• ઈંગ્લેન્ડના કોવિડ નિયમો હટાવવા વાહિયાતઃ

Wednesday 02nd February 2022 04:48 EST
 

વિશ્વના ગરીબ દેશોના ૩ બિલિયન લોકોને વેક્સિન આપી શકાઈ નથી ત્યારે ઈંગ્લેન્ડના કોવિડ નિયમો હટાવવાનો નિર્ણય વાહિયાત અને ઉતાવળિયો હોવાની ચેતવણી ૩૦૦થી વધુ હેલ્થકેર નિષ્ણાતો અને અગ્રણી વિજ્ઞાનીઓએ આપી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોવિડ નિયંત્રણો ઉઠાવી લેવાના પગલાંનો જોરદાર બચાવ કર્યો છે ત્યારે વિજ્ઞાનીઓએ પત્ર પાઠવીને કહ્યું છે કે ગરીબ દેશોમાં વેક્સિન નહિ અપાયેલા ૩ બિલિયન લોકોના વેક્સિનેશન માટે પૂરતી કાર્યવાહી કરવાના બદલે ઈંગ્લેન્ડમાં પ્લાન બી કોવિડ નિયંત્રણો ઉઠાવી લેવાનું પગલું બેજવાબદાર છે. આ નિષ્ફળતાનો અર્થ એ છે કે નવા કોવિડ વેરિએન્ટ્સ યુકેમાં હજારો લોકોનો જીવ જોખમમાં મૂકી શકે છે. વિશ્વની બહુમતી પ્રજાને વેક્સિનેશન કરાય તે જ Sars-CoV-2 મ્યુટેશન્સ અચકાવી શકે છે.

• વર્ક ફ્રોમ હોમના છીંડા બંધ કરાયાઃ

મહામારીમાં ઘરમાં રહીને એક દિવસ પણ કામ (WFH) કર્યું હોય તેઓ કરમાં રાહત તરીકે વાર્ષિક ૧૨૫ પાઉન્ડનો લાભ મેળવી શકે તેવી જોગવાઈ બંધ કરવા વિચારાઈ રહ્યું છે. આ જોગવાઈના કારણે ટ્રેઝરીએ ૫૦૦ મિલિયન પાઉન્ડ ગુમાવવા પડ્યા હોવાની ચેતવણી ચાન્સેલર સુનાકને અપાયા પછી તેને બંધ કરવામાં આવનાર છે. ઘરમાંથી કામ કરનારાને ટેક્સમાં રાહત આપવાની જોગવાઈ ૨૦૦૩થી અમલી છે જેમાં, ઈલેક્ટ્રિસિટી, ગેસ અને ઈન્ટરનેટ બિલ્સમાં થતા વધારાના ખર્ચ સામે રાહત આપવાની હતી. જોકે, મહામારીના ગાળામાં લાખો લોકો વર્કપ્લેસથી દૂર રહી ઘરમાં કામ કરી શકે તે માટે છૂટછાટ અપાઈ હતી અને ટેક્સફ્રી રકમ સાપ્તાહિક ૪ પાઉન્ડથી વધારી ૬ પાઉન્ડ કરાઈ હતી. આ યોજના શરૂઆતમાં એપ્રિલ ૨૦૨૧ સુધી રખાઈ હતી અને પાછળથી વધુ ૧૨ મહિના લંબાવાઈ હતી. કોવિડના લીધે ઘરમાં રહીને કામ કર્યું હોય પરંતુ, કદી ક્લેઈમ કર્યો ન હોય તેવા લોકો બે વર્ષના ૨૫૦ પાઉન્ડની રાહત મેળવવાના હકદાર બન્યા હતા.

• લિઝ ટ્રસનો ખાનગી જેટમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ

ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે ખાનગી જેટમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાથી કરદાતાઓના શિરે ૫૦૦,૦૦૦ પાઉન્ડનો બોજો આવ્યો છે.ફોરેન સેક્રેટરીના આ પ્રવાસને પ્રજાના નાણાના ‘વાહિયાત દુર્વ્યય’ અને પર્યાવરણને નુકસાનકર્તા તરીકે ગણાવાયો છે. લિઝ ટ્રસે સિડની જતી દૈનિક બિઝનેસ ક્લાસ ફ્લાઈટ પસંદ કરી ન હતી અને પ્રાઈવેટ સરકારી વિમાનમાં ઓસ્ટ્રેલિયામાં ૨૨,૦૦૦ કિલોમીટરના પ્રવાસનો આગ્રહ રાખ્યો હતો. જો ટ્રસે બિઝનેસ ટિકિટ પર પ્રવાસ કર્યો હોત તો વહેલા પહોંચવા ઉપરાંત, ઓછામાં ઓછાં ૪૯૨,૦૦૦ પાઉન્ડની બચત કરી શકાઈ હોત. અગાઉ પણ ટ્રસે સસ્તા રેસ્ટોરાંમાં ડેલિગેશનને જમાડવાના બદલે ટેક્સપેયર્સના ૩,૦૦૦ પાઉન્ડના ખર્ચે ટોરી સભ્યની માલિકીના રેસ્ટોરાંમાં લંચ લીધું હતું. આ ખર્ચમાં ડિસ્કાઉન્ટ સાથે ખર્ચ ૧૪૦૦ પાઉન્ડ ગણાયો હતો.

• જ્હોન્સને પ્રાણીઓના એરલિફ્ટિંગનો આદેશ કર્યોઃ

બોરિસ જ્હોન્સને કાબુલમાંથી અન્ય નિર્વાસિતોની સરખામણીએ પોલ ‘પેન’ ફાર્ધિંગના પ્રાણીઓ અને તેની નાઉઝાડ ચેરિટીના સ્ટાફને ઈમર્જન્સી એરલિફ્ટિંગમાં યુકે લાવવા પ્રાધાન્ય આપવાનો આદેશ આપ્યો હોવાનું વિસ્ફોટક ઈમેઈલથી સાબિત થાય છે. જ્હોન્સન અને ડાઉનિંગ સ્ટ્રીટે અત્યાર સુધી આ મુદ્દાને વાહિયાત ગણાવ્યો હતો. તાલિબાને કાબુલ પર કબજો કર્યા પછી ફાર્ધિંગના પ્રાણીઓના એરલિફ્ટિંગ બાબતે જ્હોન્સને અંગત રસ લીધો હોવાનું ઈમેઈલ્સ પરથી સ્પષ્ટ થાય છે. હાઈપ્રોફાઈલ કેમ્પેઈનમાં દાનના પ્રવાહમાંથી થયેલા એરલિફ્ટિંગમાં ફાર્ધિગના ૧૭૩ કૂતરાં-બિલાડીનું ઓગસ્ટમાં કાબુલ એરપોર્ટ પરથી એરલિફ્ટિંગ કરાયું હતું.

• બ્લેરનું નાઈટહૂડ પાછું ખેંચવા મિલિયન સહીઃ

પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરનું નાઈટહૂડ સન્માન પાછું ખેંચવાની પિટિશનમાં ૧,૧૨૮,૦૦૦ બ્રિટિશરોએ સહી કરી છે. ક્વીન દ્વારા ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં લેબર પાર્ટીના ટોની બ્લેરને સૌથી સીનિયર ‘નાઈટ કમ્પેનિયન ઓફ ધ મોસ્ટ નોબેલ ઓર્ડર ઓફ ધ ગાર્ટર’ સન્માનની જાહેરાત કરાઈ છે. બ્લેરને સન્માનના વિરોધીઓનું કહેવું છે કે પૂર્વ વડા પ્રધાને દેશને ૨૦૦૩ના ઈરાક યુદ્ધમાં ધકેલ્યો હતો. આ પિટિશન શરૂ કરનારા એન્ગસ સ્કોટનું કહેવું છે કે પિટિશનને આટલો જોરદાર પ્રતિસાદ મળવાની કલ્પના કે અપેક્ષા ન હતી અને હજુ વધુ લોકો તેના પર સહી કરશે તેવી ધારણા છે.

