ કાર્યક્રમ દાખલ કર્યો હતો., જેનાથી આગામી દાયકામાં ૪,૦૦૦ કેસ અટકાવી શકાય તેવી શક્યતા છે.
• યુવા વર્ગને ઓનલાઈન ગેમ્બલિંગનું બંધાણ
સ્માર્ટફોન્સના બહોળાં ફેલાવાથી યુવાન વર્ગ ખિસ્સામાં રુલેટ વ્હીલ લઈને ફરતો થયો છે. ઓનલાઈન જુગારમાં ભારે વધારાના કારણે યુવા વર્ગમાં તેનું બંધાણ પણ વધી રહ્યું હોવાનું કેમ્પેઈનર્સ કહે છે. યુકેમાં ગયા વર્ષે અગ્રણી ગેમ્બલિંગ હેલ્પલાઈન ગેમકેરને મળેલાં કોલ્સમાં અડધાં તો ઓનલાઈન જુગારની ચુંગાલમાં સપડાયેલા લોકોના હતા. પાંચ વર્ષ અગાઉ આ સંખ્યા ત્રીજા ભાગની હતી. ઓનલાઈન ગેમ્બલિંગ સમસ્યાઓ અંગે ૧૮-૩૫ વયજૂથના લોકો દ્વારા કોલ્સની સંખ્યામાં પાંચ વર્ષમાં ૧૭૭ ટકાનો ઉછાળો આવ્યો હતો.
• નોકરીમાંથી કાઢી મૂકાયેલ નર્સનું આત્મવિલોપન
ચેરિંગ ક્રોસ હોસ્પિટલની નોકરીમાંથી કાઢી મૂકાયેલ ૪૧ વર્ષના નર્સ અમીન અબ્દુલ્લાહે આઠ ફેબ્રુઆરીએ કેન્સિંગ્ટન પેલેસની બહાર પોતાને આગ ચાંપી આત્મવિલોપન કર્યું હતું. અબ્દુલ્લાહને ૨૧ ડિસેમ્બરે ગેરવર્તન બદલ નોકરીમાંથી દૂર કરાયા હતા. મૂળ મલેશિયાના કુઆલા લુમ્પુરના અબ્દુલ્લાહે બકિંગહામશાયર ન્યુ યુનિવર્સિટીમાંથી હન્નાહ ઈવાન્સ એવોર્ડ ફોર એક્સેલન્સ સાથે નર્સિંગ ડીગ્રી હાંસલ કરી હતી. હતાશામાં સરી પડેલા અબ્દુલ્લાહને સેન્ટ ચાર્લ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમને રજા અપાયા પછી થોડાં કલાકોમાં જ આ ઘટના ઘટી હતી. ગત ૧૨ વર્ષથી અબ્દુલ્લાહ સાથે રહેતા ૬૨ વર્ષીય ટેરી સ્કિટમોરે NHS ટ્રસ્ટની આકરી ટીકા કરી હતી.
• HSBC UKની વેતનવૃદ્ધિમાં ગુંલાટ
HSBC UKના હજારો મેનેજરને અગાઉ સમજૂતી થયા મુજબનો પગારવધારો મળશે નહિ. બેન્કે ગણતરીના સપ્તાહોમાં તેની વેતનનીતિમાં ફેરફાર કર્યો હતો. યુકે રીટેઈલ અને વેલ્થ મેનેજમેન્ટ ડિવિઝનના બહુમતી મેનેજર્સને ગત સપ્તાહે જણાવી દેવાયું હતું કે તેમને પગારવધારો મળશે નહિ. બેન્કે ગયા વર્ષે જ કર્મચારીઓ સાથે કરાર કર્યો હતો. સૌથી સારું પરફોર્મન્સ છતાં બજાર કરતા ઓછું વેતન મેળવનાર નાની સંખ્યામાં મેનેજરને પગારવધારો મળશે.
• ચર્ચે બળાત્કારની ફરિયાદ ન સાંભળી
ટ્રેઈની પાદરી ટિમોથી સ્ટોરી દ્વારા તરુણાવસ્થામાં બળાત્કાર કરાયેલી બે મહિલાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે ચર્ચે તેમની ફરિયાદ સાંભળી ન હતી. ટિમોથીએ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાં થીઓલોજીનો અભ્યાસ કરવા દરમિયાન એક છોકરી પર બળાત્કાર કર્યો હતો. વુલીચ ક્રાઉન કોર્ટે તેને દોષી ઠરાવી કસ્ટડીમાં સોંપ્યો હતો અને ૧૫ એપ્રિલે તેને સજા સંભળાવાશે. આ પાદરીએ સેંકડો બાળકોને ફેસબુક પરથી ગ્રૂમ કર્યા હતા.
• પ્રૌઢ માતાઓને સ્ટ્રોક અને હાર્ટ એટેક્સનું વધુ જોખમ
૪૦ વર્ષથી વધુ વયની પ્રૌઢ માતાઓ દ્વારા બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સંશોધન અનુસાર આવી માતાઓને સ્ટ્રોક અને હાર્ટ એટેક્સનું જોખમ વધુ રહે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સના સત્તાવાર ડેટા અનુસાર ૧૫ વર્ષમાં પાછલી જિંદગીમાં બાળકોને જન્મ આપનારી માતાઓનું પ્રમાણ બમણું અને ૧૯૭૦ના દાયકા પછી પાંચ ગણુ વધ્યું છે. યુએસમાં ૭૦,૦૦૦થી વધુ સ્ત્રીને સંશોધનમાં આવરી લેવાઈ હતી.
• નવા શિક્ષકો પ્રત્યે અવિશ્વાસ અને કટુતા
શિક્ષણમાં કારકીર્દિ બનાવવા નોકરીઓ છોડનારા એક્ઝીક્યુટિવ્ઝને નવા શિક્ષક સાથીઓ તરફથી અવિશ્વાસ અને કટુતાનો તથા જે રીતે શાળાઓ ચલાવાય છે તે અંગે નિરાશાનો અનુભવ થાય છે. યુનિવર્સિટી ઓફ લેસ્ટરના એકેડેમિક્સે શિક્ષણક્ષેત્રમાં ૪,૦૦૦ પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીનો અભ્યાસ કર્યો હતો, જેમાંના નવ ટકા અન્ય કારકીર્દિમાં ઊંચા હોદ્દા પર હતા. બ્રિટિશ એજ્યુકેશનલ રિસર્ચ જર્નલમાં પ્રસિદ્ધ તારણો મુજબ નોકરીઓ છોડનારામાંથી ૭૭.૬ ટકા ક્વોલિફાઈડ શિક્ષક બનવાના કોર્સીસ પૂરાં કરે છે.

