દુનિયાની બે સૌથી મોટી કંપની એપલ અને નાઈકે ટેક્સનું તેમનું વૈશ્વિક બિલ કાયદેસર ઘટાડવા માટે વિદેશી કંપનીઓનો ઉપયોગ કર્યો હોવાનું લીક થયેલા પેપર્સથી જાણવા મળ્યું હતું. એપલે તેની મોટાભાગની પેટા કંપનીઓને ચેનલ આઈલેન્ડ ઓફ જર્સી ખાતે ખસેડી દીધી હતી. ટેક્સ પ્લાનિંગને લીધે કંપનીએ સરેરાશ ૩.૭ ટકાનો ફોરેન કોર્પોરેટ ટેક્સ ચૂકવીને વિદેશમાં ૨૫૨ બિલિયન ડોલરનું ભંડોળ ઉભું કર્યું હતું.
• જહોન્સનની ભૂલને લીધે મહિલાને વધુ પાંચ વર્ષની જેલની શક્યતા
છેલ્લાં ૧૮ મહિનાથી ઈરાનની જેલમાં કેદ રહેલી બ્રિટિશ મહિલા નાઝનીન ઝગારી રેટક્લીફને ફોરેન સેક્રેટરી બોરિસ જહોન્સનની ભૂલને લીધે વધુ પાંચ વર્ષની સજા થવાની શક્યતા છે. જહોનસને તાજેતરમાં સંસદીય સમિતિને જણાવ્યું હતું કે તેહરાનમાં ૨૦૧૬માં નાઝનીનની ધરપકડ થઈ ત્યારે તે પત્રકારોને તાલીમ આપતી હતી. તે પછી કોઈ મુદત ન હોવા છતાં તેને કોર્ટમાં સુનાવણી માટે બોલાવાઈ હતી અને તે શાસન સામે દુષ્પ્રચારમાં સામેલ હોવાના પૂરાવા તરીકે જહોન્સનનું નિવેદન દર્શાવાયું હતું.
• બ્રિટન ૨૦૨૯ સુધીમાં ધૂમ્રપાન મુક્ત બનશે
બ્રિટન આગામી ૨૦૨૯ સુધીમાં ધૂમ્રપાન મુક્ત બનશે. આ વર્ષે ૧૦૦,૦૦૦ નવી વેપર સાથે ઈ-સિગારેટ્સની લોકપ્રિયતા વધવાને લીધે ધૂમ્રપાનમાં ઘટાડો નોંધાયો હતો. હવે યુકેના દર સાત પુખ્તમાંથી માત્ર એક જ ધૂમ્રપાન કરે છે અને આગામી દાયકામાં ધૂમ્રપાન કરનારાની સંખ્યામાં ધરખમ ઘટાડો થવાનું નિષ્ણાતો માને છે.
• ડેન્ટિસ્ટ્સ સામેના કાનૂની દાવામાં વધારો નોંધાયો
વકીલોએ તેમના વ્યવસાયમાં 'નો વીન નો ફી' પોલીસી અપનાવતા ડેન્ટિસ્ટો સામેના દાવાની સંખ્યા એક દાયકા અગાઉ હતી તેનાથી બમણી થવાની શક્યતા છે. ડેન્ટલ પ્રોટેક્શન દ્વારા ૧,૫૦૦ સભ્યોના કરાયેલા સર્વેમાં જણાયું હતું કે દસમાંથી નવ ડેન્ટિસ્ટને તેમની સામે દાવો થવાનો ભય હતો.
• બ્રેક્ઝિટને લીધે બ્રિટનના અર્થતંત્રની તેજી રૂંધાઈ
બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ દાવો કર્યો હતો કે બ્રેક્ઝિટ ન હોત તો બ્રિટનના અર્થતંત્રમાં જોરદાર તેજી હોત. તેમણે જણાવ્યું હતું કે મૂડીરોકાણ કરતા પહેલા બિઝનેસ કંપનીઓ ઈયુ સાથેની થેરેસા મેની વાટાઘાટોના પરિણામની પ્રતિક્ષા કરી રહ્યા છે. તેને લીધે આર્થિક વિકાસ ધીમો પડી ગયો છે.

