પ્રકૃતિવિદ અને પર્યાવરણવાદી સર ડેવિડ એટેનબરોને આ વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરાયા હોવાનું બહાર આવ્યું છે. WHO, પોપ ફ્રાન્સિસ, મ્યાંમારની નેશનલ યુનિટી સરકાર, યુવનાલુના ફોરેન મિનિસ્ટર સિમોન કોફે અને અસંતુષ્ટ બેલારુસિયન સ્વિતલાના પણ આ યાદીમાં છે. જોકે, નોર્વેજિયન લોમેકર્સ ૯૫ વર્ષીય સર ડેવિડની તરફેણ કરી રહ્યા છે. બીબીસીના દંતકથારુપ પ્રેઝન્ટર સર ડેવિડે ૬૦ના દાયકાથી પોતાની કારકિર્દી શરુ કરી હતી અને ક્લાઈમેટ ચેઈન્જ વિશે જાગરુકતાને ફેલાવવામાં અગ્રેસર બની રહ્યા છે. તેમણે શરૂઆતમાં પ્રકૃતિના આશ્ચર્યો બહાર લાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યા પછી પર્યાવરણીય ઉદ્દેશોના સપોર્ટના હિમાયતી બની રહ્યા છે. સર ડેવિડની તરફેણ કરતી પિટિશન ત્રણ વર્ષથી ચાલી રહી છે અને હવે ૨૦,૦૦૦થી વધુ સહી તેના પર કરાઈ છે. નોર્વેજિયન નોબેલ કમિટી ગત ૫૦ વર્ષથી નોમિનીના નામ વિશે ગુપ્તતા જાળવે છે પરંતુ, નોમિનેટ કરાયેલી વ્યક્તિ કે સંસ્થા દ્વારા નામની જાહેરાત કરાતી હોય છે.
• પૂર્વ પ્રેમિકાને ૧૦૦૦ સંદેશા અને કોલ્સઃ
એવશામના ક્રેગ ક્રેમરે એક સપ્તાહમાં તેની પૂર્વ પ્રેમિકાને ધમકીભર્યા ૧૦૦૦ ટેક્સ્ટ મેસેજ અને ૧૦૦૦ કોલ્સ કરીને પરેશાન કરી દીધી હતી. જો તેણે પોલીસને જણાવ્યું તો કોઈની હત્યા કરાશે તેવી ધમકી પણ આપી હતી. એક સમયે ક્રેમરે ૧૫ મિનિટમાં ૧૦૦ કોલ્સ કર્યા હતા. થોડા મહિના પહેલા ક્રેમર પૂર્વ પ્રેમિકાના બર્મિંગહામના નિવાસે ગયો ત્યારે બોલાચાલી પછી ફ્રન્ટ ડોર પછાડ્યું હતું. ક્રેમરે બીજી ફેબ્રુઆરીએ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ક્રિમિનલ ડેમેજ અને હેરાનગતિના આરોપોની કબૂલાત કરી હતી. ક્રેમરના વકીલે જણાવ્યું હતું કે તેનો અસીલ પેરાનોઈડ સાઈકોસિસનો રોગી છે.
• યુકેમાં પ્રવેશવા બોગસ પાસપોર્ટ્સનો ઉપયોગઃ
દર વર્ષે ૨,૦૦૦થી વધુ લોકો યુકેમાં પ્રવેશવાના પ્રયાસમાં બનાવટી પાસપોર્ટ્સનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. ૨૦૧૦થી ૨૦૨૦ના ગાળામાં૨૧,૨૫૬ જેટલા બનાવટી દસ્તાવેજ ઝડપી લેવાયા હતા. બોર્ડર સિક્યોરિટી પોલીસ સમક્ષ દરરોજ બનાવટી પાસપોર્ટ આપવામાં આવે છે અને તેનો ઉપયોગ કરનારા ઈમિગ્રન્ટ સામે પગલાં લેવાય તો ૧૦ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જોકે, ૨૦૧૩માં ૧,૨૦૦ જેટલા પ્રોસીક્યુશન્સ થયા હતા તે ઘટીને ગયા વર્ષે ૩૦૦થી થોડા વધુ હતા. યુકેએ ગયા વર્ષથી ઈયુના આઈડી કાર્ડ્સ સ્વીકારવાનું બંધ કર્યું છે. હોમ ઓફિસે જણાવ્યું છે કે બનાવટી દસ્તાવેજો ધરાવનારાને યુકેમાં પ્રવેશનો ઈનકાર કરાશે.
• અશ્વેતોની ગેરહાજરીમાં પરફોર્મન્સ નહિઃ
બર્મિંગહામની એસ્ટોન પરફોર્મિંગ આર્ટ્સ એકેડેમી ઓડિયન્સમાં અશ્વેત લોકોની હાજરી નહિ હોય તો કોર્પોરેટ ઈવેન્ટ્સમાં પરફોર્મ નહિ કરે. એકેડેમીના કો-ડાયરેક્ટર ટ્રુ પોવેલના જણાવ્યા અનુસાર આ નિર્ણય મુશ્કેલ છે પરંતુ, જે લોકો સામે તેઓ પરફોર્મ કરે છે તેમાં ઘણા સમયથી અશ્વેતોનું પ્રતિનિધિત્વ જણાતું નહિ હોવાની એકેડેમીના યુવા સભ્યોએ નોંધ લીધી છે. બર્મિંગહામે વધુ સારું કરવાની જરૂર છે. અશ્વેત લોકો મનોરંજનનું સાધન હોય તેવી ૭૦ના દાયકાની સ્થિતિમાં ભાગ લેવા ઈચ્છતા નથી. તેમણે એક ઈવેન્ટમાં ૫૦૦ દર્શકોમાંથી એક પણ દર્શક અશ્વેત નહિ હોવાની પણ નોંધ લીધી હતી. જોકે, વેઈટર્સ, વેઈટ્રેસીસ અને પરફોર્મર્સ અશ્વેત હતા.
• એનર્જી કંપનીઓને દર સેકન્ડે £૯૦૦નો પ્રોફિટઃ
બ્રિટિશરો એનર્જી બિલ્સમાં જોરદાર વધારાથી ધ્રુજી રહ્યા છે ત્યારે એનર્જી પ્રોવાઈડર કંપનીઓ BP અને શેલ દ્વારા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અનુક્રમે લગભગ ૩ બિલિયન અને ૪.૩ બિલિયન પાઉન્ડનો નફો જાહેર કરવામાં આવ્યો છે. સામાન્ય પરિવારો પોતાના બિલ્સની ચૂકવવાની મુશ્કેલીમાં છે ત્યારે આ બે કંપનીએ માત્ર ત્રણ મહિનામાં ૭ બિલિયન પાઉન્ડથી વધુ નફો રળ્યો છે. શેલ ૨૦૨૧ના આખા વર્ષમાં ૧૩.૫ બિલિયન પાઉન્ડનો નફો મેળવશે તેવી આગાહી છે. શેલના બોસ બેન વાન બેઉરડેને ૨૦૨૦માં પગાર અને પર્ક્સ પટે ૫.૨ મિલિયન પાઉન્ડ મેળવ્યા છે જ્યારે ૨૦૧૪માં હોદ્દો સંભાળ્યા પછી આશરે ૭૦ મિલિયન પાઉન્ડ ખિસ્સાભેગાં કર્યા છે. BP ના બોસ બર્નાર્ડ લૂનીએ ફેબ્રુઆરી ૨૦૨૦માં હોદ્દો સંભાળ્યા પછી તે વર્ષમાં જ ૧.૭ મિલિયન પાઉન્ડની કમાણી કરી છે.
• ગેંગસ્ટરોએ પણ કોવિડ સપોર્ટ લોન્સ મેળવીઃ
બે ગંગસ્ટરોએ કોવિડ બાઉન્સબેક લોનમાં ૧૪૫,૦૦૦ પાઉન્ડ ચાંઉ કર્યા છે અને નવાઈની બાબત એ છે કે એક ગેંગસ્ટરને તો ૪૮ વખત ગુનાઓની સજા કરાયેલી છે. આસિફ હુસેન ચોરાયેલી વૈભવી કાર દુબાઈ મોકલવાના ધંધામાં રોકાયેલો અને ૪૮ ગુનામાં સંડોવાયેલો હોવાં છતાં, તેણે કોવિડ લોન તરીકે ૫૦,૦૦૦ પાઉન્ડ મેળવ્યા હતા. તેની ગેંગના સાથી ઈબરાઝ શફીકને મહામારીમાં નબળા પડેલા બિઝનેસમાં મદદ પેટે લોન તરીકે ૫૦,૦૦૦ અને ૪૫,૦૦૦ પાઉન્ડ મળ્યા હતા. સત્તાવાર અંદાજો અનુસાર ૪૭ બિલિયન પાઉન્ડની કોવિડ લોન્સમાંથી પાંચ બિલિયન પાઉન્ડ જેટલી લોન પરત નહિ મળવાની આશંકા છે.
• અંજેમ ચૌધરીની યુરોપિયન કોર્ટમાં અપીલઃ
કટ્ટરવાદી ઈસ્લામિસ્ટ ઉપદેશક અંજેમ ચૌધરીએ Isisને સપોર્ટ કરવા બદલ કરાયેલી સજા સામે યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાં અપીલ કરી છે. યુકેમાં ઈસ્લામિક ત્રાસવાદને હવા આપી રહેલા અંજેમ ચૌધરીને ઓલ્ડ બેઈલી કોર્ટ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૬માં સાડા પાંચ વર્ષની સજા કરાઈ હતી. કોર્ટ ઓફ અપીલના જજીસે ૨૦૧૭માં સજા વિરુદ્ધની અપીલ માટે પરવાનગી માગતી અરજી ફગાવી દીધી હતી. ત્રાસવાદી સંગઠન Isisને સપોર્ટ સાથે તેના ગુણગાન ગાવા બદલ ખોટી રીતે કરાયેલી સજાને ફગાવી દેવા સ્ટ્રાસબર્ગના જજીસને સમજાવી શકાશે તેવી ચૌધરીને આશા છે.
• બોરિસના ચીફ ઓફ સ્ટાફને ક્રિકેટનું ઘેલુઃ
અફઘાનિસ્તાન કટોકટી દરમિયાન કાબુલ પર તાલિબાનોએ કબજો મેળવ્યાના ત્રણ દિવસ અગાઉ બોરિસ જ્હોન્સનના ચીફ ઓફ સ્ટાફ ડાન રોસેનફિલ્ડે ક્રિકેટ મેચ નિહાળવામાં દિવસ ગાળ્યો હોવાનું ટેલિગ્રાફના રિપોર્ટમાં બહાર આવ્યું છે. રોસેનફિલ્ડે ૧૨ ઓગસ્ટે લોર્ડ્સ ખાતે ક્રિકેટ નિહાળવાની મહેમાનગતિ માણી હતી. આ પછી ૨૧ ઓગસ્ટે સેંકડો પેરાટ્રુપર્સને કાબુલ એરપોર્ટ પરથી ઈવેક્યુએશન મિશન હાથ ધરવા અફઘાનિસ્તાન મોકલવાની યોજના ઘડાતી હતી ત્યારે પણ તેઓ ક્રિકેટ મેચ જોવા ગયા હતા. જોકે, બચાવમાં એમ પણ કહેવાયું હતું કે તેઓ ત્યાંથી સતત ઓફિસના સંપર્કમાં રહેતા હતા. રોસેનફિલ્ડની હકાલપટ્ટી કરવા સાંસદો અને કેબિનેટ મિનિસ્ટર્સે પણ માગ કરી છે.
• સરકારે £૧૫૦ મિલિયન ચૂકવવા પડશેઃ
ગંભીર રીતે અક્ષમ હજારો લોકોને યુનિવર્સલ ક્રેડિટ સાથે સાંકળવાના પરિણામે તેમને ભારે નાણાકીય નુકસાન ભોગવવું પડ્યું હતુ અને આ કારણે તેમની સાથે સોશિયલ વેલ્ફેર ભેદભાવ આચરાયો હતો. બે અક્ષમ વ્યક્તિએ માસિક ૧૮૦ પાઉન્ડનું ડિસેબિલિટી બેનિફિટ પેમેન્ટ ગુમાવ્યા પછી ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ સામે છ વર્ષની લાંબી કાનૂની લડત આદરી હતી. હાઈ કોર્ટ અને કોર્ટ ઓફ અપીલના ફેવરેબલ ચુકાદા પછી પણ ડિપાર્ટમેન્ટે તેમનું સંપૂર્ણ માસિક નુકસાન ભરપાઈ કરવાનું નકારી ૧૮૦ પાઉન્ડની જ ઓફર કરી હતી. હવે નવા ચુકાદાના કારણે ૫૦,૦૦૦ દાવેદારોને અસર થશે અને તેમને ટ્રાન્ઝિશનલ રાહત આપવા સરકારે વાર્ષિક ૨૦થી ૩૦ મિલિયન પાઉન્ડની રકમના ધોરણે છ વર્ષની રકમ ચૂકવવાની થશે.

