• સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Tuesday 10th November 2020 16:07 EST
 

• પોલીસ ક્રિસમસ ડિનર્સને નહિ વિખેરેઃ વેસ્ટ મિડલેન્ડ્સના પોલીસ અને ક્રાઈમ કમિશનર ડેવિડ જેમીસને ક્રિસમસ દરમિયાન મોટા મેળાવડા યોજાશે તો પોલીસ હસ્તક્ષેપ કરશે તેવી ચિમકી આપ્યા પછી હોમ ઓફિસ મિનિસ્ટર સુસાન વિલિયમ્સે હાઉસ ઓફ લોર્ડ્સમાં ખાતરી આપી હતી કે પોલીસ લોકો પોતાના ઘરમાં શું કરે છે તેની તપાસ કરવા જાય તેની કોઈ શક્યતા નથી. જેમિસને ટેલિગ્રાફ પેપરને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ક્રિસમસ દરમિયાન લોકો માટા પાયે એકત્ર થાય તેમાં નિયમોનો મોટા પાયે ભંગ થતો જણાશે તો પોલીસ હસ્તક્ષેપ કરી શકે છે. આ પછી ભારે વિવાદ સર્જાયો હતો.

• વિન્ટર હોલીડેઝમાં બાળકોને નિઃશુલ્ક ભોજનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સરકારી નિર્ણયમાં નાટ્યાત્મક પીછેહઠ કરી વિન્ટર હોલીડેઝમાં બાળકોને નિઃશુલ્ક ભોજન આપવાની સંમતિ દર્શાવી છે. સરકાર આ કામગીરી માટે ૧૭૦ મિલિયનનું વધારાનું ભંડોળ આપશે. લેબર પાર્ટી, ટોરીઝ અને જનતાના દબાણ સામે ઝૂકીને આ નિર્ણય લેવાયો છે. જ્હોન્સને આ માટે અભિયાન ચલાવનારા ૨૨ વર્ષીય ધ યુનાઈટેડ એન્ડ ઈંગ્લેન્ડના સ્ટાર ફૂટબોલર માર્કસ રેશફોર્ડને અંગત ફોન કરી નિર્ણયની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ કટોકટીમાં કચડાયેલા અને નિરાધાર બાળકોને નેશનલ લોકડાઉન દરમિયાન મફત ભોજન માટે અભિયાન ચલાવવા બદલ રેશફોર્ડને ગત મહિને MBEની નવાજેશ કરવામાં આવી હતી. વંચિત બાળકોને શાળામાં નિઃશુલ્ક ભોજન આપવાની દરખાસ્તોને પાર્લામેન્ટે ફગાવી દીધી હતી.

• ઘર ખરીદનારાઓને ઝડપ કરવાની સલાહઃ સ્ટેમ્પ ડ્યૂટી હોલીડેની મર્યાદા ૩૧ માર્ચે પૂર્ણ થઈ રહી છે ત્યારે યુકેના ઘર ખરીદનારાઓને ઝડપ કરવાની સલાહ અપાઈ છે. કોવિડ નિયંત્રણો અને મોર્ગેજીસની ઊંચી માગણીના કારણે પ્રોપર્ટી ખરીદ પ્રક્રિયામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ધીરાણકારો સેલ્ફ એમ્પ્લોઈડ કરજદારોની મોર્ગેજ અરજીઓ પર વધુ કાળજીપૂર્વક ધ્યાન આપી રહ્યા હોવાથી પ્રોસેસિંગ બમણો સમય જાય છે. સામાન્ય સંજોગોમાં બે સપ્તાહનો સમય લાગતો હતો પરંતુ, આજકાલ મહિનો કે તેથી વધુ સમય લાગી જાય છે. ઘણી વખત ૧૧૫ દિવસ લાગતા હોવાથી ઘર ખરીદનારાઓને ૬ ડિસેમ્બર સુધી પ્રોપર્ટીના મોર્ગેજ માટે અરજી કરી લેવાની સલાહ પણ અપાય છે. ગત બે વર્ષની જગ્યાએ હાલના બેન્ક સ્ટેટમેન્ટ્સનો વધુ અભ્યાસ થાય છે. ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૫૦૦,૦૦૦ પાઉન્ડ સુધીની કિંમતના તેમજ સ્કોટલેન્ડ અને વેલ્સમાં ૨૫૦,૦૦૦ પાઉન્ડ સુધીની કિંમતના ઘરની ખરીદી માટે સ્ટેમ્પ ડ્યૂટીની રાહતો છે. આ રાહતોના લીધે હાઉસિંગ માર્કેટ ઉંચકાયું છે.

• બોર્ડર એન્ડ ઈમિગ્રેશન ચીફ ઈન્સપેક્ટરની મુદત વધીઃ વર્તમાન ઈન્ડિપેન્ડન્ટ બોર્ડર એન્ડ ઈમિગ્રેશન ચીફ ઈન્સપેક્ટર (ICIBI) સ્વતંત્ર ડેવિડ બોલ્ટ પોતાની મુદત વધારવા માટે સંમત થયા છે. નવા ચીફ ઈન્સપેક્ટરની નિયુક્તિની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધીના મુદતવધારાથી સાતત્ય જળવાઈ રહેશે. તેમની નિમણૂક મે ૨૦૧૫માં થઈ હતી અને હોમ ઓફિસ તેની બોર્ડર અને ઈમિગ્રેશન કામગીરીમાં સુધારા લાવી શકે તેમાં તેઓ અવિભાજ્ય હિસ્સારુપ હતા. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ચીફ ઈન્સપેક્ટર બોલ્ટની મહત્ત્વપૂર્ણ અને ઉદાહરણરુપ કામગીરી બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. નવા ચીફ ઈન્સપેક્ટરની નિયુક્તિની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ગવર્નન્સ કોડ ઓન પબ્લિક એપોઈન્ટમેન્ટ્સને સુસંગત બોલ્ટને મુદતવધારો અપાયો છે.

• સિટી હોલ નવા સરનામે કાર્યરત થશેઃ લંડનના મેયરની ઓફિસ સિટી હોલ આગામી વર્ષના અંત સુધીમાં લંડન બ્રિજથી પૂર્વ તરફ ન્યૂહામના સરનામે ટ્રાન્સફર થશે. મેયર સાદિક ખાને સમર્થન આપતા જણાવ્યું હતું કે નવી ઓફિસ લંડન સિટી એરપોર્ટ નજીક રિવરસાઈડ એરિયા રોયલ ડોક્સ ખાતે ખસેડાશે. આના પરિણામે, ગ્રેટર લંડન ઓથોરિટી (GLA)ને પાંચ વર્ષના ગાળામાં ૬૧ મિલિયન પાઉન્ડની બચત થશે. લંડન સરકારની વર્તમાન બેઠક સિટી હોલનું ૨૦૦૨માં નિર્માણ થયું હતું અને કુવૈતી લેન્ડલોર્ડ પાસેથી ૨૫ વર્ષની લીઝ પર ભાડે લેવાયું હતું. આ ભાડું આગામી વર્ષે વધીને ૯.૬ મિલિયન પાઉન્ડ થવાનું હતું અને બિઝનેસ રેટ્સ અને યુટિલિટીઝના વધારાના ૩ મિલિયન પાઉન્ડ ચૂકવવાના હતા.

• યુકેમાં કોવિડના ત્રીજા મોજાંની પણ ચેતવણીઃ પેમાસ્ટર જનરલ પેની મોરડાઉન્ટે ચેતવણી આપી હતી કે યુકેએ કોરોના વાઈરસ મહામારીના ત્રીજાં મોજાં અને વધુ લોકડાઉન્સનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. કોમન્સમાં લોકડાઉન પગલાંનો વિરોધ કરનારા ટોરી સાંસદોને તેમણે કહ્યું હતું કે વધુ લોકડાઉન્સ લાદવા પડે તેનો અર્થ એ નથી કે પગલાં અસરકારક નથી. પૂર્વ વડા પ્રધાન થેરેસા મે સહિત ૫૦ જેટલા કન્ઝર્વેટિવ સાંસદોએ સેકન્ડ લોકડાઉનના પગલાનો વિરોધ કર્યો હતો.

• કોવિડ મહામારીમાં નાના બાળકો સાથે ખરાબ વર્તાવઃ ઈંગ્લેન્ડમાં કોવિડ મહામારી દરમિયાનમાં ખરાબ વર્તાવ અથવા બેદરકારીના લીધે ગંભીર ઈજા સહન કરનારા નાના બાળકોની સંખ્યા ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ ૨૦ ટકા જેટલી વધી હોવાનું Ofsted દ્વારા જણાવાયું છે. ચીફ ઈન્સ્પેક્ટર અમાન્ડા સ્પિલમાને જણાવ્યું હતું કે વાઈરસ મહામારીએ પરિવારો પર વધારાનું દબાણ સર્જ્યું હતું. સ્થાનિક સત્તાવાળાઓએ એપ્રિલ અને ઓગસ્ટના ગાળામાં બાળકોને ઈજા અને મોતની ૩૦૦થી વધુ ગંભીર ઘટનાઓનો રિપોર્ટ કર્યો હતો જેમાં, ૪૦ ટકા તો એક વર્ષથી ઓછી વયના બાળકોને સંબંધિત હતી. કુલ ૬૪માંથી અડધા બાળકોને અકસ્માતરહિત ઈજાઓ હતી અને ગંભીર ઈજાના કારણે આઠ બાળકોના મોત નીપજ્યાં હતાં.

• રેપિડ કોવિડ ટેસ્ટમાં ૫૦ ટકા કેસની ઓળખમાં નિષ્ફળતાઃ બોરિસ જ્હોન્સનની માસ ટેસ્ટિંગ રણનીતિના હાર્દસમાન રેપિડ કોરોના વાઈરસ ટેસ્ટિંગમાં ૫૦ ટકાથી વધુ પોઝિટિવ કેસીસની ઓળખમાં નિષ્ફળતા મળી હતી. ગ્રેટર માન્ચેસ્ટરમાં ઓપરેશન મૂનશોટ પાઈલોટના ૨૦ મિનિટના ટેસ્ટ પાછળ સરકારે ૩૨૩ મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે. ગયા મહિને માન્ચેસ્ટર અને સાલફોર્ડમાં ટ્રાયલમાં માત્ર ૪૬.૭ ટકા સંક્રમિતોને જ ઓળખી શકાયા હતા. આનો અર્થ એ છે કે અન્યને ચેપ લગાડી શકે તેવી સ્થિતિમાં કોવિડ-૧૯ ધરાવતા અનેક લોકોને તેમને સંક્રમણ નહિ હોવાનું ખોટી રીતે જણાવાયું હતું. આના પરિણામે, OptiGene Direct RT-Lampની ચોકસાઈ સામે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

• ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ પોઈન્ટ્સમાં રોકાણઃ ઉબેર દ્વારા લંડનમાં ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ પોઈન્ટ્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ પાંચ મિલિયન પાઉન્ડનું રોકાણ કરવાની ખાતરી ઉચ્ચારી છે. મોટા ભાગે ગરીબ બરોમાં મૂકાનારા ચાર્જિંગ પોઈન્ટ્સ કારચાલકોને ઈલેક્ટ્રિક કાર્સના ઉપયોગ તરફ વાળવા માટે હશે. કેન્સિંગ્ટન અને વેસ્ટમિન્સ્ટર જેવા સમૃદ્ધ વિસ્તારોમાં ચાર્જિંગ પોઈન્ટ્સ વધારે છે પરંતુ, મોટા ભાગે ડ્રાઈવર્સની વસ્તી વધુ હોય તેવા ન્યૂહામ અને ટાવર હેમલેટ્સ વિસ્તારોમાં તેની સંક્યા ઓછી છે. લંડનમાં માત્ર ૧,૦૦૦ જેટલાં જ ઉબેર વાહનો સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક છે જે ૨૦૨૫ સુધીમાં તેની એપ હેઠળની ૪૫,૦૦૦ કાર ઈલેક્ટ્રિક બનાવવાની ખાતરીથી જોજનો દૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter