યુકેમાં પ્રિન્સ હેરીની સુરક્ષા વ્યવસ્થાની સમસ્યાઓ અંગે મેઈલ ઓન સન્ડેમાં પ્રકાશિત એક લેખના સંદર્ભે પ્રિન્સ હેરીએ એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડ (ANL) વિરુદ્ધ બદનક્ષી કાર્યવાહી આરંભી છે. ડ્યૂક ઓફ સસેક્સ ધ સનના પ્રકાશક ન્યૂઝ ગ્રૂપ ન્યૂઝપેપર્સ તેમજ અને ધ મિરરના પ્રકાશક જૂથ રીચ વિરુદ્ધ કહેવાતા ફોન હેકિંગ અને ગેરકાયદે માહિતી એકત્ર કરવા સંદર્ભે પ્રાઈવસી ક્લેઈમ પણ દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે 37 વર્ષીય પ્રિન્સ હેરી યુકેમાં હોય ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે હોમ ઓફિસ સામે પણ કાનૂની કાર્યવાહીમાં સંકળાયેલા છે. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ, મેગને 2020માં શાહી ફરજોનો ત્યાગ કર્યો પછી કરદાતાના ફંડથી પ્રાપ્ત પોલીસ સુરક્ષા ગુમાવી હતી. આ દંપતી યુએસમાં નિવાસ કરે છે અને ખાનગી સુરક્ષા વ્યવસ્થા મેળવે છે.
• કોમ્યુનિટી ફાર્મસીસ NHSને બચત કરાવશેઃ
NHSઅને જીપી પ્રેક્ટિસીસ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે જેના કારણે પેશન્ટ્સને સહન કરવાનું થાય છે. કોમ્યુનિટી ફાર્મસી સેક્ટરનું કહેવું છે કે પેશન્ટ્સ જીપીના બદલે કોમ્યુનિટી ફાર્મસીનો વધુ ઉપયોગ કરતા થાય તો પેશન્ટ્સને તો લાભ થશે તેની સાથોસાથ NHSને પણ વાર્ષિક 640 મિલિયન પાઉન્ડની બચત થશે. ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિયેટિંગ કમિટી (PSNC)ના અંદાજ અનુસાર જો નાની સમસ્યા ધરાવતા પેશન્ટ્સ સારવાર અને સલાહ માટે ફાર્મસીસનો ઉપયોગ કરતા થાય તો દર વર્ષે આશરે 40 મિલિયનથી વધુ જીપી એપોઈન્ટ્મેન્ટ્સ ફાર્મસીને ટ્રાન્સફર કરી શકાય. દેશની તમામ 11,200 કોમ્યુનિટી ફાર્મીસનું પ્રતિનિધિત્વ PSNC કરે છે અને તેનું કહેવું છે કે આના પરિણામે એપોઈન્ટમેન્ટ્સના 8 મિલિયન કલાક બચશે અને ડોક્ટ્સ વધુ ગંભીર કે જટિલ સમસ્યા ધરાવતા પેશન્ટ્સને વધુ સમય ફાળવી શકશે. હાલ જીપી એપોઈન્ટમેન્ટ્સ પાછળ 1.2 બિલિયન પાઉન્ડનો ખર્ચ થાય છે તેની સરખામણીએ ફાર્મસીઝમાં વોક-ઈન-સર્વિસ પાછળ 560 મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. આમ, વાર્ષિક640 મિલિયન પાઉન્ડની બચત થશે.
• શ્રીલંકન જર્નાલિસ્ટની હત્યા મુદ્દે ધરપકડઃ
મેટ પોલીસના વોર ક્રાઈમ્સ ડિટેક્ટિવ્ઝે શ્રી લંકાના પ્રસિદ્ધ પત્રકાર મીલ્વાજ્ઞાનમ નિમાલારાજનની હત્યાના સંદર્ભે યુકેના નોટિંગહામશાયરમાંથી ગત મંગળવાર 22 ફેબ્રુઆરીએ 48 વર્ષીય પુરુષની ધરપકડ કરી હતી. 39 વર્ષીય મીલ્વાજ્ઞાનમ નિમાલારાજનની હત્યા ઓક્ટોબર 2000માં તેમના જાફનાસ્થિત નિવાસે કરાઈ હતી. શ્રી લંકાના દાયકાઓ સુધી ચાલેલા આંતરયુદ્ધ તેમજ માનવાધિકાર ઉલ્લંઘનો અને ચૂંટણીની ગેરરીતિઓ વિશે હકીકતો બહાર લાવવામાં મીલ્વાજ્ઞાનમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ વ્યક્તિની ધરપકડ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એક્ટ 2001ની સેક્શન 51 હેઠળના અપરાધોની શંકા હેઠળ કરવામાં આવી છે.
• હિજાબ ઘટનામાં ઈરાની રાજદૂતની હકાલપટ્ટીઃ
ઈરાનની યુકેસ્થિત એમ્બેસીના એક કાર્યક્રમમાં કેટલીક મહિલાઓ ખુલ્લા માથે ફરતી હોવાનો વીડિયો ફરતો થયા પછી ઈરાની એમ્બેસેડર મોહસીન બાહારવાન્ડને ઈરાન પરત બોલાવી લેવાયા હતા અને તેમની હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ગયા વર્ષે જુલાઈમાં હોદ્દો સંભાળનારા એમ્બેસેડર બાહારવાન્ડને તહેરાન પરત બોલાવાયાના સમાચાર ઈરાનની ન્યૂઝ એજન્સી ઈલ્ના દ્વારા જાહેર કરાયા હતા. ઈરાનની ક્રાંતિના 43 વર્ષની ઉજવણી નિમિત્તે સમારંભના ફરતા થયેલા વીડિયોમાં એક મહિલા ખુલ્લા માથે પિયાનો વગાડી રહી હોવાનું દર્શાવાયું હતું. બ્રિટન-ઈરાનના સંબંધો નાજૂક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. બ્રિટિશ-ઈરાનિયન દ્વિનાગરિકત્વ ધરાવતા ત્રણ નાગરિકોની મુક્તિની વાટાઘાટ ચાલી રહી છે ત્યારે એમ્બેસેડરને પરત બોલાવાયા છે.
• બ્રિટિશ નાગરિકત્વ બિલ મુદ્દે લોર્ડ્સની નારાજગીઃ
આગોતરી ચેતવણી વિના જ લોકોની બ્રિટિશ નાગરિકતા છીનવી લેવાની યોજના કાયદાના ન્યાયી શાસનના બ્રિટિશ મૂલ્યોની વિરુદ્ધ હોવાનું લોર્ડ્સના સભ્યોએ કહ્યું છે. વરિષ્ઠ ઉમરાવોએ ચેતવણી આપી છે કે નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલની જોગવાઈ વંશીય લઘુમતીના લોકોને સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવી દેશે. બિલનો ક્લોઝ 9 રાષ્ટ્રીય સુરક્ષા, રાજદ્વારી સંબંધો અથવા જાહેર હિતમાં વ્યવહારુ ન હોય તેવા સંદર્ભે સરકારને નોટિસ આપવામાંથી મુક્તિ આપે છે. કન્ઝર્વેટિવ ઉમરાવ સઈદા વારસી અને નોશીના મુબારક અને ક્રોસબેન્ચ લોર્ડ ફ્રાન્સેસ ડી‘સોઝાનું કહેવું છે કે ક્લોઝ 9 અપીલ વિના જ નાગરિકતાથી વંચિત કરવાની ગુપ્ત સત્તા આપશે. બીજી તરફ, હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાઈટ ટુ અપીલના અધિકારને કોઈ જ અસર થવાની નથી.

