થિન્ક ટેન્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝના અભ્યાસ અનુસાર ઈમિગ્રેશનમાં વધારો અને ઊંચા જન્મદરના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ વધવાથી તેમના બજેટ્સ પર સીધી અસર પડે છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં સાત ટકાના સંભવિત વધારાના લીધે શાળાના ખર્ચા પર ભારે દબાણ સર્જાઈ શકે છે તેમ અભ્યાસના લેખક અને પ્રોગ્રામ ડિરેક્ટર લ્યુક સિબિએટાએ ચેતવણી આપી છે.
• ત્રાસવાદી હુમલાઓ પાછળ અલ- મુહાજિરોન ગ્રૂપ જવાબદાર
બ્રિટનમાં ગત ૨૦ વર્ષમાં મોટા ત્રાસવાદી હુમલા અને કાવતરા પાછળ કટ્ટરવાદી જૂથ અલ-મુહાજિરોન જવાબદાર હોવાનું નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. યુવાન મુસ્લિમોને લક્ષ્યાંક બનાવતું આ જૂથ જેહાદીઓને ઝનૂની બનાવવામાં એટલું સફળ થયું છે કે બ્રિટિશરો દ્વારા જ ઘરઆંગણે અને વિદેશમાં આચરાયેલા કે ઘડાયેલા અડધા જેટલા અત્યાચારોમાં તેની સીધી અસર જોવા મળી છે. આ જૂથ પર પ્રતિબંધ લગાવાયો છે, પરંતુ નામ બદલીને તે કાયદાની ચુંગાલમાંથી બહાર રહે છે.
• ઈયુ છોડવાથી બ્રિટિશ અર્થતંત્રને વાર્ષિક £૫૬ બિલિયનનું નુકસાન
યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાથી બ્રિટિશ અર્થતંત્રને વાર્ષિક ૫૬ બિલિયનનું નુકસાન જશે તેવી ચેતવણી ઓપન યુરોપ થિન્ક ટેન્કે આપી છે. આ નુકસાન સરભર કરવા બ્રિટને બાકીના વિશ્વ સાથે વેપાર તેમ જ માઈગ્રન્ટ્સ વધારવા પડશે. બ્રિટન ઈયુ છોડે તે માટે ચળવળ ચલાવતી નાઈજેલ ફરાજની યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટી અને ગણા જમણેરી ટોરી સાંસદો માટે આ રિપોર્ટ પડકારરૂપ બની રહેશે.
• બ્રિટિશ સૈનિકની હત્યાના કાવતરા માટે સજા
બ્રિટિશ ફ્યુઝિલિયર લી રિગ્બીના હત્યારાની પ્રશંસા કરનારા ૧૯ વર્ષીય ઈસ્લામિક ધર્મઝનૂની બ્રુસ્થોમ ઝિયામાનીને ઓલ્ડ બેઈલી કોર્ટે ત્રાસવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ ૨૨ વર્ષની જેલની સજા ફરમાવી છે. તેને ૧૪ વર્ષ અને આઠ મહિના સુધી પેરોલ મળી શકશે નહિ. અન્ય બ્રિટિશ સૈનિકની હત્યા માટે તત્પર ઝિયામાનીને કાળા ધ્વજ, ૧૨ ઈંચના ચાકુ અને હથોડી સાથે ઈસ્ટ લંડનમાં પકડી લેવાયો હતો. ઝિયામાની કટ્ટર ઉપદેશક અંજેમ ચૌધરીનો અનુયાયી છે.