• ક્વીનના સન્માન માટે વધારાની બેન્ક હોલીડેઃ

Wednesday 18th May 2022 08:11 EDT
 

ક્વીનની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી સંદર્ભે 3 જૂને વધારાની રજા મળવાની છે પરંતુ, આ રજાને કાયમી વાર્ષિક બેન્ક હોલીડેમાં ફેરવવાની માગણી વિચારાધીન છે. આ મુદ્દે કન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રી (CBI), હોસ્પિટાલિટી યુકે, ધી આર્ચબિશપ ઓફ કેન્ટરબરી તથા અન્યોની માગણીમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને પત્ની કેરી જ્હોન્સન તથા ચાન્સેલર રિશિ સુનાકે પણ તેમાં સૂર પુરાવ્યો છે. સુનાકે આ સૂચન માટે ટ્રેઝરીનો અભિપ્રાય ઈનકાર કરે એમ લાગતું નથી. આ નવી પ્રસ્તાવિત ‘થેન્ક હોલીડે’થી મહારાણીની ‘અસામાન્ય સેવા’ની કદરની સાથોસાથ ગત બે વર્ષ દરમિયાન, પ્રજા દ્વારા તેમની કોમ્યુનિટીઓને સપોર્ટ કરવાના પ્રયાસોની પણ કદર કરાશે.

પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે પબ્સ મોડી રાત સુધી ખુલ્લા રહેશેઃ

બ્રિટનવાસીઓ મહારાણીનું અભિવાદન કરી શકે તે માટે પ્લેટિનમ જ્યુબિલી બેન્ક હોલીડે પર ઈંગ્લેન્ડમાં પબ્સ વધુ બે કલાક સુધી ખુલ્લાં રહેશે. ઇંગ્લેન્ડ તથા વેલ્સમાં 2 જૂન ગુરુવારથી 4 જૂન શનિવાર સુધી લાયસન્સિંગ સમયને પણ રાત્રે 11થી 1વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે તેમજ તેમાં નાઇટક્લબોને પણ સમાવી લેવામાં આવી છે. ક્વીનના શાસનને 70 વર્ષ પૂર્ણ કરવા અંગે શુભેચ્છા પાઠવવા માટે ચાર દિવસની મોટી રજાનો સમય કર્મચારીઓને મળી રહેશે. સેવાઓનો સૌથી લાંબો ગાળો સર કરનારા શાસક રાજવી પરિવારને બ્રિટનવાસીઓ સલામ પાઠવી શકે તે માટે રાષ્ટ્રીય તહેવારની પણ ઉજવણી કરાશે.

જાતિય સતામણીના આક્ષેપોની ભરમારઃ

યુકે પાર્લામેન્ટના હેરેસમેન્ટ વોચડોગ ઈન્ડિપેન્ડન્ટ કમ્પ્લેઈન્ટ્સ એન્ડ ગ્રીવન્સ સ્કીમ (ICGS)ને મળેલી જાતિય સતામણી તથા દુર્વ્યવહારની ફરિયાદોના પગલે વિવિધ પક્ષોના 56 સાંસદોની ફરતે તપાસનો ગાળિયો કસાઈ રહ્યો છે. પાર્લામેન્ટમાં ત્રણ કેબિનેટ તથા બે શેડો કેબિનેટ મિનિસ્ટર્સ સામે સતામણી તથા જાતિય દુર્વ્યવહારની ફરિયાદ કરાઈ છે. વેસ્ટમિન્સ્ટરમાં 2017માં છવાયેલાં પેસ્ટમિન્સ્ટર કૌભાંડ પછી 2018માં સ્થપાયેલી ICGS તપાસ સમિતિ અલગ અલગ70 ફરિયાદોમાં તપાસ કરી રહી છે. હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલેએ કેટલાક હાઈપ્રોફાઇલ કેસીસના પગલે પાર્લામેન્ટમાં કામકાજની પદ્ધતિ અંગે સમીક્ષા રજૂ કરવા વિશે જણાવ્યું છે.

