• શરાબપાન છતાં ડ્રાઈવર જેલ જતા બચ્યો

Wednesday 26th April 2017 06:51 EDT
 

શરાબ પીને અવારનવાર જોખમી ડ્રાઈવિંગ કરી પોલીસને હંફાવનારા તથા માન્ચેસ્ટરમાં માર્કેટિંગ કંપની ચલાવતા માઈકલ શેંકલેન્ડને મીન્શલ ક્રાઉન કોર્ટના જજ ટીના લેન્ડલે તેના પર ઘણાં લોકો નભતાં હોવાનું કહીને ૧૨ મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા ફરમાવી હતી. તેને ૩૬ મહિના સુધી ડ્રાઈવિંગ કરવાની મનાઈ ફરમાવવાની સાથે ૩૦૦ કલાક વિના વેતને કાર્ય કરવા આદેશ અપાયો હતો. શેંકલેન્ડે દાવો કર્યો હતો કે તેના પર છ લોકોનો પરિવાર નભે છે અને તે જેલમાં જશે તો તેઓ રઝળી પડશે. બે બાળકોના ૨૯ વર્ષીય પિતા શેંકલેન્ડે અગાઉ આ જ ગુનામાં લાઈસન્સ પાછું મળ્યું તેના થોડા મહિનામાં જ પોલીસ પેટ્રોલથી બચવા માટે ૩૦mph ઝોનમાં ૭૦ mphની ઝડપે કાર ભગાવી હતી.

• NHS બ્લડ ડોનેશન વાનને પણ પાર્કિંગ ટિકિટ !

યોર્કમાં એક હેલ્થ સેન્ટરની બહાર સિંગલ યલો લાઈન પર પાર્ક કરાયેલી NHSની બ્લડ ડોનેશન વાનને ખોટા પાર્કિંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક વોર્ડને ૭૦ પાઉન્ડની ટિકિટ મીનીબસના વિન્ડસ્ક્રીનની નીચે લગાવી દીધી હતી. બ્લડ આપીને બહાર આવેલા બ્લડ ડોનરો પણ NHSની વાન પર પાર્કિંગ ટિકિટ જોઈને ચોંકી ઉઠ્યા હતા.

• આતંકવાદના ગુનાની શંકાના આધારે મહિલાની ધરપકડ

આતંકવાદી પ્રવૃત્તિ માટે સીરિયા જવાની સુવિધા પૂરી પાડવા અંગે બેલ્જિયન ફેડરલ પોલીસ સાથેની તપાસના ભાગરૂપે આતંકવાદી પ્રવૃત્તિની શંકાના આધારે પોલીસે નોર્થ લંડનથી ૨૩ વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. મેટ્રોપોલિટન પોલીસે નોર્થ લંડનમાં એક સ્થળે છાપો માર્યા પછી તેની ધરપકડ કરાઈ હતી. પોલીસે ઈસ્ટ લંડનમાં બે મકાનોની અને નોર્થ લંડનમાં એક મકાનની તપાસ કરી હતી.

• ઉભરો લાવતા પીણાંથી સ્ટ્રોકનું જોખમ વધે

સુગરવાળા પીણાંથી મગજ સંકોચાઈ શકે. પરંતુ, કૃત્રિમ ગળ્યાં પીણાંથી સ્ટ્રોક અને અલ્ઝાઈમરનું જોખમ વધતું હોવાનું આ પીણાંની અસરોના અભ્યાસમાં જણાયું હતું. અંદાજે ૪,૫૦૦ લોકોનો દસ વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી વૈજ્ઞાનિકોને જણાયું હતું કે દિવસમાં એક અથવા તેથી વધુ ડાયટ ડ્રિંક લેવાથી સ્ટ્રોકનું જોખમ ત્રણગણું વધી જાય છે. તેવી જ રીતે સુગરવાળું પીણું પીનારા લોકોની યાદશક્તિ નબળી થવાની અને મગજ સંકોચાઈ જવાની શક્યતા વધી હતી.

• આતંકવાદના ૨૮ કેદીને અલગ રખાશે

પ્રિઝન મિનિસ્ટર સામ જીમાહે જણાવ્યું હતું કે જેલમાં રહેલા ૨૮ જેટલાં ખૂંખાર આતંકવાદી અન્ય કેદીઓને ઉદ્દામવાદી ન બનાવે તે માટે તેમને ઈંગ્લેન્ડની કડક સુરક્ષા વ્યવસ્થા ધરાવતી જેલોના સ્પેશિયલ યુનિટમાં અલગ રખાશે. આ માટેના સંભવિત કેદીઓમાં ઈસ્લામિક સ્ટેટને સમર્થન કરવા માટે પાંચ વર્ષની જેલ ભોગવતા અંજેમ ચૌધરી અને ફુસિલિયર લી રિગ્બીના હત્યારા પૈકીના એક માઈકલ એડેબોલાજોનો સમાવેશ થાય છે.

• M&S યુકેમાં ૩૪ ફૂડ સ્ટોર શરૂ કરશે

માર્ક્સ એન્ડ સ્પેન્સર આગામી છ મહિનામાં યુકેમાં નવા ૩૬ સ્ટોર શરૂ કરશે. તેમાંથી ૩૪ ફૂડ સ્ટોર હશે. માત્ર બે જ ક્લોથીંગ અને હોમવેર સ્ટોર હશે. આ સ્ટોર્સ શરૂ થતાં નોકરીની ૧,૪૦૦થી વધુ તક ઉપલબ્ધ થશે. જોકે, આ જ સમયમાં તે સાઉથ કોસ્ટથી યોર્કશાયર વચ્ચેના છ સ્ટોર બંધ કરશે. તેના ૩૬૦ કર્મચારીને નજીકના સ્ટોરમાં સમાવી લેવાની કંપનીએ ખાતરી આપી હતી. યુકેમાં M&Sના ૯૫૦ સ્ટોર છે જેમાંથી ૬૧૫ ફૂડ સ્ટોર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter