• વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક ટેમ્પુન્સનું અભિયાન

- Monday 03rd April 2017 10:35 EDT
 

સૌથી ગરીબ વર્ગની છોકરીઓને નિઃશુલ્ક ટેમ્પુન્સ વહેંચવાનું અભિયાન યુકેમાં પણ ચાલુ થઈ શકે છે. Freedom4Girls ચેરિટી દ્વારા તાજેતરમાં કેન્યામાં મફત સેનેટરી પ્રોડક્ટ્સનું વિતરણ કરાયું હતું. હવે તેના દ્વારા યોર્કશાયરમાં પણ આવી કામગીરીનો નિર્ણય લેવાયો છે. યુકેમાં ગરીબ છોકરીઓને ટેમ્પુન પોસાતું નહિ હોવાથી માસિક સ્રાવના દિવસો દરમિયાન શાળામાં હાજરી આપવાનું ટાળતી હોવાનું કહેવાય છે. તમામ શાળાઓ દ્વારા નિઃશુલ્ક ટેમ્પુન્સ વહેંચવાની હિમાયત કરતી કેમ્પેઈનને ૧૫,૦૦૦થી વધુ લોકોએ સહી સાથે સમર્થન આપ્યું છે.

• ટાટા સ્ટીલ પેન્શન યોજના સાથે છેડો ફાડશે

ટાટા સ્ટીલ યુકેના પેન્શન ટ્રસ્ટીઓ કંપનીને તેની ૧૫ બિલિયન પાઉન્ડની પેન્શન યોજના સાથે છેડો ફાડવા રેગ્યુલેટર્સ સાથે સોદો પૂર્ણ કરવાની નજીક છે. આ યોજનામાં ભંડોળની ભારે તંગી છે. વેલ્સના પોર્ટ ટાલ્બોટમાં બ્રિટનના સૌથી મોટા સ્ટીલ વર્ક્સના માલિક ટાટા સ્ટીલ યુકે મલ્ટિ બિલિયન પાઉન્ડની જવાબદારીથી બિઝનેસને બચાવવા બ્રિટિશ સ્ટીલ પેન્શન સ્કીમ સાથે એક વર્ષથી વાટાઘાટો કરી રહેલ છે. ઓછાં લાભ સાથેની નવી પેન્શન યોજના શરૂ કરવી અથવા સરકારના પેન્શન પ્રોટેક્શન ફંડમાં આ યોજના રાખવા સહિતના વિકલ્પો વિચારાધીન છે.

• ટ્રાન્સજેન્ડર બળાત્કારીને મહિલા જેલમાં સ્થાન

બળાત્કાર માટે સજા કરાયેલી ૫૦ વર્ષીય ટ્રાન્સજેન્ડર અપરાધી જેસ્સિકા વિનફિલ્ડને NHSમાં સેક્સ ચેન્જના ઓપરેશન પછી મહિલા જેલમાં ખસેડવામાં આવી છે. ૧૨ વર્ષ અગાઉ બળાત્કારના ગુના માટે આજીવન સજા કરાઈ હતી ત્યારે જેસ્સિકાની ઓળખ માર્ટિન પોન્ટિંગની હતી. તેને વ્હાઈટમૂર, કેમ્બ્રિજશાયરની મહત્તમ સુરક્ષિત જેલમાંથી એશ્ફોર્ડની બ્રોન્ઝફિલ્ડ મહિલા જેલમાં ખસેડવામાં આવી છે.

• બાળકોનાં દૂધિયા દાંતને ખાંડથી નુકસાન

બાળકોનાં દૂધિયા દાંત સમયાંતરે કુદરતી રીતે પડી જાય તેના બદલે ખેંચી કાઢવા પડે તેવી સ્થિતિ વધી રહી છે. એક સંશોધન અનુસાર બાળકોના આહાર અને પીણાંમાં ખાંડનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેમના દાંતમાં સડો વધી જાય છે અને દાંત ખેંચી નાખવા પડે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ચાર વર્ષ અને તેથી નીચેનાં ૯,૨૦૬ બાળકોનાં દૂધિયા દાંત ખેંચી નાખવા પડ્યા હતા, જે ૨૦૦૬-૦૭ની સરખામણીએ ૨૪ ટકાનો વધારો સૂચવે છે.

• ઘર ખરીદવા ‘માતાપિતા બેન્ક’ની સહાય

પ્રથમ વખત ઘર ખરીદનારા યુવા વર્ગને ‘માતાપિતા બેન્ક’ની સહાય, લોન અથવા ભેટ લેવી પડે છે. પ્રથમ વખત ઘર ખરીદનારા વર્ગમાં ત્રીજા હિસ્સાથી વધુ એથવા તો ૩૪ ટકા લોકો નાણાકીય મદદ માટે તેમના પરિવાર તરફ વળી રહ્યા છે. સાત વર્ષ અગાઉ, પાંચમાંથી એક એટલે કે ૨૦ ટકાએ જ પ્રોપર્ટીની સીડી ચડવા માટે ‘બેન્ક ઓફ મમ એન્ડ ડેડ’નો સહારો લેવો પડતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter