CT સ્કેનથી ૭૦ ટકા લંગ કેન્સરની ઓળખ
બ્રિટનમાં સૌથી જીવલેણ ફેફસાનું કેન્સર અસાધ્ય બને તે પહેલા તેના નિદાન માટે સ્ક્રિનિંગ કરાવાથી હજારો લોકોના જીવ બચી શકે તેમ યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલ NHS ટ્રસ્ટના અભ્યાસના તારણો જણાવે છે. અગાઉના અને વર્તમાન ધૂમ્રપાન કરનારાઓમાં પેફસાનું કેન્સર પ્રાથમિક તબક્કામાં હોય ત્યારે તેમના CT સ્કેન કરાવી લેવાય તો કેન્સરના ૭૦ ટકા ટ્યૂમર્સ ઓળખી શકાય અને વેળાસર દૂર કરી શકાય છે. યુકેમાં દર વર્ષે આશરે ૪૮,૦૦૦ લોકોને ફેફસાના કેન્સરનું નિદાન કરાય છે જેનાથી, ૩૫,૧૦૦ લોકોના એટલે કે દિવસમાં ૯૬ લોકોના મોત થાય છે. લંગ કેન્સર સૌથી ખરાબ પ્રકાર ગણાય છે કારણકે તેને ઓળખવું મુશ્કેલ રહે છે. ચારમાંથી ત્રણ કેસનું નિદાન કેન્સરના ત્રીજા કે ચોથા તબક્કામાં કરાય છે જેમાં પેશન્ટને જીવનરક્ષક સારવાર આપવી મુશ્કેલ બને છે.
• ઈસ્લામિક ત્રાસવાદી યુકેમાં રેફ્યુજી તરીકે રહેશે
ઈજિપ્તના પ્રાઈમ મિનિસ્ટરની હત્યાનું કાવતરું ઘડવા બદલ મોતની સજા ફરમાવાયેલા ઈજિપ્તની ઈસ્લામિક જિહાદ સાથે સંકળાયેલા ત્રાસવાદી યાસિર અલ-સિરી યુકેમાં ૨૭ વર્ષની કાનૂની લડાઈ પછી રેફ્યુજી તરીકે રહેવાનો અધિકાર મેળવશે. બ્રિટિશ ટ્રિબ્યુનલે ઠરાવ્યું છે કે અલ-સિરી યુકેમાં શરણાર્થી તરીકે રહેવાનો અધિકાર ધરાવે છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત ઘણાએ આ ચુકાદા વિરુદ્ધ અપીલ કોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે, અપીલ કોર્ટે પણ યાસિરની તરફેણ કરી હતી. હવે હોમ ઓફિસ આગામી કાર્યવાહી વિશે વિચારણા કરી રહેલ છે. અલ-સિરીએ પહેલા ૧૯૯૪માં રાજ્યાશ્રય માગ્યો હતો જે ફગાવી દેવાયો હતો. તેણે આઠ વખત આ મુદ્દો કોર્ટના આંગણે રજૂ કર્યો હતો. અલ-સિરી સામે યુએસમાં પણ ૧૯૯૩ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બોમ્બિંગમાં સંકળાયેલી કોઈ વ્યક્તિને મદદ કરવા બદલ આરોપ લગાવાયો હતો. આ પછી તે ઘણી ટ્રિબ્યુનલ્સ સમક્ષ હાજર થયો હતો.
• વેક્સિનેશન સેન્ટરમાં આગથી દોડાદોડી
સરેમાં થેમ્સ ડટ્ટનના એમરબ્રૂક કોમ્યુનિટી સેન્ટરમાં આવેલા કોવિડ વેક્સિનેશન હબમાં ૧૪ ફ્બ્રુઆરી રવિવારની બપોરે અચાનક આગ લાગવાથી વેક્સિન લેવા આવેલા લોકોએ જીવ બચાવવા બિલ્ડિંગની બહાર જવા દોડાદોડી કરી હતી. જોકે, વેક્સિનના પુરવઠાને કોઈ નુકસાન પહોંચ્યું નથી. આગ લાગતા છ ફાયર એન્જિન દોડી આવ્યા હતા. બળવાની ગંધ આવતા અને પાવર બંદ થી જતાં લોકો જાતે જ સેન્ટરમાંથી બહાર નીકળવા લાગ્યા હતા.
• વડા પ્રધાન જ્હોન્સને ખોટી માહિતી આપી
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ખોટી રીતે દાવો કર્યો હતો કે બ્રિજેન્ડ બેટરી મેન્યુફેક્ચરિંગનું મોટુ સેન્ટર બની રહેશે. ગત બુધવારે કોમન્સમાં લેબર પાર્ટીના નીઆ ગ્રિફિથ્સે વડા પ્રધાને પોતાની ટીપ્પણી બદલ માફી માગવી જોઈએ તેમ જણાવ્યું હતું. બ્રિજેન્ડમાં ફોર્ડનો પ્લાન્ટ બંધ થયો છે ત્યારે આ ટીપ્પણી અયોગ્ય હતી. યુકે સરકારે જણાવ્યું હતું કે દેશમાં બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન બાબતે ઈન્વેસ્ટર્સ સાથે કામ ચાલી રહ્યું છે. બ્રિજેન્ડમાં બેટરી ફેક્ટરી માટે કોઈ યોજના જાહેર કરાઈ નથી.
• યુકેના ૭૦૦,૦૦૦ ફ્રીલાન્સર્સ કામવિહોણા
ત્રીજા રાષ્ટ્રીય કોવિડ લોકડાઉનના કારણે સંખ્યાબંધ સ્વરોજગારી લોકો માટે કામકાજ બંધ થઈ ગયું છે. રેઝોલ્યુશન ફાઉન્ડેશનના અભ્યાસ અનુસાર પ્રથમ લોકડાઉનની સરખામણીએ તેમની સંખ્યા ૫૦ ટકા વધુ છે અને ૪૧ ટકાની કમાણીમાં ભારે ઘટાડો નોંધાયો છે. ગત મે મહિનામાં ૪૬૦,૦૦૦ સ્વરોજગારી વર્કર્સ કામવિહોણા હતા તેની સરખામણીએ ત્રીજા લોકડાઉનના નિયંત્રણોથી આ સંખ્યા વધીને ૭૦૦,૦૦૦ વર્કર્સની થઈ છે. સંઘર્ષ કરી રહેલા સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સ માટે આગામી માર્ચ બજેટમાં વધુ સપોર્ટ જાહેર કરવા ચાન્સેલર રિશિ સુનાક પર ભારે દબાણ છે. યુકેના અગાઉના ૫ મિલિયન સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સના ફોર્સમાંથી ૧.૫ મિલિયન વર્કર્સને સરકારી પેકેજનો યોગ્ય લાભ મળી શક્યો નથી. જોકે, ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું છે કે સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સને સપોર્ટ કરવા લગભગ ૨૦ બિલિયન પાઉન્ડ ખર્ચાયા છે.
• કોવિડ લોન રીપેમેન્ટ ચાલુ થવા સાથે ફર્મ્સને નુકસાન
લેબર પાર્ટીના શેડો ચાન્સેલર એનેલિઝ ડોડ્સે જણાવ્યું છે કે આગામી મહિનાથી ૭૧ બિલિયન પાઉન્ડની લોન્સની પુનઃ ચૂકવણી શરુ કરાશે ત્યારે હજારો ફર્મ્સ ભારે મુશ્કેલીમાં મૂકાઈ જશે. તેમણે ચાન્સેલર સુનાકને બિઝનેસીસ પર કોવિડ-૧૯ સંબંધિત દેવાંનો બોજ હળવો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે બાઉન્સ-બેક લોન સ્કીમને ‘સ્ટુડન્ટ્સ લોન-સ્ટાઈલ એરેન્જમેન્ટ’માં રુપાંતરિત કરવાની સલાહ પણ આપી હતી. બીજી તરફ, ટ્રેઝરીએ જણાવ્યું છે કે રીપેમેન્ટની વધુ ફ્લેક્સિબલ શરતોની છૂટ આપતા પગલાં જાહેર કરી દેવાયાં છે. લેબર પાર્ટીના એનાલિસીસ અનુસાર ૮૫૦,૦૦૦ ફર્મ્સ આગામી ત્રણ મહિનામાં બંધ થઈ જવાના આરે આવશે અને ૨.૪ મિલિયન નોકરીઓનું ભારે નુકસાન થશે.
• બીબીસી પર ચીને મૂક્યો પ્રતિબંધ
બ્રિટન-ચીન વચ્ચે મીડિયા વોર શરુ થઈ છે. ચીને ખોટા અહેવાલોની પ્રસિદ્ધિનું કારણ આપીને બીબીસીના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીની સરકારે આરોપ લગાવ્યો છે કે બીબીસીએ કોરોના વાઈરસ અને ઉઈઘુર મુસ્લિમો સહિતના મુદ્દે ભેદભાવપૂર્ણ અહેવાલો આપ્યા હતા અને ચીનના માપદંડોનું પાલન કર્યું ન હતું. બીબીસીનું બ્રોડકાસ્ટિંગ લાઈસન્સ જ રદ કરી દેવાયું હોવાથી આગામી વર્ષ માટે પણ પ્રસારણની અરજી કરી નહિ શકે.તાજેતરમાં જ બ્રિટને ચીનના સરકારી મીડિયા ચાઈના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (સીજીટીએન)ના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી ચીની મીડિયાનું લાઈસન્સ રદ કરી દીધું હતું જેના બદલારુપે ચીને આ પગલું લીધાનું કહેવાય છે.
