સુપ્રીમ કોર્ટે વિદેશી જીવનસાથી અથવા પાર્ટનર્સને યુકેમાં તેમની સાથે રહેવા બોલાવવા ઈચ્છતા બ્રિટિસ નાગરિકો પરના નિયંત્રણોથી માનવ અધિકારોનો ભંગ થતો ન હોવાનું જણાવ્યું છે. નોન-યુરોપિયન ઈકોનોમિક એરિયાઝમાંથી જીવનસાથી અથવા પાર્ટનર્સને સાથે રહેવા બોલાવવા હોય તો અરજી કરતા અગાઉ સ્પોન્સરની લઘુતમ વાર્ષિક આવક ૧૮,૬૦૦ પાઉન્ડ હોવી જોઈએ.
• ઉંઘતાં બાળકોને જગાડવામાં સ્મોક એલાર્મ નિષ્ફળ
સૌથી અસરકારક અવાજ શોધવા માટે સંશોધકોએ હાથ ધરેલા એક અભ્યાસમાં જણાયું હતું કે ઈમરજન્સીના સમયે બાલકોને જગાડવામાં સ્મોક એલાર્મ નિષ્ફળ નીવડે છે. ડૂંડી યુનિવર્સિટી અને ડર્બીશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ દ્વારા વગાડવામાં આવેલા સ્ટાન્ડર્ડ- ઈસ્યુ એલાર્મ પર બેથી લઈને ૧૩ વર્ષના બાળકો પૈકી ૮૦ ટકાથી વધુ બાળકોએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
• જજે સજા સંભળાવી પણ કેદી જતો રહ્યો
મિડલ્સબરોમાં ટીસાઈડ મેજિસ્ટ્રેટ્સ કોર્ટની આશ્ચર્યકારક ઘટનામાં ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ જજ નિક હાઈલ્સ કેદીને સજા સંભળાવી રહ્યા હતા અને છ સપ્તાહની જેલની સજા જાહેર કરતી વખતે તેમણે કેદી સામે જોયું તો ૨૯ વર્ષીય કેદી સ્કોટ બ્રીઅર્લી ડોકમાં હાજર જ ન હતો. બ્રીઅર્લી સિક્યુરિટી સ્ટાફની સામે થઈને કોર્ટના મુખ્ય દરવાજામાંથી બહાર જતો હતો ત્યારે કોઈએ તેને અટકાવ્યો સુદ્ધાં ન હતો. અજાણ્યાના ઘરમાં તોડફોડના ગુના માટે સજા કરાયેલા કેદીની પોલીસ હવે તલાશ કરી રહી છે, જેથી તેને જેલભેગો કરી શકાય.
• ટોઈલેટ ટ્રબલ....
જાહેર શૌચાલયોને બપોરના સમયે બંધ કરી દઈને સ્થાનિક લોકોને તકલીફ પહોંચાડતી એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. શૌચાલય બપોરે ૩ વાગે બંધ હોવાની લોકોની ફરિયાદને પગલે વાલ્મર,કેન્ટના કાઉન્સિલ વડા આ ‘ફેન્ટમ લૂ લોકર’ને શોધી રહ્યા છે. આમ તો આ શૌચાલયો સવારે ૭થી સાંજના ૬ સુધી ખુલ્લા રહેવા જોઈએ
• વ્હર્લપુલ ટમ્બલ ડ્રાયર્સ ન વાપરવા કંપનીની સલાહ
વ્હર્લપુલ કંપનીએ અગાઉ આપેલી સલાહ પાછી ખેંચી લઈને ટમ્બલ ડ્રાયર્સના લગભગ ૩ મિલિયન માલિકોને આ મશીનો ઉપયોગમાં ન લેવા જણાવ્યું છે. હોટ પોઈન્ટ, ઈન્ડેસીટ અને ક્રેડા ટમ્બલ ડ્રાયર્સના નિર્માતાએ સુરક્ષા સંબંધિત કૌભાંડમાં એન્જિનિયર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ મશીનો ન વાપરવા અનુરોધ કર્યો છે.
• હોંશિયાર બાળકોમાં ગાંજાનો વધુ ક્રેઝ
હોંશિયાર અને જિજ્ઞાસુ બાળકોમાં ગાજાના સેવનનું પ્રમાણ કિશોરવયે બમણું થવાનું યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના નવ વર્ષના અભ્યાસમાં જણાયું છે. વધુમાં, ૧૧ની વયે શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓ તેમની કિશોરાવસ્થામાં શરાબસેવન તરફ વધુ વળ્યા હોવાનું જણાયું હતું.
• જાતીય હુમલાના અપરાધીની તલાશ
ટાવર હેમ્લેટ્સ પોલીસે કેનેરી વ્હાર્ફ સ્પામાં જાતીય હુમલા સંદર્ભે એક વ્યક્તિની સીસીટીવી ઈમેજ જારી કરી છે. જાતીય હુમલાની આ ઘટના ૧૬ ડિસેમ્બરની બપોરે ઘટી હતી. આ વ્યક્તિએ ઘટનાસ્થળે આવી મસાજની વિનંતી કરી હતી. મહિલા પર જાતીય હુમલા અગાઉ તે નગ્ન થઈ ગયો હતો અને પછીથી નાસી છૂટ્યો હતો. એશિયન દેખાવ અને ઘેરા રંગના વાળ સાથેની આ પાતળી વ્યક્તિની ઊંચાઈ છ ફૂટ છે. તેણે વ્હાઈટ શર્ટ, ડાર્ક સ્યૂટ ટ્રાઉઝર્સ, હળવા રંગનું જેકેટ અને ટ્રેઈનર્સ પહેર્યાં હતા.

