હેલ્થ વોચડોગ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (NICE)ના જણાવ્યા અનુસાર વૃદ્ધો-પેન્શનરોએ એકલતા અને સ્મૃતિભ્રંશ કે ડિમેન્શીઆથી બચવા વૃંદગાનનો સહારો લેવો જોઈએ. આ ઉપરાંત, બાળકોને વાંચી સંભળાવવું તેમજ મોબાઈલ ફોન્સ અને સ્માર્ટ ટેકનોલોજી સાથે માથાઝીંકમાં મદદ લેવાથી પણ સમૃતિભ્રંશને દૂર રાખી શકાય છે. વૃંદગાનમાં ગાવાથી એન્ડોર્ફિન હોર્મોનનું સ્તર વધી શકે તેમ સંશોધનો જણાવે છે. વૃદ્ધોને આનંદિત અને તંદુરસ્ત રાખવા માટે તેમને પ્રવૃત્તિશીલ રાખવા જોઈએ. ગાયન થકી તણાવ, ચિંતા ઘટે છે અને કસરતમાં થાય છે તેમ એન્ડોર્ફિન હોર્મોનનું સ્તર વધતું હોવાનું પુરવાર થયેલું છે.
• બ્રિટન Isilના ભંડોળ પર કાબુ મેળવશે
ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન અને ફોરેન સેક્રેટરી ફિલ હેમન્ડે જણાવ્યું છે કે બ્રિટન Isilના નાણાકીય નેટવર્કને તોડી પાડવામાં યુએસ અને ફ્રાન્સને મદદ કરશે. ત્રાસવાદી સંગઠનને મળતા ગેરકાયદે નાણાકીય ભંડોળના સ્રોતોને કાપવા આંતરરાષ્ટ્રીય ગઠબંધનને બ્રિટન સહકાર આપશે. દાએશ તરીકે પણ ઓળખાતું Isil સીરિયામાં તેના કબજા હેઠળના પ્રદેશોમાંથી ઓઈલના વેચાણથી દૈનિક આશરે ૧.૫ મિલિયન ડોલરની કમાણી કરે છે.
• બ્લટ ટેસ્ટ ઓવેરિયન કેન્સરથી મોતનું પ્રમાણ ઘટાડી શકે
વાર્ષિક ૨૦ પાઉન્ડના બ્લડ ટેસ્ટથી ઓવેરિયન કેન્સરથી થતાં મૃત્યુમાં ૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. દર વર્ષે આશરે ૭,૦૦૦ બ્રિટિશ મહિલાને ઓવેરિયન કેન્સર થાય છે અને આશરે ૪,૦૦૦ મહિલા તેનાથી મોત પામે છે. આ કેન્સરના લક્ષણો પારખવા મુશ્કેલ હોવાથી તે ‘સાયલન્ટ કિલર’ તરીકે ઓળખાય છે. નિષ્ણાતોએ ટ્રાયલના તારણો આવકારતા જણાવ્યું હતું કે કેન્સરના દરેક કેસ ઓળખાવાની સામે બે મહિલા પર બિનજરૂરી સર્જરી કરાય છે. વિજ્ઞાનીઓએ ૨૦૦,૦૦૦ બ્રિટિશ મહિલાઓ પર ટ્રાયલ કરી હતી.
• નર્સિંગ એસોસિયેટ્સનો નવો વર્ગ
પેશન્ટ્સની સફાઈ-વોશિંગ અને ભોજનની કામગીરી માટે સરકાર નર્સિંગ એસોસિયેટ્સનો નવો વર્ગ ઉભો કરશે. આના પરિણામે, ડીગ્રી વિનાના હેલ્થકેર સહાયકો નર્સ બની શકશે. નર્સ બનવા ગ્રેજ્યુએટ્સ હોવું જરૂરી હોવાથી સારા ઉમેદવાર બાકાત થઈ જાય છે. નર્સિંગ એસોસિયેટ્સ પાયાની સંભાળનું કામ કરશે અને રજિસ્ટર્ડ નર્સીસ દવાના સંચાલન સહિતના મુશ્કેલ કાર્યો પર ધ્યાન આપી શકશે. હેલ્થ મિનિસ્ટર હેન ગુમેરે આ વ્યવસ્થાથી નર્સોની અછત ઉકેલાવાની અને આગામી વર્ષથી ૧,૦૦૦ નર્સિંગ એસોસિયેટ્સ ટ્રેનિંગ લેવાનું શરૂ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
• મુસ્લિમ કાઉન્સિલની મુસ્લિમ બ્રધરહૂડ સાથે સાંઠગાંઠ
બ્રિટનના સૌથી મોટા ઈસ્લામિક સંગઠન મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન અને તેના સૌથી મોટા સ્ટુડન્ટ ગ્રૂપની ગુપ્ત કડીઓ કટ્ટરવાદી નેટવર્ક ધરાવતા મુસ્લિમ બ્રધરહૂડ સાથે હોવાનું સરકારી રિપોર્ટમાં જણાવાયું છે. બ્રધરહૂડ દ્વારા ઘણી વખત હિંસા અને ત્રાસવાદની ઉશ્કેરણી કરાઈ છે. મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના છત્ર હેઠળ ૫૦૦થી વધુ ઈસ્લામિક સંસ્થાઓ કામ કરે છે. જોકે, રિપોર્ટ અનુસાર બ્રધરહૂડના સમર્થકોએ કાઉન્સિલની સ્થાપના અને તેના સંચાલનમાં મોટી ભૂમિકા ભજવી છે. જોકે, બ્રધરહૂડ અને યુકેમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ વચ્ચે કોઈ લિન્ક ન હોવાનું રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે.
• યુકેમાં ૨૦૧૬ સૌથી ગરમ વર્ષ બની રહેશે
હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે ૨૦૧૬નું વર્ષ યુકેમાં સૌથી ગરમ બની રહેશે અને સતત ત્રીજા વર્ષે વૈશ્વિક તાપમાનના વિક્રમો તોડશે. ડિસેમ્બર મહિનો બ્રિટનમાં ૭૦ વર્ષોમાં સૌથી હુંફાળો બની રહેવાનો છે ત્યારે ક્રિસમસનો દિવસ સૌથી વધુ ગરમ બની રહેવાની શક્યતા છે. ૧૯૨૦ના વર્ષમાં ડેવોન ખાતે ૨૫ ડિસેમ્બરે વિક્રમી ૧૫.૬ સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના વડાએ કહ્યું હતું કે ૨૦૧૬ના અંત સુધીમાં વૈશ્વિક ટેમ્પરેચર માટે સતત ત્રણ વિક્રમી વર્ષ જોવા મળશે.

