યુકે અને તેના કેટલાક રાજકારણીઓએ ચીનવિરોધી કાવાદાવાથી તેમજ તાઈવાન મુદ્દે ચીનની આંતરિક બાબતોથી દૂર રહેવું જોઈએ તેવી ચેતવણી ચીને આપી છે. યુકેના હાઉસ ઓફ લોર્ડ્સની ગ્રાન્ડ કમિટીએ 3 માર્ચે ‘સપોર્ટ ફોર ડેમોક્રસી ઈન તાઈવાન’ વિશે યોજેલી ચર્ચામાં કેટલાક સભ્યોએ તાઈવાન પ્રદેશની સરખામણી ‘ફાર ઈસ્ટના યુક્રેન’ તરીકે કરી હતી. સભ્મયોએ તાઈવાનના રક્ષણ માટે યુકે સરકારના મજબૂત સપોર્ટની માગણી ઉઠાવી હતી. ચીનની યુકેસ્થિત એમ્બેસીના પ્રવક્તાએ ભારે વિરોધ નોંધાવી તાઈવાન મુદ્દે આગથી ખેલવાનું બંધ કરવા ચેતવણી આપી હતી. તાઈવાન અને યુક્રેનની સરખામણી કરવા તેમજ તાઈવાનના રક્ષણ માટે મજબૂત સપોર્ટની માગણી યુકેના કેટલાક રાજકારણીઓનું અજ્ઞાન દર્શાવે છે તેમ પણ પ્રવક્તાએ કહ્યું હતું. યુકે વન-ચાઈના સિદ્ધાંતને વળગી રહે અને તાઈવાનની આઝાદીની કાગારોળ મચાવતા વિભાજનવાદી તત્વોથી અળગું રહે તેવો અનુરોધ પણ કરાયો હતો.
• યુકેના ખરીદારો માટે રીફિલેબલ ગ્રોસરીઃ
પ્લાસ્ટિક કચરો ઘટાડવાના પ્રયાસમાં વેઇટરોઝ, ઓકાડો, મોરિસન્સ, માર્ક્સ એન્ડ સ્પેન્સર અને સપ્લાય ચેઈન CHEP સહિતના સ્ટોર્સ ગ્રાહકો માટે રીફિલ સ્ટેશન સ્થાપવા સજજ છે. યુકેના દરેક દુકાનદારોને રિફિલ કરી શકાય તેવી ગ્રોસરીઝ- કરિયાણું ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ગ્રોસર્સ પ્લાનેટ ઓર્ગેનિક અને કેટલાક સ્વતંત્ર સ્થાનિક ફાર્મ શોપ્સ સહિતના સ્ટોર્સમાં રીફિલ સ્ટેશન્સ ચલાવતી કંપની Unpackagedનો હિસ્સો છે. સ્ટોર્સમાં પેકિંગ ન હોય તેવા વિકલ્પો ઉપરાંત લોકોને હોમ ડિલિવરી દરમિયાન આવશ્યક માલસામાનના કન્ટેનર ભરવા દેવાની પણ યોજના છે. આ વર્ષના અંત સુધીમાં સુપરમાર્કેટ્સ દ્વારા તેની શરૂઆતની યોજના છે. સુપરમાર્કેટ્સ પાસ્તા, ચોખા, બીયાં, અનાજ, બદામ અને અન્ય ડ્રાય ફ્રુટ્સ જેવા સૂકા માલની રિફિલ લાઇન સાથે જ વોશિંગ-અપ લિક્વિડ, લોન્ડ્રી લિક્વિડ, શેમ્પૂ અને હેન્ડવોશ જેવાં ઘરગથ્થુ અને વ્યક્તિગત ઉત્પાદનો પણ રીફીલ માટે ઓફર કરશે.
