• વિદેશમાં તાલીમ પામેલા ડોક્ટરો ઓછાં કુશળ

Tuesday 11th April 2017 11:57 EDT
 

બ્રિટનમાં તાલીમ મેળવેલા ડોક્ટર્સની સરખામણીએ વિદેશમાં તાલીમ પામેલા ડોક્ટરો વધુ અણઘડ અને ઓછાં કુશળ હોવાની શક્યતા યુનિવર્સિટી કોલેજ લંડનના અભ્યાસમાં દર્શાવાઈ છે. દક્ષિણ આફ્રિકા સિવાયના દેશોના તાલીમબદ્ધ ડોક્ટર્સ સામે સક્ષમતા તપાસ થવાની શક્યતાઓ રહેલી છે. નબળી તાલીમ, ભાષાકીય અવરોધો અને સાંસ્કૃતિક સમસ્યાઓથી પેશન્ટ્સ વિદેશી સ્ટાફ સામે પૂર્વગ્રહ ધરાવી શકે છે. બાંગલાદેશના ડોક્ટરોમાં અક્ષમતાની આવી શક્યતા સૌથી વધુ ૧૩ ગણી છે. જ્યારે ઈજિપ્ત અને નાઈજીરીયાના ડોક્ટરોમાં આઠ ગણી, ઈરાકમાં ૭, જર્મનીમાં ૬, ભારત ૫, પૂર્વી યુરોપ ૪, ગ્રીસ ૩, આયર્લેન્ડ અને વિશ્વના બાકીના દેશોના ડોક્ટરોમાં આ શક્યતા બે ગણી હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

• સોશિયલ નેટવર્ક પર વધુ સમય ગાળતાં બાળકો દુઃખી

ફેસબુક, સ્નેપચેટ અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર લાંબો સમય ગાળતાં બાળકો તેમના જીવનમાં લગભગ દરેક બાબતમાં દુઃખી હોવાનું યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું હતું. બાળક સોશિયલ નેટવર્ક પર એક કલાક જેટલો સમય ગાળે તો બાળકની સંપૂર્ણપણે ખુશ હોવાની શક્યતા ૧૪ ટકા ઘટી જાય છે. આ બાળકો સ્કૂલ વર્ક, તેમના દેખાવમાં, પરિવારમાં અને એકંદરે જીંદગીમાં દુઃખી હોય છે. જોકે, મિત્રતાથી તેમને આનંદની વધુ લાગણી થાય છે.

• અમેરિકાની કાર્યવાહી મુદ્દે લેબર પાર્ટીમાં મતભેદ

અમેરિકા દ્વારા સીરિયાના એરબેઝ પર થયેલા મિસાઈલ હુમલાની ટીકા કરીને તેને કસમયનો ગણાવતા લેોબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીનના યુદ્ધ વિરોધી વલણને લીધે તેમને પાર્ટીના સિનિયર સાંસદો સાથે મતભેદ ઉભા થયાં છે. તેમના નિવેદનથી ઉલટું પાર્ટીના નાયબ વડા ટોમ વોટસને જણાવ્યું હતું કે અમેરિકાએ કરેલા હુમલા સીરિયાએ કરેલા આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ સામે સીધી અને યોગ્ય કાર્યવાહી લાગે છે.

• ગાર્ડન બ્રીજ પ્રોજેક્ટ પડતો મૂકવા ભલામણ

હાઉસ ઓફ કોમન્સ પબ્લિક એકાઉન્ટ કમિટીના પૂર્વ વડા અને માર્ગારેટ હોજ MP એ લંડનના મેયર સાદિક ખાનને થેમ્સ નદી પર રાહદારી માટે નવા ગાર્ડન બ્રીજ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી ખર્ચાયેલા ૪૬ મિલિયન પાઉન્ડને માંડી વાળીને આ પ્રોજેક્ટ પડતો મૂકવાની ભલામણ કરી હતી. પોતાના સમીક્ષા અહેવાલમાં હોજે જણાવ્યું હતું કે આ બ્રીજના નિર્માણનો સંભવિત ખર્ચ વધીને ૨૦૦ મિલિયન પાઉન્ડ સુધી પહોંચી ગયો છે. ટ્રસ્ટે ૧૨૯ મિલિયન એકઠા કર્યા છે અને તે હવે વધુ નાણા એકત્ર કરી શકે તેમ લાગતું નથી.

• ૨૫ ટકા ખ્રિસ્તી ઈસુના પુનરુત્થાનમાં માનતા નથી

પોતાને ખ્રિસ્તી ગણાવતા ૨૫ ટકા બ્રિટિશ નાગરિકો ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં માનતા નથી. બીબીસી દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ મુજબ યુકેના નાસ્તિક લોકો પૈકી ૨૦ ટકા જેટલા એક અથવા બીજા પ્રકારે મૃત્યુ પછીના જીવનમાં માને છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચર્ચ જતા ન હોવા છતાં ઘણાં લોકો ખ્રિસ્તી માન્યતાઓમાં શ્રદ્ધા ધરાવે છે તેમ આ સર્વે પૂરવાર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter