નવા પોલના પરિણામો અનુસાર લગભગ અડધા સ્કૂલ લીડર્સ ફૂગાવા, એનર્જીના વધેલા ખર્ચ અને પગારવધારાના લીધે વધેલા દબાણથી બજેટ નિયંત્રણોના કારણે સ્ટાફમાં કાપ મૂકવા વિચારી રહ્યા છે. મતદાનમાં ભાગ લેનારા 1400 સ્કૂલ અગ્રણીઓમાંથી 42 ટકાએ ચેતવણી આપી છે કે સરકાર પાસેથી ભંડોળ ઓછું પડવાથી બજેટને સરભર કરવા કેટલીક નોકરીઓમાં કાપ મૂકવો જરૂરી છે. સરકારે ટીચિંગ સ્ટાફ માટે પગારવધારાની જાહેરાત કરી હતી જેમાં કારકિર્દીની શરૂઆત કરનારા શિક્ષકો માટે સરેરાશ 8 ટકા, મેઈનસ્કેલ શિક્ષકો માટે 6.4 ટકા તેમજ ટીચિંગ સહાયકો માટે 2000 પાઉન્ડ સુધીના વધારાની જાહેરાત કરી હતી. સીનિયર લીડર્સે જણાવ્યું હતું કે ઈન્ફ્લેશન, એનર્જી કોસ્ટ્ અને શિક્ષકોના કોન્ટ્રાક્ટ્સમાં ફેરફાર શાળાના બજેટ્સ પર ભારણ વધી ગયું છે. મતદાનમાં જણાવાયું હતું કે અંદાજિત પગારવધારાથી સરેરાશ પ્રાઈમરી સ્કૂલ્સને 96,000 પાઉન્ડ અને સેકન્ડરી સ્કૂલ્સ માટે 224,000 પાઉન્ડનો ખર્ચ વધી જશે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શાળાઓને સપોર્ટ કરવા માટે 2024-25 સુધીમાં 7 બિલિયન પાઉન્ડ વધી જશે અને હાર્દરૂપ શાળાઓનું બજેટ વધીને 56.8 બિલિયન પાઉન્ડ થઈ જશે.
• E.ONનો નફો £3 બિલિયનથી વધી ગયોઃ
સમગ્ર યુકેમાં જીવનનિર્વાહ કટોકટીએ ભરડો લીધો છે ત્યારે દેશના ના સૌથી મોટા એનર્જી સપ્લાયર E.ON દ્વારા 6 મહિનામાં 3 બિલિયન પાઉન્ડથી વધુ નફો થયાની જાહેરાત કરાઈ છે. જાન્યુઆરીથી જૂન 2022 સુધીના હિસાબોના પરિણામો અનુસાર ટેક્સ અગાઉના નફામાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું કંપનીએ જણાવ્યું છે. જોકે, સમગ્ર વર્ષ દરમિયાન આશરે 6.4 બિલિયન પાઉન્ડથી 6.6 બિલિયન પાઉન્ડનો ટેક્સ અગાઉના નફાનો અંદાજ મૂકાયો છે. યુકેમાં ગ્રાહકો વધતા બિલ્સની ચૂકવણીમાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવાથી એનર્જી સપ્લાયર્સના દેશના પરિવારો પાસેથી આશરે 1.3 મિલિયન પાઉન્ડના લેણાં નીકળે છે. માર્કેટ એનાલિસ્ટ કોર્નવોલ ઈન્સાઈટે ઓક્ટોબરમાં 81 ટકાની પ્રાઈસ મર્યાદાની આગાહી કરી છે.
• હોસ્પિટલની નર્સીસ પાસે ક્લીનરની કામગીરીઃ
NHSમાં સ્ટાફની કટોકટીએ માઝા મૂકતા હોસ્પિટલની નર્સીસ પાસે ક્લીનરની કામગીરી કરાવવી પડે છે. લૂટન એન્ડ ડનસ્ટેબલ યુનિવર્સિટી હોસ્પિટલ ખાતેની સ્પેશિયાલિસ્ટ નર્સીસ માટે વોર્ડ્સ અને ગંદા યુટિલિટી રૂમ્સની સફાઈ કરવાની નોટિસ મૂકાઈ છે. સ્ટાફને લખાયેલા પત્રોમાં જણાવાયું છે કે હોસ્પિટલ નર્સીસે આખી શિફ્ટ દરમિયાન કલીનર્સ તરીકેની કામગીરી પણ બજાવવાની રહેશે. જોકે, ટ્રસ્ટે વિનંતીસહ જણાવ્યું છે કે સ્ટાફની અભૂતપૂર્વ કટોકટીના કારણે આમ કરવાની ફરજ પડે છે. બીજી તરફ, યુનિયનોએ હોસ્પિટલ બોસીસના આ નિર્ણયને વખોડી કાઢતા કહ્યું છે કે આનાથી પેશન્ટ્સની સારસંભાળને સહન કરવાનું થશે. બેડફોર્ડશાયર હોસ્પિટલ્સ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તમામ વિકલ્પો ખલાસ થઈ ગયા પછી જ સ્પેશિયાલિસ્ટ નર્સીસ પાસે પાર્ટટાઈમ ક્લીનર્સની કામગીરી કરાવાશે.

