માર્ચ ૨૦૧૫માં ભારતમાં પ્રવાસ દરમિયાન શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામેલી ચાર સંતાનની શીખ માતા ઓનર કિલિંગનો શિકાર બની હોવાનો દાવો તેના પરિવારે કર્યો છે. માતાએ તેના સૌથી નાના પુત્રને નિઃસંતાન જેઠને દત્તક આપવા ઈનકાર કર્યો હોવાથી ઉત્તર લંડનમાં રહેતા તેના પતિ દ્વારા હત્યાનું કાવતરું ઘડાયું હોવાનો દાવો કરાયો છે. જેઠને પૈતૃક સંપતિ મેળવવા પુરુષ વારસદાર જોઈતો હતો. માતાના પરિવાર દ્વારા ફોરેન સેક્રેટરી બોરિસ જહોન્સનને આ મુદ્દે પત્ર પણ લખાયો છે.
• ચાર દવાનો ખર્ચ ૧.૦૯૩ બિલિયન પાઉન્ડ
NHS દ્વારા માત્ર ચાર દવા પાછળ ૧.૦૯૩ બિલિયન પાઉન્ડ ખર્ચાયા હોવાનું NHS Digital ના તાજા આંકડામાં જણાવાયું છે. ઘટી ગયેલાં ૧૧૬ બિલિયન પાઉન્ડના બજેટના ૧૫ ટકા (૧૬.૮ બિલિયન પાઉન્ડ ) ખર્ચ દવાઓ અને સારવાર પાછળ કરવામાં આવે છે, જે પાંચ વર્ષ અગાઉના ૧૩ બિલિયન પાઉન્ડ ખર્ચ કરતા ૩૦ ટકા વધુ છે. સૌથી ખર્ચાળ આર્થ્રાઈટીસની Adalimumab દવા (૪૧૬ મિલિયન પાઉન્ડ), મસ્ક્યુલર ડીજનરેશનમાં રાહતની દવા Ranibizumab (૨૪૯ મિલિયન પાઉન્ડ), આર્થ્રાઈટીસની દવા Etanercept (૨૩૦ મિલિયન પાઉન્ડ) અને આંતરડાના કેન્સર માટેની દવા Aflibercept માટે ૧૯૮ મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા.
• જ્યુઈશ શાળા- સિનેગોગ્સના રક્ષણ માટે ફાળવણી
યુકેમાં યહુદીવિરોધી હુમલાઓમાં વધારો થતાં હોમ સેક્રેટરી એમ્બર રડે જ્યુઈશ શાળાઓ, કોલેજો અને સિનેગોગ્સના રક્ષણ પાછળ ૧૩.૪ મિલિયન પાઉન્ડ ફાળવવાની જાહેરાત કરી છે. ટોરી પાર્ટીમાં ઉભરતાં સિતારા હોમ સેક્રેટરીએ ગત જૂન મહિનામાં નીઓ-નાઝી હુમલાખોર થોમસ માઈર દ્વારા વેસ્ટ યોર્કશાયરના બિરસ્ટોલમાં સાંસદ જો કોક્સની હત્યાના પગલે અતિ જમણેરી કટ્ટરવાદીઓની સંવેદનશીલ રણનીતિ મુદ્દે ચેતવણી આપી હતી. થોમસ માઈરને જો કોક્સની હત્યા બદલ આજીવન કારાવાસની સજા ફરમાવાઈ છે.
• AirBnB દ્વારા વંશીય ઘરમાલિકો સાથે ભેદભાવ
એક જ વિસ્તારમાં એકસરખી પ્રોપર્ટી હોવા છતાં વંશીય પશ્ચાદભૂ ધરાવતા મકાનમાલિકો સાથે AirBnB દ્વારા ભેદભાવ કરવામાં આવે છે. વોરવિક યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર ઓનલાઈન રુમ શેરિંગ સાઈટ AirBnB પર રુમ ભાડે આપવા ઈચ્છતા અશ્વેત અને એશિયન ઘરમાલિકોને શ્વેત મકાનમાલિકોની સરખામણીએ ઓછું ભાડું મળે છે. AirBnB પર લંડનની પ્રોપર્ટીઝ માટે આ તફાવત સરેરાશ છ ટકા જેટલો જણાયો છે. ઓનલાઈન સાઈટ AirBnB ૧૯૦ જેટલા દેશોમાં ૨૦ લાખથી વધુ મકાનોનું લિસ્ટિંગ ધરાવે છે.
• વેલ્ફેર સિસ્ટમમાં અરાજકતાની ચેતવણી
બ્રિટનની વેલ્ફેર સિસ્ટમમાં અરાજકતા હોવાની ચેતવણી નેશનલ ઓડિટ ઓફિસના રિપોર્ટમાં અપાઈ છે. ગત પાંચ વર્ષમાં બેનિફિટ્સ સિસ્ટ્સનો દુરુપયોગ કરવા બદલ જોબસીકર્સ એલાવન્સના ૨૫ ટકા દાવેદારોને સજા કરવામાં આવી છે. દાવેદારો પાસેથી લાભની રકમ પેનલ્ટી તરીકે પાછી મેળવાય તેના કરતા તેમની ચકાસણી પાછળ સરકાર લાખો પાઉન્ડ વધુ ખર્ચ કરે છે. બેરોજગારીના દસ લાખથી વધુ લાભાર્થી દાવેદારોએ પેમેન્ટ મેળવવા તેઓ કામની શોધ કરે છે સહિતની શરતોનું પાલન કરવાનું રહે છે.