• ગ્રીન સેક્ટરમાં વંશીય લઘુમતી જૂથોના યુવાનોને રોજગાર
ગ્રીન મૂવમેન્ટને વધુ વૈવિધ્યપૂર્ણ બનાવવા અગ્રણી પર્યાવરણીય સંસ્થાઓ એમ્પ્લોયમેન્ટ પહેલમાં ભાગ લઈ રહી છે. પર્યાવરણ સેક્ટરને વંશીય પશ્ચાદભૂના યુવાનો માટે ખુલ્લું કરવાના આશયથી ફ્રેન્ડ્ઝ ઓફ અર્થ, ક્લાયન્ટ અર્થ, RSPB અને અન્ય સંસ્થાઓ આ પ્રોગ્રામમાં ભાગ લઈ રહી છે. રોજગાર કાર્યક્રમ પાછળના જૂથોમાં એક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝિંગ ફોર સસ્ટેનિબિલિટી યુકેના સંશોધન અનુસાર હાલ પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરતા માત્ર ૩.૫ ટકા લોકો જ વંશીય લઘુમતી સમૂહમાંથી આવે છે. અત્યાર સુધી પર્યાવરણ ક્ષેત્ર મુખ્યત્વે શ્વેતવર્ણી બની રહ્યું છે. રોજગાર કાર્યક્રમમાં મુખ્યત્વે વંશીય લઘુમતી સમૂહના ૧૬-૨૪ વયજૂથના ૧૧૮ બેરોજગાર યુવાનોને યુકેના પર્યાવરણ ક્ષેત્રમાં કામની ઓફર કરાશે. આ સંખ્યા વર્ષના અંત સુધીમાં વધારીને ૧૫૦ની કરાશે. છ મહિનાના પ્લેસમેન્ટમાં યુવાનોને ઓછામાં ઓછું યુકેનું લિવિંગ વેજ ઓફર સાથે ટ્રેઈનિંગ અને કેરિયર સપોર્ટ પણ અપાશે.
• બીબીસીના એડિટોરિયલ ડાયરેક્ટર કમાલ અહેમદની છટણી
બીબીસી દ્વારા એડિટોરિયલ ડાયરેક્ટર કમાલ અહેમદની છટણી સહિત BBC Newsના બોર્ડમાં ભારે ફેરફાર કરાયા છે. આ સાથે સંસ્થાએ વંશીય લઘુમતીના પ્રતિનિધિત્વ અંગે પોતાના જ નિયમોનો ભંગ કર્યો છે. હવે બોર્ડમાં કોઈ BAME પ્રતિનિધિ નથી. BBC Newsના ડાયરેક્ટર ફ્રાન અન્સવર્થે બોર્ડમાં ૧૧ સભ્યની સંખ્યા કાપીને ૮ કરી છે જેમાં બે પદ ખાલી છે. અહેમદની સાથે હેડ ઓફ ન્યૂઝ આઉટપૂટ ગેવિન એલન અને હેડ ઓફ કરન્ટ એફેર્સ જો કારની પણ છટણી કરાઈ છે. વાર્ષિક ૨૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ વેતન મેળવનારા કમાલ અહમદને બીબીસીના ડાયરેક્ટર જનરલ ટોની હોલના સંભવિત અનુગામી તરીકે ગણાવાતા હતા. બિઝનેસ એડિટર તરીકે ૨૦૧૪માં બીબીસી સાતે જોડાયેલા અહમદે ટેલિગ્રાફ અને ઓબ્ઝર્વર સાથે પણ કામ કર્યું હતું.
• પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલ્લાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ, કેમિલ્લાએ કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવાનું ક્લેરેન્સ હાઉસ દ્વારા જણાવાયું છે. અનુક્રમે ૭૧ અને ૭૩ની વય ધરાવતા ચાર્લ્સ અને કેમિલ્લા હાલ યુકેમાં વેક્સિનેશન કરાઈ રહેલા વયજૂથમાં આવે છે. ચાર્લ્સના પેરન્ટ્સ ક્વીન એલિઝાબેથ (૯૪) અને પ્રિન્સ ફિલિપ (૯૯)ને પણ ગયા મહિને વેક્સિનનો ડોઝ અપાયો હતો. પ્રિન્સ ચાર્લ્સને મહામારીની શરુઆતમાં જ કોરોના વાઈરસનું સંક્રમણ થયું હતું. જોકે, તેમના લક્ષણો હળવાં હતાં. ડચેસ ઓફ કોર્નવોલને સંક્રમણ થયું ન હતું પરંતુ, તેઓ સ્કોટિશ હોમ બિર્કહોલમાં પ્રિન્સથી અલગ રહ્યાં હતાં.