• બિયરની કિંમતમાં ભારે વધારોઃ

સમગ્ર યુકેમાં પબ્સ દ્વારા બિયરની કિમતમાં ૫૦ પેન્સના વધારા સાથે લંડનમાં બિયરની કિંમત પ્રતિ પિન્ટ ૭ પાઉન્ડે પહોંચી ગઈ છે. ઈન્ફ્લેશન દર વધવાથી બિયરની કિંમત પર અસર થઈ છે. હોસ્પિટાલિટી સેક્ટર પુનઃ બિઝનેસ આગળ વધારવા મરણિયું બની રહ્યું છે ત્યારે ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે સમગ્ર દેશમાં બિયરની કિંમતમાં ૧૦ ટકા અથવા ૪૦થી ૫૦ પેન્સનો વધારો થઈ જશે. હાલ લંડનમાં બિયરની કિંમત ૬ પાઉન્ડથી ઉપર પહોંચી છે. બ્રિટિશ બિયર એન્ડ પબ એસોસિયેશનના જણાવ્યા મુજબ યુકેમાં બિયરની સરેરાશ કિંમત પ્રતિ પિન્ટ ૪.૦૭ પાઉન્ડ છે જ્યારે લંડનમાં આ કિંમત ૪.૮૪ પાઉન્ડ છે

• પ્રિન્સ એન્ડ્રયુનો જ્યુરી ટ્રાયલ માટે આગ્રહઃ

સેક્સ એબ્યુઝ કેસમાં ફસાયેલા પ્રિન્સ એન્ડ્રયુએ જેફ્રી એપસ્ટેઈન તેમને છોકરીઓ પહોંચાડતો હોવાનો ઈનકાર કરી વર્જિનિયા ગિયુફ્રેના સેક્સ્યુઅલ એબ્યુઝ કેસમાં જ્યુરી ટ્રાયલ માટે માગણી કરી છે. પ્રિન્સે તેઓ એપસ્ટેઈનના સહ-કાવતરાખોર હોવાનું નકાર્યું છે. મેનહટ્ટન ફેડરલ કોર્ટમાં ડ્યૂક ઓફ યોર્ક વિરુદ્ધ કાનૂની કાર્યવાહીમાં પ્રિન્સના વકીલો દ્વારા ૧૧ પાનાના ડોક્યુમેન્ટ્સ રજૂ કરાયા છે. પ્રિન્સે કશું ખોટું કર્યાનું નકારવા સાથે ૧૯૯૯ની આસપાસ એપ્સટેઈન સાથે મુલાકાત થયાનું સ્વીકાર્યું છે. એપ્સટેઈનના કહેવાતા સેક્સ ટ્રાફિકિંગમાં ઘિસ્લેઈન મેક્સવેલ મુખ્ય રિક્રુટર હોવાની જાણકારી હોવાનો પણ તેમણે ઈનકાર કર્યો છે. ઘિસ્લેઈનને નાની છોકરીઓની જાતીય હેરફેરના કેસમાં દોષિત ઠરાવાઈ છે. વર્જિનિયા ગિયુફ્રેએ આક્ષેપ કર્યો છે કે ૨૦ વર્ષ અગાઉ તે ૧૭ વર્ષની હતી ત્યારે પ્રિન્સે તેની સાથે શારીરિક ગેરવર્તન કર્યું હતું.

• યુકેમાં હાર્ટ વાલ્વની જીવલેણ સમસ્યાઃ

બ્રિટિશ મેડિકલ જર્નલ ઓપન હાર્ટમાં પ્રકાશિત સંશોધન અનુસાર યુકેમાં આશરે ૩૦૦,૦૦૦ લોકોને મોટી ધમનીના વાલ્વ (aortic valve stenosis - AS )ની જીવલેણ સમસ્યા હોવાની શક્યતા છે. જોકે, સંખ્યાબંધ લોકોનું નિદાન થયું ન હોવાથી NHSને ભવિષ્યમાં મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ રોગના ગંભીર તબક્કામાં પ્રવેશેલા લોકોને સમયસર સારવાર ન મળે તો તેમાંથી અડધા તો આગામી પાંચ વર્ષમાં મોતને ભેટી શકે છે. હૃદયમાંથી લોહીનો પુરવઠો બહાર ધકેલતો એઓર્ટિક (aortic) વાલ્વ સખત થઈને સંકોચાય ત્યારે લોહીનો પુરવઠો મોટી ધમનીમાં બરાબર ફેંકાતો ન હોવાથી સમગ્ર શરીરને ઓછું લોહી મળે છે. મોટા ભાગના લોકોમાં આવી સ્થિતિની જાણ ઘણા મોડેથી થાય છે. NHS England, યુનિવર્સિટી ઓફ ગ્લાસગો, યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન, યુનિવર્સિટી ઓફ નોટ્રે ડેમ ઓસ્ટ્રેલિયાના સંશોધકો તેમજ માન્ચેસ્ટર, શેફિલ્ડ અને એડનબરાના કાર્ડિયોલોજિસ્ટ્સ અને સર્જન્સ આ સંશોધનમાં સામેલ થયા હતા.

• વર્જિનિટી ટેસ્ટ પર પ્રતિબંધ લગાવાશેઃ

સરકાર સમગ્ર યુકેમાં હાઈમેનોપ્લાસ્ટી (યોનિપટલ સર્જરી) તરીકે ઓળખાતી કોસ્મેટિક સર્જરી અને વર્જિનિટી ટેસ્ટિંગ પર પ્રતિબંધ લગાવવા વિચારી રહી છે. કેટલીક સંસ્કૃતિઓમાં સ્ત્રીની યોનિ સંબંધિત સર્જરી તેની કૌમાર્યાવસ્થા સાથે સંકળાયેલી મનાય છે અને તેના ગૌરવભંગનો પ્રકાર ગણાય છે. જોકે, માત્ર સેક્સ નહિ પરંતુ, સાઈકલિંગ સહિતની રમતોથી પણ સ્ત્રીનો યોનિપટલ ફાટી જતો હોય છે. આ કોસ્મેટિક પદ્ધતિ કે પ્રક્રિયા યુકેમાં અપરાધ ગણાશે. ક્લિનિક્સમાં હાઈમેનોપ્લાસ્ટી કરાવવાનો ખર્ચ અંદાજે ૩૦૦૦ પાઉન્ડ સુધીમાં થાય છે. WHO ના કહેવા મુજબ ઓછામાં ઓછાં ૨૦ દેશમાં કોમાર્યાવસ્થા સંબંધિત વર્જિનિટી ટેસ્ટિંગ કરવામાં આવે છે.

• ક્રિકેટહિતો મુદ્દે મિડલસેક્સ ચેરમેને માફી માગીઃ

ક્રિકેટમાં અશ્વેત અને સાઉથ એશિયન હિતો મુદ્દે કરાયેલી ટીપ્પણી બદલ મિડલસેક્સના ચેરમેન માઈક ‘ઓ ફેરેલે માફી માગી છે. ‘ઓ ફેરેલે કહ્યું હતું કે યુવાન સાઉથ એશિયન ખેલાડીઓ માટે ફૂટબોલ અને રગ્બીની રમતો વધુ આકર્ષક લાગે છે અને ઘણી વખત શિક્ષણ કરતાં ક્રિકેટ સેકન્ડરી જણાય છે. ‘ઓ ફેરેલે સ્પોર્ટ્સમાં રેસિઝમનો ઉપાય કરવા ક્રિકેટની યોજના તપાસતી ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ (DCMS) સિલેક્ટ કમિટી સમક્ષ આમ જણાવ્યું હતું. ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી એબોની રેઈનફોર્ડ- બ્રેન્ટે ચેરમેનની ટીપ્પણીને પીડાદાયક અને જૂનવાણી ગણાવી હતી. ઈંગ્લિશ ક્રિકેટ માળખાગત રીતે રંગભેદી હોવાનું જણાવનારા યોર્કશાયરના પૂર્વ ખેલાડીએ પણ ‘ઓ ફેરેલની માફી સ્વીકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter