ઈમેઈલ કૌભાંડકારોએ યુકેમાં દસ લાખથી વધુ વૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા એક અભ્યાસ ‘રીઅલ રિટાયરમેન્ટ’માં દર્શાવાઈ છે. ઈન્ટરનેટ સુવિધા ધરાવતા અને ૪૫થી વધુ વયના લગભગ ૭૫ ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ઈમેઈલ કૌભાંડનું નિશાન બનાવાયા હતા. આમાંથી છ ટકાએ કહ્યું હતું કે તેઓ આ કૌભાંડનો શિકાર બની ગયાં હતા. બીજી તરફ, આ કૌભાંડનો શિકાર બન્યાં હોય તેવા ૭૫થી વધુ વયના લોકોની સંખ્યા આઠ ટકા હતી.
• વિદ્યાર્થીઓને જોબ માર્કેટમાં પૂર્વગ્રહ જણાયો
બ્રિટિશ યુનિવર્સિટીના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ માને છે કે નોકરી મેળવવા માટે અંગત અને પારિવારિક નેટવર્ક્સ જ કામ આપે છે. રીક્રૂટમેન્ટ સિસ્ટમ તેમના માટે પૂર્વગ્રહિત છે અને તેમને મેરિટના આધારે નોકરીની તક અપાતી નથી. સંશોધકોએ ૧૦૫ યુનિવર્સિટીના ૧,૩૭૯ વિદ્યાર્થીનો સર્વે કર્યો હતો, જેમાંથી ૬૬ ટકાએ ગ્રેજ્યુએટ પ્રોસેસ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે ૩૮ ટકાને એમ્પ્લોયર્સની પસંદગી પ્રક્રિયા ઉમેદવારની યોગ્યતાના ન્યાયી મૂલ્યાંકન માટે યોગ્ય જણાઈ હતી. હતાશા દર્શાવનારામાંથી ૬૦ ટકાએ સ્પષ્ટ કહ્યું હતું કે,‘તમે શું જાણો છો તે નહિ પરંતુ કોને જાણો છો તે જ મહત્ત્વ ધરાવે છે.’
• ઓનલાઈન ડાઈવોર્સથી સમય અને નાણાનો બચાવ
આ વર્ષમાં દંપતીઓ લગ્નનો અંત લાવવા ઓનલાઈન ડાઈવોર્સનો લાભ મેળવી શકશે. હજારો લોકો માટે સમય, પેપરવર્કના બગાડ અને તણાવથી મુક્તિ આપનારા પગલામાં યુકેના મિનિસ્ટર્સ એવા પાઈલોટ પ્રોજેક્ટને આખરી સ્વરૂપ આપી રહ્યા છે, જેનાથી સૌપ્રથમ વખત ડાઈવોર્સની કાર્યવાહીને ડિજિટલ સ્વરૂપ અપાશે. વર્ષ ૨૦૧૫માં ૧૧૦,૦૦૦થી વધુ ડાઈવોર્સની કાર્યવાહી શરૂ કરાઈ છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જૂન મહિનાથી આ સિસ્ટમ ચાલુ કરાય તે અગાઉ તેનું બરાબર પરીક્ષણ કરવામાં આવશે.
• વધુ શરાબપાન હૃદય માટે જોખમી
વધારે પ્રમાણમાં શરાબના સેવનથી હૃદય બંધ પડી જવાનું જોખમ બમણાથી વધુ રહે છે તેમ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કોના અભ્યાસના તારણો જણાવે છે. યુકેની NHSના મતે જે પુરુષો સપ્તાહમાં ૫૦ યુનિટ (૨૨ પિન્ટ)થી વધુ શરાબ પીએ છે અને જે સ્ત્રીઓ સપ્તાહમાં ૩૫ યુનિટ (સાડા ત્રણ બોટલ વાઈન)થી વધુ શરાબ પીએ તે નુકસાનકારક છે