• પ્રિન્સ ચાર્લ્સની એન્ડ્રયુને નાણાસહાયઃ
પ્રિન્સ એન્ડ્રયુ વિરુદ્ધ વર્જિનિયા ગીયુફ્રેના સેક્સ એબ્યુઝના કેસમાં મલ્ટિ મિલિયન પાઉન્ડનું સમાધાન થયું તેમાં ક્વીન ઉપરાંત, મોટાભાઈ પ્રિન્સ ચાર્લ્સે પણ સહાય કરી હોવાનું બહાર આવ્યું છે. જોકે, ક્લેરેન્સ હાઉસે આ મુદ્દે ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. ટ્રેઝરી દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે નાણાકીય સમાધાન અથવા કાનૂની ખર્ચમાં સહાય પેટે ટેક્સપેયરના નાણા વપરાયાં નથી. પ્રિન્સ એન્ડ્રયુએ લગભગ 12 મિલિયન પાઉન્ડમાં સમાધાન કર્યું તેના નાણા ક્યાંથી આવ્યા તેવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. ક્વીન તેમની ડચી ઓફ લેન્કેસ્ટરમાંથી વાર્ષિક 21.7 મિલિયન પાઉન્ડની ખાનગી આવક મેળવે છે જે તેમની કરદાતાના નાણાથી ચૂકવાતી સોવરિન ગ્રાન્ટથી અલગ છે. શાહી પરિવારના અન્ય કોઈ સભ્યને ગ્રાન્ટ અથવા જાહેર ભંડોળમાંથી આવક મળતી નથી.
• પબ્સના એનર્જી બિલ્સમાં ભડકોઃ
રશિયન ગેસ જાયન્ટ ગાઝપ્રોમ સામે પ્રતિબંધો લગાયા પછી હજારો હોસ્પિટાલિટી બિઝનેસીસ માટે નવા એનર્જી સપ્લાયર્સ શોધવાનો પડકાર મિનિસ્ટર્સ સામે આવી ઉભો છે. યુકેના આશરે 20 ટકા પબ્સ અને રેસ્ટોરાંને રશિયન સરકારની માલિકીની ગાઝપ્રોમ દ્વારા ગેસનો પુરવઠો મળતો હતો. યુક્રેન પર રશિયાના આક્રમણના પરિણામે બ્રિટિશ પ્રજા અને બિઝનેસીસે ગંભીર અસરો સહન કરવાનો વારો આવ્યો છે. યુકેહોસ્પિટાલિટીના સીઈઓ કેટ નિકોલસના જણાવ્યા મુજબ સૌથી ખરાબ સમયે હોસ્પિટાલિટી બિઝનેસીસને સપ્લાયર બદલવાની ફરજ પડી છે અને માર્કેટની હાલત પર તેની ખરાબ અસર પડશે. હવે વધુ ખર્ચાળ શરતો સાથે અસુરક્ષિત કોન્ટ્રાક્ટ્સ કરવાની અને ઘણા બિઝનેસીસને નવો સપ્લાયર નહિ મળવાના કારણે બંધ કરવાની ફરજ પડશે.
• નોન-બ્રિટિશ ઘરવિહોણા લોકો દેશનિકાલ કરાશેઃ
હોમ ઓફિસની સપોર્ટ સ્કીમ દ્વારા નોન-બ્રિટિશ ઘરવિહોણા - રફ સ્લીપર્સ લોકોની માહિતી એકત્ર કરાઈ રહી છે. ચેરિટીઝ અને કાઉન્સિલ હ્વારા હોમ ઓફિસને પર્સનલ ડેટા અપાઈ રહ્યો છે જે ભવિષ્યમાં તેમને દેશનિકાલ કરવામાં વપરાશે. હોમ ઓફિસ ઓક્ટોબર 2020થી તેની ‘રફ સ્લીપિંગ સપોર્ટ સર્વિસ-RSSS’ હેઠળ રીફર કરાયેલા કેટલા લોકોને બળજબરીથી દેશનિકાલ કરાયા તેની વિગતો આપી રહી નથી. RSSS નહિ નોંધાયેલા રફ સ્લીપર્સ પાસે તેમને જાહેર ભંડાળમાંથી હાઉસિંગ સપોર્ટ માટે ઈમિગ્રેશન સ્ટેટસ છે કે નહિ તેની ઓળખ કરે છે. જે વ્યક્તિ પાસે યુકેમાં રહેવા કાયદાકીય આધાર ન હોય તેમને સ્વૈચ્છિકપણે અથવા બળજબરીથી દેશનિકાલ થવાનો સામનો કરવો પડે છે.

