બ્રેડફર્ડથી લાપતા થઈ ઈસ્લામિક સ્ટેટના કબજા હેઠળના સીરિયામાં પહોંચેલા ૧૨ વ્યક્તિના મન્નાન પરિવાર વિશે નવો ફણગો ફૂટ્યો છે. ૭૫ વર્ષના મુહમ્મદ અબ્દુલ મન્નાન સહિત વૃદ્ધ સભ્યોને છેતરીને ઈચ્છા વિરુદ્ધ Isisમાં જોડાવા સમજાવી દેવાયા હતા. મન્નાનને ઈસ્તંબુલની હોટેલમાં પરિવારના અન્ય સભ્યોથી અલગ પાડી એક વાનમાં પૂરી દીધા પછી સરહદની પાર લઈ જવાયા હોવાનો દાવો તેમના પુત્ર સલીમ હુસૈને કર્યો હતો.
• વિદ્યાર્થીઓના નાણાથી યુરોપમાં ઈસ્લામિક પ્રોજેક્ટ્સ
સમગ્ર યુરોપમાં ઈસ્લામિક પ્રોજેક્ટ્સને ભંડોળ પુરું પાડવા યુનિવર્સિટી વિદ્યાર્થીઓના રેન્ટ પેમેન્ટ્સ મુસ્લિમ બ્રધરહૂડ સાથે ગાઢ સંબંધો ધરાવતી ચેરિટી મારફત મોકલવામાં આવે છે. ગલ્ફના દાતાઓના પીઠબળ સાથેના યુરોપ ટ્રસ્ટ દ્વારા લીડ્ઝમાં સ્ટુડન્ટ્સ ફ્લેટ્સ સહિત પ્રોપર્ટી પોર્ટફોલિયોઝમાં લાખો પાઉન્ડનું રોકાણ કરવામાં આવ્યું છે. આશરે ૪૭ ફ્લેટ્સના વિદ્યાર્થી ભાડૂતોને જાણ હોતી નથી કે તેમણે ચુકવેલા ભાડાંનો ઉપયોગ ઈસ્લામના પ્રસાર માટે થાય છે.
• સ્પીકર બેર્કોએ પત્ની સેલી સાથે સમાધાન કર્યુ
હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોએ તેમના પત્ની સેલી સાથે સમાધાન કરી લીધું છે. બેર્કોના પિતરાઈ ભાઈ સાથે સેલીના એફેરની વાત બહાર આવ્યા પછી પતિ-પત્ની વચ્ચે ડાઈવોર્સ લેવાની સ્થિતિ આવી ગઈ હતી. ત્રણ બાળકોની ખાતર બેર્કોએ સમાધાન સ્વીકારી લીધું છે. તેઓ બાળકો અને પત્ની સાથે વીકએન્ડનો સમય વીતાવે છે. બેર્કો સોમવારથી ગુરુવાર સુધી પોતાના સત્તાવાર રહેઠાણે રહે છે.
• જાતિય ગુનાઓ બદલ યહુદી ધાર્મિક વિદ્વાનને ૧૩ વર્ષની જેલ
બાળ યૌનશોષણના મુદ્દે ભીંસ વધી ગયા પછી ઈઝરાયેલ નાસી ગયેલા યહુદી ધાર્મિક વિદ્વાન ટોડ્રોસ ગ્રીનહૌસને જાતિય ગુનાઓ બદલ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૩ વર્ષની સજા ફરમાવી છે. તેમણે અનેક છોકરીઓનું યૌનશોષણ કર્યું હતું. ગ્રીનહૌસ ફેબ્રુઆરી ૨૦૧૩માં ઈઝરાયેલ નાસી ગયા હતા, પરંતુ ત્યાંની કોર્ટે તેમને યુકે દેશનિકાલ કરવાનો ચુકાદો આપ્યો હતો. આના પરિણામે, સપ્ટેમ્બર ૨૦૧૪માં તેમને યુકે લવાયા હતા.
• ઈસ્લામિક સ્ટેટના સભ્ય અને ત્રાસવાદને પ્રોત્સાહનના આરોપ
ઈસ્લામિક સ્ટેટના સભ્યપદ અને સોશિયલ મીડિયા મારફત ત્રાસવાદને પ્રોત્સાહનના આરોપસર તારીના શકીલની ધરપકડ કરાઈ છે અને તે ૨૦ જુલાઈએ ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ હાજર થશે. સ્ટેફર્ડશાયરના બર્ટન અપોન ટ્રેન્ટની ૨૬ વર્ષીય તારિનાએ ફેબ્રુઆરીમાં હીથ્રો એરપોર્ટથી ધરપકડ પછી આરોપોનો ઈનકાર કર્યો હતો અને તેને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટની કસ્ટડીમાં રખાઈ હતી. તેણે સપ્ટેમ્બર -ઓક્ટોબર ૨૦૧૪માં લોકોને ત્રાસવાદના કૃત્યો આચરવા, તૈયારી કરવાની ઉશ્કેરણીના સંખ્યાબંધ ટ્વીટ્સ કર્યા હોવાના આક્ષેપો છે.