આઇરિશ આઈલેન્ડમાં હરેક્રિષ્ના મુવમેન્ટઃ

કાઉન્ટી ફેરમનાગ ખાતેના અંતરિયાળ ટાપુ- આઈલેન્ડને પોતાનું ઘર ગણાવી રહેલા હરેક્રિષ્ના સમુદાયે પોતાની હરેક્રિષ્ના મુવમેન્ટને વિકસાવવાનો પ્રારંભ કર્યો છે. હરેક્રિષ્ના સંપ્રદાય ભારત સાથે ગાઢપણે સંકળાયેલા હિન્દુત્વની જ એક શાખા છે અને વિપુલ સંખ્યામાં અનુયાયી ધરાવે છે. બીટલ્સ ગ્રૂપના જ્યોર્જ હેરિસને ભારતીય અધ્યાત્મવાદમાં ગહન અભિરુચિ કેળવવાનું શરૂ કર્યું ત્યારે 1970થી જ આ ધર્મસંપ્રદાયનો વિકાસ થવા લાગ્યો હતો. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) દ્વારા વર્ષ 1986થી જ કાઉન્ટી ફેરમનાગના ઇનિશ રાથ ટાપુ પર સભ્યો બનાવવાનું શરૂ કરાયું હતું. હવે સ્થાનિક લોકો જેને ‘ક્રિષ્ના આઈલેન્ડ’ તરીકે ઓળખાવી રહ્યા છે તેને બેલફાસ્ટમાં રહેલી ભારતીય સમુદાયની નવી પેઢી પ્રથમ વખત જાણી રહી છે.

ઓફિસ ન આવતા સિવિલ સર્વન્ટ્સની છટણી શક્યઃ

ઘરે રહીને ઓફિસનું કામ કરનારા સિવિલ સર્વન્ટ્સ જો ઓફિસે પરત ફરવા ઇનકાર કરે તો તેમને નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવી શકે છે, એમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના કેબિનેટ મંત્રી જેકોબ રીસ-મોગે સ્પષ્ટપણે ચિમકી આપી છે. રીસ-મોગે જણાવ્યું છે કે, ઘરેથી કામ કરતા કર્મચારીઓ જો ઓફિસે પરત ફરવા ઇનકાર કરે તો તેમને લંડનમાં નોકરી જોઈતી નથી એમ માની લેવાશે. જેકોબે ‘ધ મેઇલ ઓન સન્ડે’માં લખતાં જણાવ્યું છે કે, જાહેર ક્ષેત્રના કેટલાક ભાગોમાં તો એવું વર્તન ચાલે છે કે જાણે હજી લોકડાઉન હોય! આ સૂચનાને દેશમાં ઓછા પગારવાળી અન્ય નોકરીઓમાં તબદીલ કરવાની અથવા એકીસાથે ઘણા બધાને છૂટા કરવાની ગર્ભિત ધમકી તરીકે જોવાય છે.

NHS દ્વારા ખાનગી હોસ્પિટલોને ચૂકવણીઃ

ઇંગ્લેન્ડમાં NHSને હોસ્પિટલોમાં પથારીઓની તંગીના કારણે હવે ખાનગી ક્ષેત્રો પર નિર્ભર રહેવું પડે છે.માનસિક આરોગ્ય પાછળ ચૂકવાતા કુલ 14.8 બિલિયન પાઉન્ડના 13.5 ટકા તો ખાનગી ક્ષેત્રને જ ચૂકવવા પડે છે. માનસિક રોગના દર્દીઓની સારવાર માટે પૂરતી પથારીઓ પણ ન હોવાના કારણે ખાનગી હોસ્પિટલોને દર વર્ષે લગભગ 2 બિલિયન પાઉન્ડ ચૂકવવા NHS મજબૂર બન્યું છે.ખાનગી સંચાલકો દ્વારા ચાલતી હોસ્પિટલોમાં માનસિક દર્દીઓ માટે 10,123 પથારીઓ પૈકીની 10 માંથી 9 પથારીમાં NHSના દર્દીઓ હોય છે. NHS ના દર્દીઓની સારવાર માટે સ્વતંત્ર મેન્ટલ હેલ્થ પ્રોવાઇડરોને 1.964 બિલિયન પાઉન્ડની ચુકવણી કરાય છે. માનસિક આરોગ્યના સ્વતંત્ર સર્વિસ પ્રોવાઇડરોની આવકનો 91 ટકા ભાગ NHS માંથી મળતો હોય છે. પથારીઓની તંગી મોટી સમસ્યા છે. વર્ષ 2010માં ખાનગી હોસ્પિટલોમાં પથારીની સંખ્યા 9,291થી વધી વર્ષ 2021માં 10,123થઈ જ્યારે, NHSની પથારીઓ 23,447 માંથી ઘટીને 17,610 થઈ ગઈ હતી.

PPE કૌભાંડની તપાસમાં દરોડાઃ

કોરોના મહામારીના આરંભે સરકારને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)નો પૂરો પાડવાનાં કૌભાંડમાં ચાલતી ગુપ્ત તપાસ હેઠળ પોલીસે લંડન અને આઈલ ઓફ મેનમાં ઘર એને ઓફિસોમાં દરોડા પાડી આર્થિક દસ્તાવેજો તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો કબ્જો લીધો છે. નેશનલ ક્રાઇમ એજન્સીએ કહ્યું છે કે કોઈને પણ તપાસ માટે બોલાવી શકાય છે. ઘણી સપ્લાય કંપનીઓએ કોવિડ સમયગાળામાં કરદાતાઓના જોખમે ભારે નફો રળી લીધો હતો પરંતુ, ખાતરી આપ્યા મુજબની સેવા કે ડિલિવરી પૂરી પાડી ન હતી અને ઘણાં અયોગ્યPPE રિજેક્ટ કરી દેવાયા હતા. 2020માં કોવિડ ચરમસીમાએ હતો ત્યારે હેલ્થ વર્કર્સ અને અન્ય ચાવીરૂપ વર્કરોને પૂરતાં માસ્ક તથા વસ્ત્રો પૂરાં પાડવાનું સરકાર માટે પણ પડકારજનક બન્યું હતું.

જાવિદે ટ્રેઝરીમાં ઓફશોર ટ્રસ્ટનો ઉપયોગ કર્યોઃ

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ટ્રેઝરીમાં સાંસદ તરીકે કામ કરતી વખતે ઓફશોર ટ્રસ્ટનો ઉપયોગ કર્યો હતો અને તેઓ ચાન્સેલર ઓસ્બોર્નના સહાયક હતા ત્યારે મેમ્બર્સના હિતોનાં રજિસ્ટરમાં પોતાની ટેક્સ વ્યવસ્થા જાહેર કરી ન હતી. જાવિદે 2011માં ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નના પાર્લામેન્ટરી પ્રાઈવેટ સેક્રેટરી (PPS) તરીકે સાંસદોને યુતિ સરકારની કરકસર નીતિ સમજાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. જાવિદના કહેવા મુજબ તેઓ રાજકારણમાં પ્રવેશ પહેલા નોન-ડોમ સ્ટેટસ ધરાવતા હતા તેમજ તેમનું ઓફશોર ટ્રસ્ટ હોવાનું અને તેનો ઉપયોગ કરતા હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, હવે તેઓ સાંસદ અને PPS હતા ત્યારે પણ ટેક્સ હેવનમાં આવેલા ઓફશોર ટ્રસ્ટનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. જાવિદે 2012માં મિનિસ્ટર બન્યા પછી જ પોતાની વિદેશની સંપત્તિ અને ટેક્સ વ્યવસ્થાની જાહેરાત કરી હતી.

પ્રિન્સ એન્ડ્રયુના ડ્યૂક ઓફ યોર્કનો ખિતાબ સામે વિરોધઃ

સિટી ઓફ યોર્કના કાઉન્સિલરોએ ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ યોર્કનો માનબ ખિતાબ પાછો ખેંચી લેવા તજવીજ કરી છે. તેમણે જાતિય શોષણના કેસના સંદર્ભે ક્વીને એન્ડ્રયુએ જાતે જ ડ્યુક ઓફ યોર્કનો ખિતાબ ત્યજી દેવો જોઈએ અથવા ક્વીને પાછો ખેંચી લેવો જોઈએ તેવી રજૂઆતો કરવા માંડી છે. વર્જિનિયા રોબર્ટ્સના જાતિય શોષણના કેસ પછી અનેક સંસ્થાઓ પ્રિન્સથી અળગી રહેવા લાગી છે. આ કેસમાં સમાધાન થયા પછી પણ લોકો એન્ડ્રયુને ‘બદનામ પ્રિન્સ’ કહી રહ્યા છે અને 62 વર્ષીય પ્રિન્સને હવે ‘હિઝ રોયલ હાઈનેસ’ તરીકે સંબોધવાની જરૂર નથી તેવો લોકમત કેળવાઈ રહ્યો છે. યોર્કમાં યોજાતી અશ્વદોડ જેવી ઇવેન્ટ્સમાં ભાગ લેવા બાબતે પ્રિન્સ પર પ્રતિબંધ લાદવાની પણ હાકલ કરાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter