વૃદ્ધ લોકોની સંભાળ માટે કાઉન્સિલો દ્વારા પૂરતા નાણાં ચૂકવવામાં ન આવતા હોવાનું જણાવીને કેર પ્રોવાઈડર કંપનીઓ દ્વારા લગભગ અડધા દેશમાં હોમ કેર કોન્ટ્રાક્ટ્સ રદ કરાઈ રહ્યા છે. લોકલ ઓથોરિટીઝ ડઝનબંધ કેર પ્રોવાઈડરની હાલત કથળી ગઈ છે અને ૨૫ ટકા જેટલા પ્રોવાઈડર નાદારી નોંધાવે તેવો ભય છે. આમ તો બજેટમાં એલ્ડરલી કેર સિસ્ટમમાં ત્રણ વર્ષમાં £૨ બિલિયન ફાળવવાનું વચન અપાયું હતું. કાઉન્સિલોએ રકમમાં કાપ મૂકતાં હજારો વૃદ્ધ લોકો વોશિંગ અને ડ્રેસિંગ જેવા રોજિંદા કામો કોઈ મદદ વિના જાતે જ કરવા મજબૂર બન્યા છે. કંપનીઓ બંધ થઈ જશે તો પરિસ્થિતિ ખૂબ વણસી જવાની દહેશત છે.
• નશામાં ધૂત વ્યક્તિને ઘરે પહોંચાડવા સેલ્ફીની મદદ
નશામાં ધૂત અને વુડવિલે રોડ પર રહેતા કેમરનની સેલ્ફી લઈને તેના ગ્રૂપમાં મોકલ્યા પછી પોલીસ તેને હેમખેમ ઘેર પહોંચાડવામાં સફળ થઈ હતી. તેને એક નાઈટક્લબમાં પ્રવેશ અપાયો ન હતો અને તે બહાર લથડિયા ખાતો ઉભો રહ્યો હતો. તે તેના ઘરનો રસ્તો ભૂલી ગયો હોવાનું લાગતા તે ક્યાં રહેતો હતો તેનું સરનામું જાણવા માટે પોલીસે તેના ગ્રૂપમાં તેના ફોટા સાથે મેસેજ મોકલ્યો હતો. ગ્રૂપના લોરેન્સ કોર્ટે ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું કે પોલીસે અદભૂત રીતે તે રાત્રે તેમના ગ્રૂપમાં દખલ કરી હતી. તેની આ ટ્વીટને ૬૦ હજાર લાઈક સાથે ૧૮ હજાર વખત રીટ્વીટ કરાઈ હતી.
• વાતાવરણથી નાકનો આકાર જણાશે
વ્યક્તિ જે વાતાવરણમાં જન્મી હોય તેના પરથી તેના નાકનો આકાર અને કદ નક્કી કરી શકાશે. તમે ગરમ વિસ્તારમાં જન્મ્યા હશો તો તમારું નાક ગોળ હશે અને ઠંડા પ્રદેશમાં જન્મ્યા હશો તો ચાંચ જેવું હશે, તેમ એક સંશોધનમાં જણાયું છે. માણસના નાકના આકારમાં તફાવત અનુવંશીય ફેરફારોને કારણે હોવાનું મનાતું હતું પરંતુ, હવે તેમાં વાતાવરણનો મુદ્દો પણ ઉમેરાયો છે. આફ્રિકન, એશિયન અને યુરોપિયન વંશના લોકોના નાકનો તફાવત એક જ મુદ્દે સમજાવવો અઘરો છે.
• મોટી વયે પરણતી મહિલાની ટકાવારી વધી
નિવૃત્તિનું લાંબુ જીવન એકલા ગાળવાનું ટાળી શકાય તે માટે વધુ મહિલા મોટી વયે ફરીથી લગ્ન કરે છે. આયુષ્યમાં વૃદ્ધિનો અર્થ એવો થાય કે મહિલાઓ ૩૦ વર્ષ સુધી વિધવા રહેવાનું સ્વીકારતી નથી અને નવો પાર્ટનર શોધે છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટિક્સ મુજબ ૨૦૦૯થી ૨૦૧૪ વચ્ચે ૬૫થી વધુની વયે લગ્ન કરતી મહિલાની ટકાવારીમાં ૫૬ ટકા અને પુરુષોમાં ૪૧ ટકાનો વધારો નોંધાયો હતો. એકંદરે લગ્નના દરમાં ૨૦૧૩ અને ૨૦૧૪ વચ્ચે ૨.૭ ટકાનો વધારો નોંધાયો હતો, જે મોટી વયના યુગલોને લીધે હતો. અગાઉ ૨૦૧૦માં ૬૫ વર્ષની મહિલા વધુ ૨૦.૮ વર્ષ જીવે તેવો અંદાજ હતો તે હવે વધીને ૨૧.૫ વર્ષ થયો છે.

