• શ્રીલંકન એસાઈલમ સીકરની હદપારી

Tuesday 20th September 2016 10:04 EDT
 

શ્રીલંકામાં જન્મેલા અને બ્રિટનમાં એસાઈલમ માગનારા શિવરાજાહ સુગંથનને સેક્સ હુમલામાં જેલની સજા કરાયા પછી આખરે તેને હદપાર કરી શકાશે. લિબરલ ડેમોક્રેટ સાંસદ સ્ટીફન વિલિયમ્સે ૨૦૧૧માં શિવરાજાહ માટે અભિયાન ચલાવ્યા પછી તેને બ્રિટનમાં રહેવા દેવાયો હતો. પરંતુ, ત્રણ વર્ષ પછી તેણે ૨૧ વર્ષની યુવતી પર જાતીય હુમલો કર્યો હતો. તેને ૩૦ મહિનાની સજા થઈ છે. સજા પછી તેના ઈમિગ્રેશન સ્ટેટસની સમીક્ષા કરાશે.

• પુત્રને વસિયતમાંથી દૂર કરવા માતાની પેરવી

અલ્ઝાઈમરથી પીડાતા ખેડૂત પતિની ૧૦ મિલિયનની સંપત્તિના વસિયતમાંથી પુત્રનો હિસ્સો રદ કરાવવા માતાએ કરેલા પ્રયાસને જજ સિમોન મોન્ટી QCએ નાકામ બનાવ્યો છે. સેલિસબરી નજીક સ્ટેપલફોર્ડમાં સ્ટીફન બાળપણથી ૬૫૦ એકરના ખેતરમાં કામ કરતો હતો. તેના પિતા રોજર વારંવાર આ ખેતર તને જ આપીશ એમ કહેતા હતા. જોકે, અલ્ઝાઈમરથી યાદશક્તિ પર અસર થતા તેણે સ્ટીફનને વિલમાંથી બાકાત કર્યો હતો.

• હજારો જીપીની આવકમાં ધરખમ વધારો

૧૫,૧૯૦થી વધુ ફેમિલી ડોક્ટર્સ (જીપી) વાર્ષિક ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવક રળે છે. આ માટે તેમના વેતનમાં થયેલો વધારો જવાબદાર છે. આ ઉપરાંત, વાર્ષિક ૨૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવક રળનારાની સંખ્યા પણ વધીને ૬૬૦, જ્યારે ૨૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવક ધરાવનારાની સંખ્યા ૧૮૦ થઈ છે. ૨૦૧૪-૧૫માં જીપી પાર્ટનર માટે સરેરાશ વેતન વાર્ષિક ૧૦૧,૫૦૦ પાઉન્ડ હતું, જે તેની અગાઉના વર્ષ કરતા ૧.૭ ટકા વધ્યું હતું.

• પ્રોસ્ટેટ કેન્સરગ્રસ્તો વહેલી સર્જરી ટાળી શકે

એક અભ્યાસ અનુસાર પ્રોસ્ટેટ કેન્સર ધરાવતા પુરુષોમાં અડધાથી વધુને તત્કાળ સારવારની આવશ્યકતા હોતી નથી. પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કામાં પુરુષો સર્જરી અથવા રેડિઓથેરાપીના બદલે તેમના ટ્યુમર પર દેખરેખ રાખવાનું પસંદ કરે તો પણ તેઓ ૧૦ વર્ષમાં મૃત્યુને ભેટે તેવી શક્યતા હોતી નથી. આવી પસંદગીથી તેઓ સતત મૂત્રવહન અને નપુંસકતા જેવી આડઅસરોથી બચી શકે છે. દર વર્ષે ૪૭,૦૦૦ બ્રિટિશ પુરુષોને તેઓ પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા હોવાનું કહેવાય છે, જેમાંથી ૫૦થી ૬૦ ટકાને કેન્સર પ્રારંભિક તબક્કામાં જ હોય છે. આવા પેશન્ટ સામે પ્રોસ્ટેટ ગ્રંથિ દૂર કરવાની સર્જરી અથવા રેડિયેશનનો વિકલ્પ મૂકાય છે.

• Ukipના દાતા નવો પક્ષ સ્થાપશે

Ukipના હાઈ પ્રોફાઈલ દાતા એરોન બેન્ક્સ નવી જમણેરી ‘મોમેન્ટમ’ ચળવળ અથવા પક્ષ સ્થાપવાની વેતરણમાં છે. ઈન્સ્યુરન્સ ટાયકૂન અને Leave.EUના સહસ્થાપક બેન્ક્સ તેમણે ફાયનાન્સ કરેલી બ્રેક્ઝિટ કેમ્પેઈનના સમર્થકોમાં આ માટે પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે Leave.EUના સર્વે કરાયેલા સમર્થકોમાંથી ૫૦ ટકાએ નવી ચળવળ માટે રસ દર્શાવ્યો છે. બેન્ક્સે બ્રેક્ઝિટ કેમ્પેઈન પાછળ ૫.૬ મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter